fbpx

બોલો! દશેરાના આગલા દિવસે તંત્ર ફાફડાનું સેમ્પલ લેવા ગયું, રિઝલ્ટ આવશે દશેરા પછી

Spread the love
બોલો! દશેરાના આગલા દિવસે તંત્ર ફાફડાનું સેમ્પલ લેવા ગયું, રિઝલ્ટ આવશે દશેરા પછી

દશેરા પર દર વર્ષે સુરત સહિત ગુજરાતમાં ફરસાણ અને મીઠાઈનું વેચાણ વધી જાય છે. આ દિવસે સુરત અને દશેરા નો ફાફડા-જલેબીનો અતૂટ-અનોખો સંબંધ રહેલો છે. દર વર્ષે દશેરાના દિવસે સુરતીઓ હજારો કિલો ફાફડા-જલેબી ઝાપટી જાય છે. આમ તો સમય-સમય પર ફરસાણ, મીઠાઇ સહિતની વસ્તુઓની તપાસ માટે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ થતી હોય છે, પરંતુ કેટલીક વખત આવી કાર્યવાહી યોગ્ય સમયે ન કરવામાં આવતા સવાલો ઊભા થાય છે. હવે વાત રાજકોટની જ લઈ લઈએ. આવતીકાલે દશેરો છે અને આજે અહીં ફરસાણ-મીઠાઈની દુકાનો પર દરોડા પાડી નમૂના લેવામાં આવ્યા. આનો મતલબ શું? કાલે દશેરાના અવસર પર લોકો આ મોટાભાગનું ફરસાણ-મીઠાઇ ઝાપટી જવાના અને તેમાં ભેળસેળ હોય તો પછી લોકો કરી પણ શું શકશે? એટલે આવી કાર્યવાહી વહેલી તકે થવી જોઇએ, ખાસ કરીને તહેવારો અગાઉ.

rajkot

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની આજે ઊંઘ ઉડી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી લુઝ સાટા, બરફી, કાજુકતરી, ગાંઠિયા અને જલેબી સહિતની કુલ 32 નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ નમૂનાઓ બાલાજી ફરસાણ, જય સિયારામ ફરસાણ અને રાધે કૃષ્ણ ફરસાણ જેવા જાણીતી દુકાનોમાંથી લેવામાં આવ્યા છે.

વડોદરા શહેરમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું. શહેરના મુખ્ય વિસ્તારોમાં ઠેર-ઠેર ફાફડા-જલેબીના સ્ટોલ લાગી ગયા છે અને ગ્રાહકોનો ઘસારો વધવા લાગ્યો છે. ત્યારે પાલિકા દ્વારા માત્ર પર્વના એક દિવસ અગાઉ ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમે શહેરમાં ચેક કર્યું હતું. ફાફડા, જલેબી, ચટણી અને અન્ય ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

rajkot

તો સુરતમાં 30 સપ્ટેમ્બરે ફાફડા-જલેબીના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડીને આરોગ્યની ટીમ દ્વારા સેમ્પલ કલેક્ટ કરીને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. સામાન્ય રીતેના સેમ્પલનું લેબ ટેસ્ટિંગ પૂર્ણ થવામાં 7-10 દિવસ લાગી શકે છે. ત્યારે 2 દિવસમાં લેવાયેલા સેમ્પલોના પરિણામો થોડા દિવસોમાં આવશે અને દશેરા નિમિત્તે લોકો એ મીઠાઈ અને ફરસાણ તહેવાર દરમિયાન ખરીદીને ઝાપટી જશે. જો એ ખાદ્ય પદાર્થ અખાદ્ય નીવડે અને લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય તો તેના માટે કોણ જવાબદાર રહેશે?

error: Content is protected !!