
દેશનું IT હબ બેંગલુરુ, ટ્રાફિક જામ માટે સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતું રહે છે. બેંગલુરુ અને ગુડગાંવ જેવા શહેરોમાં ટ્રાફિક જામના ફોટાઓ વારંવાર સોશિયલ મીડિયા પર ફરતા થાય છે. હવે, કંપનીઓ સાયબર સિટીથી પોતાને દૂર કરી રહી છે. બેંગલુરુના ખરાબ ટ્રાફિક અને તૂટેલા રસ્તાઓથી હતાશ થઈને, ઓનલાઈન ટ્રકિંગ પ્લેટફોર્મ બ્લેકબકે તેની બેંગલુરુ ઓફિસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. નવ વર્ષથી, કંપનીની ઓફિસ બેંગલુરુના આઉટર રિંગ રોડ પર બેલંદુરમાં સ્થિત હતી, પરંતુ ખરાબ ટ્રાફિક અને ખાડાવાળા રસ્તાઓને કારણે, કંપની હવે બેંગલુરુથી તેની કામગીરી પાછી ખેંચી રહી છે.

બ્લેકબકના સ્થાપક અને CEO, રાજેશ યાબાજીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા તેમની બેંગલુરુ ઓફિસ બંધ કરવાની જાહેરાત કરી. તેમણે જણાવ્યું હતું કે, ખરાબ ટ્રાફિક વ્યવસ્થા અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સમસ્યાઓને કારણે આવવા જવામાં ઘણો સમય નીકળી જાય છે. સરેરાશ એક તરફની મુસાફરીનો સમય 1.5 કલાક થાય છે. સ્ટાફના કર્મચારીઓને ભારે ભીડ અને ખુબ ભારે ટ્રાફિકમાંથી પસાર થવું પડતું હોય છે તેને કારણે, અમે અમારી બેંગલુરુ ઓફિસ જે નવ વર્ષથી કાર્યરત છે તેને બંધ કરી રહ્યા છીએ. તેમણે લખ્યું કે આ શહેર નવ વર્ષથી તેમનું ઓફિસ અને ઘર બંને રહ્યું છે, પરંતુ હવે ત્યાં કામ કરવું મુશ્કેલ બની ગયું છે.

ડિજિટલ ટ્રકિંગ પ્લેટફોર્મ બ્લેકબકે સોશિયલ મીડિયા પર લખ્યું કે બેંગલુરુના રસ્તાઓ પર ખાડા જ ખાડાઓ છે, રસ્તાઓ ધૂળથી ભરેલા રહે છે અને શહેરના રસ્તાઓની સ્થિતિ વર્ષોથી એવીને એવી જ રહી છે. તેમને સુધારવાની કોઈ વાસ્તવિક ઇચ્છા જોવા મળતી નથી. તેમણે બેંગલુરુના રસ્તાઓ અને ખરાબ ટ્રાફિક વ્યવસ્થાને તેમની ઓફિસ બંધ કરવાના કારણો તરીકે ગણાવી. તેમણે જણાવ્યું કે વર્તમાન પરિસ્થિતિ આગામી પાંચ વર્ષમાં પણ ખાસ બદલાય તેવી લાગતી નથી.

બ્લેકબક એકમાત્ર કંપની નથી જે ખરાબ ટ્રાફિક અને રસ્તાઓને કારણે બેંગલુરુ છોડી રહી છે. અગાઉ ડઝનબંધ કંપનીઓએ આ જ પ્રકારના કારણો આપીને સાયબર સિટીમાં તેમની ઓફિસો બંધ કરવાનો નિર્ણય લીધો છે. બ્લેકબક એક ડિજિટલ લોજિસ્ટિક્સ કંપની છે જે ટ્રકિંગ ક્ષેત્રમાં કાર્યરત છે. આ પ્લેટફોર્મ દ્વારા, ટ્રેકનું બુકિંગ, લોડિંગ અને ટ્રેકિંગ કરવામાં આવે છે.
