1.jpg?w=1110&ssl=1)
ઓસ્ટ્રેલિયા સામે આગામી ઓક્ટોબર-નવેમ્બરમાં તેની ધરતી પર રમાનારી ત્રણ વન-ડે અને પાંચ ટી20 ઇન્ટરનેશનલ મેચોની સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. યુવા બેટ્સમેન શુભમન ગિલને ટેસ્ટ બાદ હવે વન-ડે ટીમના કપ્તાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે, જેણે રોહિત શર્માનું સ્થાન લીધું છે.
ટીમ સિલેક્શન માટે અમદાવાદમાં પસંદગીકારોની બેઠક યોજાઈ હતી, જેમાં ટીમ અંગે મંથન કરવામાં આવ્યું હતું. વન-ડે સીરિઝ માટે પસંદગીકારોએ શ્રેયસ ઐયરને ઉપ-કપ્તાન બનાવ્યો છે. રોહિત શર્માને હટાવવા અંગે જ્યારે ચીફ સિલેક્ટર અજીત અગરકરને પૂછાતા ત્યારે તેણે કહ્યું હતું કે, 3 ફોર્મેટ માટે 3 અલગ-અલગ કેપ્ટન રાખવા પ્રેક્ટિકલી શક્ય નથી. અમે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને કેપ્ટન બનાવ્યો છે, ગીલને પણ ત્યાં સુધીમાં અનુભવ મળી જશે.
વન-ડે ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને પણ સ્થાન મળ્યું છે. આ બંને દિગ્ગજોને સ્પેશિયાલિસ્ટ બેટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. બીજી બાજુ T20 ટીમની કમાન સૂર્યકુમાર યાદવ પાસે જ રહેશે. ઈજાને કારણે હાર્દિક પંડ્યા અને રિષભ પંત પસંદગી માટે ઉપલબ્ધ નહોતા.
ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી અને રોહિત શર્મા T20 ઇન્ટરનેશનલ અને ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી ચૂક્યા છે. આથી તેઓ હવે માત્ર એક જ ફોર્મેટમાં ભારત માટે રમવા માટે યોગ્ય છે. રોહિત-કોહલી (ROKO) છેલ્લે ભારત માટે ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમતા જોવા મળ્યા હતા, જ્યારે ભારતે ન્યુઝીલેન્ડને હરાવીને ખિતાબ જીત્યો હતો. બંનેએ ODI ક્રિકેટમાં સાથે મળીને 25000થી વધુ રન બનાવ્યા છે, જેમાં 83 સદીઓ સામેલ છે.
હવે મોટો સવાલ એ છે કે શું આ બંને મહાન બેટ્સમેન 2027ના વન-ડે વર્લ્ડ કપ સુધી રમી શકશે. આ મેગા ટુર્નામેન્ટમાં હજી બે વર્ષ બાકી છે. ત્યાં સુધીમાં રોહિત શર્માની ઉંમર 40 વટાવી જશે, જ્યારે વિરાટ કોહલીની ઉંમર પણ 39ની આસપાસ હશે. ‘હિટમેન’ તરીકે જાણીતા રોહિતની ઉંમર ચિંતાનો વિષય બની શકે છે, પરંતુ ‘કિંગ કોહલી’ની ફિટનેસ ઉત્તમ છે. આથી, એવી પ્રબળ સંભાવના છે કે તે 2027 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનો હિસ્સો બની શકે છે.

ભારતની 15 સભ્યોની વન-ડે ટીમ:
શુભમન ગિલ (કપ્તાન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (ઉપ-કપ્તાન), અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર) અને યશસ્વી જયસ્વાલ.

ભારતની 16 સભ્યોની T20 ટીમ:
સૂર્યકુમાર યાદવ (કપ્તાન), અભિષેક શર્મા, શુભમન ગિલ (ઉપ-કપ્તાન), તિલક વર્મા, નીતીશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર.

