
તાજેતરમાં ઉત્તર પ્રદેશના કાનપુરમાં સાર્વજનિક સ્થળોએ ‘આઈ લવ મુહમ્મદ’ના પોસ્ટરો લગાવવાને લઈને વિવાદ શરૂ થયો છે. આ વિવાદને કારણે બરેલીમાં મોટો હોબાળો થયો હતો. મઉ અને લખનૌ સહિત ઉત્તર પ્રદેશના ઘણા અન્ય શહેરોમાં આ પોસ્ટરને લઈને માહોલ બગડવા જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ. આ વિવાદ ઉત્તર પ્રદેશથી આગળ વધીને બિહારમાં પણ પહોંચ્યો હતો. બિહારના સીમાંચલ પ્રદેશમાં ઘણી જગ્યાએ આ પ્રકારના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. અરરિયાના જોગબનીમાં પણ પરિસ્થિતિ બગડી હતી. અત્યારે પણ આ મુદ્દો ચાલુ છે, ત્યારે ભાજપના કટ્ટર હિન્દુ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ દ્વારા શેર કરાયેલી એક પોસ્ટે એક નવી હલચલ મચાવી દીધો છે. ગિરિરાજ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ‘આઈ લવ મુહમ્મદ’ પોસ્ટર શેર કર્યું છે, જેનાથી લોકો ચોંકી ગયા છે.

ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે સવારે લગભગ 10:30 વાગ્યે તેમના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક બંને હેન્ડલ પર આ ‘આઈ લવ મુહમ્મદ’ પોસ્ટર શેર કર્યું છે. કેપ્શનમાં ગિરિરાજ સિંહે લખ્યું છે કે, ‘જય સનાતન, જય મહાદેવ.’ પોસ્ટર અને કેન્દ્રીય મંત્રી દ્વારા શેર કરાયેલા કેપ્શન વચ્ચે ભલે વિરોધાભાસ હોય, પરંતુ લોકોના આશ્ચર્યનું વાસ્તવિક કારણ ગિરિરાજ સિંહના એકાઉન્ટ પરથી ‘આઈ લવ મોહમ્મદ’નું પોસ્ટર શેર કરવાને લઈને છે.
ગિરિરાજ સિંહના હેન્ડલ પરથી પોસ્ટ કરાયેલા આ પોસ્ટરને કોમેન્ટનો વરસાદ આવી ગયો. જોકે, આ પોસ્ટરના થોડા સમય બાદ, ગિરિરાજ સિંહે ‘જય મહાદેવ, જય ભારત માતા, સનાતનનું એક પોસ્ટર શેર કર્યું. આ પોસ્ટરના કેપ્શનમાં, ગિરિરાજ સિંહે લખ્યું- જય મહાદેવ, જય ભારત માતા, સનાતન માત્ર આસ્થા નહીં, આ જ સનાતન છે, આ જ આપણી સંસ્કૃતિ છે, આ જ આપણી શક્તિ છે અને આ જ આપણી ઓળખ છે.

ત્યારબાદ, ગિરિરાજ સિંહે પાંચજન્યની એક પોસ્ટ શેર કરી, જેમાં જય શ્રી રામ લખ્યું હતું. આ સોશિયલ મીડિયાની ગતિવિધિઓ ઉપરાંત, પટનામાં મીડિયા સાથે વાત કરતા ગિરિરાજ સિંહે મૌલવીઓના તાજેતરના નિવેદનો પર તીખી પ્રતિક્રિયા આપી. મૌલવીઓની મરવાનું પણ જાણીએ છીએ અને મારવાનું પણ જાણીએ છીએ જેવી ટિપ્પણી પર પલટવાર કરતા ગિરિરાજ સિંહે કહ્યું કે આ નિવેદન સમાજને ડરાવવા અને સામાજિક સમરસતાને બગાડવાનું કાવતરું છે.
ગિરિરાજ સિંહે રવિવારે પટનામાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, હું શરૂઆતથી જ વારંવાર કહી રહ્યો છું કે ભારતમાં કેટલાક મૌલવીઓ ગઝવા-એ-હિંદની વિચારધારા લઇને ચાલે છે. જ્યાં-જ્યાં પણ તેમની વસ્તી વધી છે, ત્યાં સામાજિક સંતુલનને બગાડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. તૌકીર રાજા અને ઓવૈસી જેવા લોકો સતત સમાજને વિભાજીત કરવાનું કામ કરી રહ્યા છે.
