
દેશ અને દુનિયામાં ઘણી બધી પરંપરાઓ છે, જે વિચારવા પર મજબૂર કરી દે છે. એવામાં દરેક વ્યક્તિ આવી પરંપરાઓ બાબતે જાણવા માગે છે. આવી જ એક પરંપરા નેપાળમાં છે, જ્યાં એક નાની છોકરીને દેવી તરીકે પૂજવામાં આવે છે. તેના માટે પસંદ કરેલી છોકરીમાં 32 ગુણો હોવા જોઈએ. છોકરીએ ઘણા કઠિન પરીક્ષામાંથી પસાર થવું પડે છે. એવામાં જોવામાં આવે છે કે તેની અંદર કેટલું સાહસ છે. તેનાથી અનુમાન લગાવવામાં આવે છે તેની અંદર કેટલા દૈવી ગુણ છે. ત્યારબાદ હજારો લોકો આ છોકરીની એક ઝલક જોવા માટે ભેગા થાય છે. નેપાળની આર્યતારાએ આ પરીક્ષા પ્રક્રિયા પાસ કરી લીધી છે. આ પ્રાચીન અનુષ્ઠાન હેઠળ હવે અઢી વર્ષની ‘આર્યતારા શાક્ય’ નેપાળની શાહી જીવંત દેવી ‘કુમારી’નું પદ સંભાળશે.
કોણ છે નવી દેવી કુમારી?
CNNના અહેવાલ મુજબ, 2 વર્ષ અને 8 મહિનાની આર્યતારા શાક્ય પરંપરાગત સાહસ પરીક્ષા પાસ કરીને નેપાળની દેવી કુમારી બની ગઈ છે. મંગળવારે આર્યતારાના પિતા તેને પોતાના ખોળામાં ઉઠાવીને તલેજુ ભવાની મંદિરમાં લઈ ગયા, જ્યાં હજારો લોકો ‘કુમારી’ની એક ઝલક જોવા માટે લાઇનમાં ઉભા હતા. આર્યતારાના પિતાનું નામ અનંત શાક્ય છે અને તેની માતા પ્રતિષ્ઠા શાક્ય છે. આર્યતારાની એક બહેન પણ છે જેનું નામ પારમિતા શાક્ય છે.

વર્તમાન કુમારી આર્યતારાએ તૃષ્ણા શાક્યનું સ્થાન લીધું. પરંપરા મુજબ, કિશોરાવસ્થામાં પ્રવેશતા જ તૃષ્ણાનો કુમારીકાળ સમાપ્ત થઇ ગયો. ત્યારબાદ તેમને ખાસ પ્રાર્થના અને જ્યોતિષીય મૂલ્યાંકન સાથે ઘરે લઈ જવામાં આવ્યા. એ હેઠળ આઠમના દિવસે કાઠમાંડુના ઐતિહાસિક કુમારી ઘરમાં આર્યતારાની ઔપચારિક પૂજા કરવામાં આવી.
કઈ છોકરી દેવી કુમારી બની શકે છે?
નેપાળી પરંપરા મુજબ, દેવી કુમારી તરીકે પસંદ થવા માટે છોકરીમાં 32 ગુણો હોવા જોઈએ. જેમાં સુંદરતા, શારીરિક શુદ્ધતા, શાંત સ્વભાવ, દૈવીય ગુણો, શરીર પર કોઈ ઘા કે ડાઘ ન હોવા, અંધકારનો ડર ન હોવો, બધા દાંત સ્વસ્થ હોય અને અસાધારણ નિર્ભયતાનો સમાવેશ થાય છે. ‘કુમારી’ને હિન્દુ દેવી તલેજુનો જીવંત અવતાર માનવામાં આવે છે. ‘કુમારી’ હંમેશાં લાલ વસ્ત્રો પહેરે છે, તેના વાળમાં વેણી બાંધે છે અને તેના કપાળ પર ‘ત્રીજી આંખ’ બનેલી હોય છે. શરત એવી પણ છે કે શાહી રાજસી કુમારી શાક્ય કુળમાંથી હોવી જોઈએ અને બંને માતા-પિતા કાઠમાંડુના સ્થાનિક શાક્ય સમુદાયમાંથી હોવા જોઈએ. શાહી ‘કુમારી’ની પૂજા હિન્દુ અને બૌદ્ધ બંને કરે છે.

કેવી રીતે થાય છે છોકરીની પરીક્ષા?
પરંપરા અનુસાર, ‘કુમારી’ બનવા માટે, છોકરીએ કઠોર સાહસની પરીક્ષા આપવી પડે છે. તેમાં તેને ઘણી બલિ આપેલી ભેંસો અને લોહીમાં નાચતા નકાબધારી પુરુષો બતાવવામાં આવે છે. આ દરમિયાન જો ભયનું કોઈપણ લક્ષણ દેખાય તો દેવી તલેજુનો અવતાર બનવા માટે અયોગ્ય માનવામાં છે. ‘કુમારી’ તરીકે પસંદ થયા બાદ છોકરી પોતાના માતા-પિતાનું ઘર છોડી દે છે જ્યાં સુધી બીજી જીવંત દેવી તેનું સ્થાન ન લે.
છોકરી માટે એક ખાસ ‘કુમારી ઘર’ની વ્યવસ્થા કરવામાં આવે છે, જેમાં કોઈ પણ પ્રકારની આધુનિક સુવિધાઓ હોતી નથી. આ દરમિયાન, માતા-પિતાને તેમની પુત્રીને મળવાની મંજૂરી હોતી નથી અને તેઓ તેમની પુત્રીને માત્ર ત્યારે જ જોઈ શકે છે જ્યારે કુમારી વર્ષમાં લગભગ 13 વખત ખાસ કાર્યક્રમો અને સ્થળો પર જાય છે.
