
રાજસ્થાનના વરિષ્ઠ BJP નેતા વસુંધરા રાજે, જે છેલ્લા કેટલાક સમયથી રાજકીય મંચ ઉપસ્થિત રહેતા ન હતા, અત્યારે ફરી સક્રિય થઈ ગયા છે. 2023માં BJPની ટોચની નેતાગીરીએ CM ભજનલાલ શર્માને રાજસ્થાનના CM તરીકે પસંદ કર્યા પછી, ભૂતપૂર્વ CM વસુંધરા રાજે હવે રાજકીય અજ્ઞાતવાસમાંથી ફરી બહાર આવી રહ્યા છે. ટોચના BJP અને RSS નેતાઓ સાથે તેમણે કરેલી હાલની મુલાકાતોએ તેમના ‘રાજકીય પુનરાગમન’ અંગે ચાલતી અટકળોને વેગ આપ્યો છે.

સૌથી વધુ ચર્ચાસ્પદ ઘટના વસુંધરા અને RSS વડા મોહન ભાગવત વચ્ચેની લગભગ 30 મિનિટની મુલાકાત હતી, જેઓ આ મહિનાની શરૂઆતમાં સંઘની અખિલ ભારતીય સંકલન બેઠક માટે જોધપુરમાં હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તે બેઠક પછી, ભૂતપૂર્વ CMએ નાગપુરમાં RSSના ટોચના નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. ગયા વર્ષે રાજસ્થાનમાં સાત વિધાનસભા પેટાચૂંટણીઓમાંથી પાંચમાં BJPની જીત પછી, વસુંધરા રાજેએ પક્ષના તમામ ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી, જેને તેમના પુનરાગમનના સંકેત તરીકે જોવામાં આવી રહી છે.

રાજસ્થાનમાં મંત્રીમંડળમાં ફેરફારની શક્યતા વચ્ચે, BJPના આંતરિક સૂત્રો દાવો કરે છે કે, વસુંધરા રાજેની ચર્ચાઓનો હેતુ તેમના વફાદારો માટે મંત્રીમંડળમાં સ્થાન મેળવવાનો છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘CM ભજન લાલ સરકારની છબીને નુકસાન થવાને કારણે ધારાસભ્યોમાં અસંતોષના અવાજો વધી રહ્યા છે. આના પરિણામે, પાર્ટી માલવિયા નગરના ધારાસભ્ય કાલીચરણ સરાફ અને નિમ્બહેરાના ધારાસભ્ય શ્રીચંદ કૃપલાણી જેવા રાજેના વફાદારોને મંત્રીમંડળમાં સમાવવાનો પ્રયાસ કરી રહી છે. આ સંદર્ભમાં વસુંધરા BJPના કેન્દ્રીય નેતૃત્વ સાથે બેઠકો કરી રહી છે.’ હાલમાં પુરા થયેલા સંસદના ચોમાસા સત્ર દરમિયાન, ભૂતપૂર્વ CMએ નવી દિલ્હીમાં PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પણ મળ્યા હતા.

જ્યારે અન્ય એક સૂત્રએ મંત્રીમંડળમાં મોટા ફેરફારની અફવાઓને ફગાવી દીધી હતી. સૂત્રએ જણાવ્યું હતું કે, ‘CM ભજન લાલ શર્મા PM નરેન્દ્ર મોદી અને અમિત શાહની પસંદગી છે અને તેમના પદ પર બન્યા રહેશે. તેઓ કોઈ પ્રશ્ન કર્યા વિના દિલ્હીથી આવેલી સૂચનાઓનું પાલન કરે છે. જોકે, રાજેને રાષ્ટ્રીય ભૂમિકા માટે ધ્યાનમાં લઈ શકાય છે.’
મોદી સરકાર સાથે વસુંધરા રાજેના સંબંધો ક્યારેય સરળ રહ્યા નથી. BJPએ પહેલી વાર ધારાસભ્ય બનેલા ભજન શર્માને CM તરીકે પસંદ કર્યા પછી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. CM પદ પર પાછા ફરવાની આશાઓથી નિરાશ થઈને, રાજેએ પાર્ટીની બેઠકો છોડી દીધી અને BJPના સ્ટાર પ્રચારક જાહેર થયા હોવા છતાં, રાજ્યમાં યોજાયેલી સાત વિધાનસભા પેટાચૂંટણીઓમાં અથવા ગયા વર્ષે હરિયાણા વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રચાર કર્યો નહીં.

ગયા મહિને ધોલપુરમાં એક સભાને સંબોધતા, તેમણે કહ્યું, ‘વનવાસ એ ફક્ત શ્રી રામના જીવનનો એક ભાગ નથી. દરેક માનવીના જીવનમાં આ વનવાસ આવે છે અને જાય પણ છે.’ ઘણા લોકોએ તેમના આ સંદેશને તેમના સમર્થકો માટે આશ્વાસન તરીકે જોયો, જ્યારે અન્ય લોકોએ તેનું એવી રીતે અર્થઘટન કર્યું કે, રાજકારણમાં કંઈપણ થઈ શકે છે.
BJPએ હજુ સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાના સ્થાને કોઈને અંતિમ સ્વરૂપ આપ્યું નથી, તેથી તેમના સમર્થકો અનુમાન કરી રહ્યા છે કે, વસુંધરા રાજે આ પદ માટે દાવો કરી શકે છે. જો કે, કેટલાક કહે છે કે તે વધુ સંભવ છે કે તે તેમના પુત્ર અને ઝાલાવાડ-બારનના સાંસદ દુષ્યંત સિંહ માટે કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મેળવવા માટે પોતાની વગનો ઉપયોગ કરશે.
