
અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી 400 વર્ષ જૂની મસ્જિદના એક ભાગને મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા તોડી પાડવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશને આ સંદર્ભમાં મસ્જિદ ટ્રસ્ટને નોટિસ ફટકારી હતી. હાઈકોર્ટે હવે ટ્રસ્ટની અરજી ફગાવી દીધી છે, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની નોટિસને કાયદેસર ગણાવી છે. આ નિર્ણય રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન અને બુલેટ ટ્રેન ટર્મિનલ માટેનો રસ્તો પહોળો કરવા માટે લેવામાં આવ્યો હતો.
હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સિંગલ બેન્ચના નિર્ણયને યથાવત રાખતા 400 વર્ષ જૂની મસ્જિદના એક ભાગને તોડી પાડવાનો નિર્દેશ આપ્યો હતો. ટ્રસ્ટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલી નોટિસને ગેરકાયદેસર જાહેર કરી હતી. તેમાં જણાવાયું હતું કે વક્ફ કાયદા હેઠળ, આ મસ્જિદ હટાવી નહીં શકાય. મસ્જિદ મહેસૂલ રેકોર્ડમાં અસ્તિત્વ ધરાવે છે. 400 વર્ષ જૂની ઇમારતને ધ્વસ્ત કરી નહીં શકાય.

હાઇકોર્ટે જણાવ્યું કે, ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (GPMC) એક્ટ હેઠળ મ્યુનિસિપલ કમિશનરને ખાસ સત્તાઓ પ્રાપ્ત છે, જે આ કેસમાં લાગૂ પડે છે. આ કેસમાં વક્ફ કાયદો લાગૂ પડતો નથી. સરકારી વકીલ જી.એચ. વીરવીરે જણાવ્યું કે, કાલુપુર વિસ્તારમાં ટ્રાફિક નિયંત્રણ અને જાહેર સુવિધા માટે આ પગલું અત્યંત જરૂરી છે. આ વિસ્તારમાં ભારતીય રેલવે, મેટ્રો રેલ અને પ્રસ્તાવિત બુલેટ ટ્રેન ટર્મિનલ એકસાથે આવેલા છે. કોર્ટે માન્યું કે આ પ્રોજેક્ટ વિશાળ જનહિતમાં છે અને વ્યક્તિગત અસુવિધા શહેરની જરૂરિયાતોની સામે નાની છે.
કાલુપુર રેલવે સ્ટેશનનું નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે, જેની સાથે પ્લેટફોર્મની આસપાસ મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ હબનું નિર્માણ પણ ઝડપથી આકાર લઈ રહ્યું છે. સરકારે રજૂઆત કરી છે કે આ કામગીરી પૂર્ણ થયા બાદ કાલુપુર સહિતના વિસ્તારોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે.
