fbpx

અમેરિકા બહાર બનતી ફિલ્મ પર 100 ટકા ટેક્સ જાહેર કરી ટ્રમ્પ ભારતને 1300 કરોડનો ફટકો આપશે!

Spread the love
અમેરિકા બહાર બનતી ફિલ્મ પર 100 ટકા ટેક્સ જાહેર કરી ટ્રમ્પ ભારતને 1300 કરોડનો ફટકો આપશે!

અમેરિકા તરફથી તેના ટેરિફ હુમલાઓ હજુ પણ સતત ચાલુ છે. હાલમાં જ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોથી લઈને ફર્નિચરની આયાત સુધીની દરેક વસ્તુ પર ઊંચા ટેરિફની જાહેરાત કર્યા પછી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નજર હવે ફિલ્મ ઉદ્યોગ પર છે. તેમણે હવે 100 ટકા ફિલ્મ ટેક્સ લાદવાની ધમકી આપી છે. આની સીધી અસર ભારતીય ફિલ્મ ઉદ્યોગ પર જોવા મળશે, અને એવો અંદાજ છે કે, તેનાથી વાર્ષિક 150 મિલિયન ડૉલર (આશરે 1331 કરોડ રૂપિયાથી વધુ)નું મહેસૂલ નુકસાન થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે સોમવારે જાહેરાત કરી હતી કે US અમેરિકાની બહાર બનેલી ફિલ્મો પર ઊંચા ટેરિફ લાદશે.

Trump Movie Tariff

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં, US રાષ્ટ્રપતિએ લખ્યું હતું કે, ‘હું અમેરિકાની બહાર બનેલી બધી ફિલ્મો પર 100 ટકા ટેરિફ લાદીશ.’ ટ્રમ્પે કહ્યું કે ફિલ્મ નિર્માણનો વ્યવસાય અન્ય દેશોએ અમેરિકામાંથી ચોરી લીધો છે, તેમણે તેને એક બાળક પાસેથી કેન્ડી ચોરી કરવા સાથે સરખાવ્યું હતું. તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, અમેરિકામાં ફિલ્મ ઉદ્યોગને ફરીથી સ્થાપિત કરવા માટે ટેરિફ જરૂરી છે. જો આવું થાય, તો તે અન્ય ઘણા દેશોની સાથે ભારતીય સિનેમાને પણ ગંભીર અસર કરી શકે છે, કારણ કે US ભારતીય ફિલ્મો માટે સૌથી આકર્ષક અને સૌથી મોટા બજારોમાંનું એક છે.

ડોનાલ્ડ ટ્રમ્પનો 100 ટકા મૂવી ટેક્સ ડિજિટલ મનોરંજન પર બોર્ડરની બીજી બાજુના વિતરણ પરનો પ્રથમ US ટેરિફ હશે, જે લગભગ સંપૂર્ણપણે ડિજિટલ થઈ ગયેલા વૈશ્વિક સિનેમાને સીધું લક્ષ્ય બનાવશે,. આમાં થિયેટ્રિકલ ડિજિટલ સિનેમા પેકેજોથી લઈને નેટફ્લિક્સ અને એમેઝોન જેવા સ્ટ્રીમિંગ જાયન્ટ્સ સુધી બધું શામેલ છે. અહીં ખાસ વાત એ છે કે, આ એવા પ્રકારનો પહેલો હુમલો છે, જે ઉત્તર અમેરિકામાં ઝડપથી વિકાસ પામતા ભારતીય સિનેમા વ્યવસાયને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે.

Trump Movie Tariff

US હંમેશા ભારતીય ફિલ્મો માટે સૌથી વધુ આકર્ષનારું વિદેશી બજારોમાં ટોપ પર રહ્યું છે, જ્યાં ફક્ત હિન્દી ફિલ્મો જ નહીં પરંતુ તમિલ, તેલુગુ અને મલયાલમ સહિત અન્ય રિલીઝમાંથી વાર્ષિક અંદાજે 100-150 મિલિયન ડૉલર (રૂ. 880 કરોડથી લઈને રૂ. 1331 કરોડથી વધુ)ની કમાણી કરે છે. પરંતુ, ટ્રમ્પ દ્વારા 100 ટકા ટેરિફની જાહેરાત પછી આ આવકનો સ્ત્રોત હવે જોખમમાં મુકાયેલો દેખાય રહ્યો છે.

ટ્રમ્પનો આ ઉચ્ચ ટેરિફ લાગુ થઈ ગયા પછી, તેની સીધી અસર US સિનેમાઘરોમાં ટિકિટના ભાવમાં જોવા મળશે, જે લગભગ બમણો મોંઘો થઇ જશે. આનો અર્થ એ થયો કે 20 ડૉલરના મૂવી નાઈટનો ખર્ચ 40 ડૉલર થઇ જશે. એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, ખાસ કરીને ભારતીય ફિલ્મ, કે જે ત્યાં રહેતા પ્રવાસી દર્શકો પર આધાર રાખે છે, તેમના માટે આ વધારાને કારણે મુખ્ય પ્રવાહના દર્શકો રાતોરાત ખતમ થઈ શકે છે.

Trump Movie Tariff

અમેરિકા તરફથી મૂવી ટેક્સના સંકેતથી ફિલ્મ વિતરકોમાં ગભરાટ ફેલાયો છે. મુંબઈ સ્થિત એક વિતરકે કહ્યું છે કે, આ ક્ષેત્ર હવે બરબાદ થવાનું છે. તેમણે કહ્યું કે, આમ પણ નફો પહેલાથી જ ઓછો છે, અને આવા ટેરિફ સમગ્ર મોડેલને તોડી નાંખશે, કારણ કે મોટાભાગની ભારતીય ફિલ્મો USમાં ચાલી શકશે નહીં. તેમણે ઉમેર્યું કે, બાહુબલી 2, કલ્કી 2898 AD, પઠાણ અને જવાન જેવી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોએ અમેરિકન દર્શકો પાસેથી અબજો કમાયા છે, પરંતુ નવા 100 ટકા ટેરિફ લાગ્યા પછી, આવી સફળતાની વાર્તાઓ અપવાદ બની શકે છે.

ફિલ્મ ઉદ્યોગના સૂત્રોનો ઉલ્લેખ કરીને અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે, જો ટ્રમ્પની આ નીતિ લાગુ થઇ ગઈ તો ભારતીય સિનેમા એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય જીવનરેખા ગુમાવી શકે છે. અહીં તમને જણાવી દઈએ કે, અમેરિકન ફિલ્મ ઉદ્યોગ હોલીવુડ, વિશ્વના સૌથી મજબૂત ફિલ્મ ઉદ્યોગમાંનો એક માનવામાં આવે છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં, ચીન, કોરિયા અને ભારત સહિત અન્ય દેશોની ફિલ્મોનો ક્રેઝ અમેરિકામાં ઝડપથી વધ્યો છે, અને ટ્રમ્પના આ ટેરિફ હુમલાથી આવા ઘણા દેશોને ખુબ મોટું નુકસાન થઈ શકે છે.

error: Content is protected !!