
ઉત્તર પ્રદેશની સંભલ પોલીસે પ્રખ્યાત હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબ વિરુદ્ધ 20થી વધુ FIR દાખલ કરી છે. પોલીસે જાવેદ હબીબ અને તેમના પરિવારને દેશ છોડીને જતા અટકાવવા માટે લુકઆઉટ નોટિસ બહાર પાડી છે. એવો આરોપ છે કે, પરિવારે 100થી વધુ રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. તેમને ગેંગસ્ટર એક્ટ અને મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પણ કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, જાવેદ હબીબ અને તેમના પરિવાર પર કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. આ સમગ્ર કેસ લગભગ બે વર્ષ જૂનો છે. 2023માં, સંભલના સરાયતરીન વિસ્તારમાં FLC (ફોલિકલ ગ્લોબલ કંપની) નામથી એક કાર્યક્રમ યોજાયો હતો. તે કાર્યક્રમમાં લગભગ 150 લોકોએ ભાગ લીધો હતો. જાવેદ હબીબ અને તેમના પુત્ર, અનસ હબીબ પણ સ્ટેજ પર હાજર હતા. બંને માણસોએ ઉપસ્થિતોને FLC કંપનીમાં રોકાણ કરવા વિનંતી કરી, અને દાવો કર્યો કે તેઓ એક વર્ષમાં 50 થી 75 ટકા વળતર મેળવશે. લોકો પણ તેમની આ છેતરપિંડીમાં ફસાઈ ગયા, અને લગભગ 100 લોકોએ બિટકોઈન અને બિનાન્સ કોઈન જેવી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું હતું.
અહેવાલ મુજબ, લોકો છેતરપિંડીમાં ફસાઈ ગયા અને 5 થી 7 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. એક વર્ષ પસાર થયું, પરંતુ રોકાણકારોને કોઈ નફો મળ્યો નહીં. જ્યારે લોકો તેમના પૈસા પાછા મંગાવા લાગ્યા, ત્યારે કંપનીના ઇન્ચાર્જ, સૈફુલ્લાહ, તેમને ટાળવા લાગ્યા. ટૂંક સમયમાં, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો, અને લોકોએ જાવેદ હબીબ અને તેના પરિવાર સામે ફરિયાદ નોંધાવી.

પોલીસે અહેવાલ આપ્યો કે, આશરે 20 લોકોએ FIR નોંધાવી. તપાસમાં જાણવા મળ્યું કે કંપની જાવેદની પત્નીના નામે હતી. સંભલના પોલીસ અધિક્ષક, K.K. બિશ્નોઈએ જણાવ્યું કે, ‘કેટલાક લોકોએ ફરિયાદ કરી હતી કે, જાવેદ હબીબ, તેનો પુત્ર અને કેટલાક અન્ય લોકો તેમના લાખો રૂપિયા લઈને ભાગી ગયા છે. રાયસટ્ટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. તપાસમાં જાવેદ હબીબની પત્નીનું નામ પણ બહાર આવ્યું છે. તે કંપનીની સ્થાપક છે.’
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, જો લોકોના પૈસા પરત નહીં કરવામાં આવે તો ગેંગસ્ટર એક્ટ અને મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવશે. દેશ છોડીને જતા અટકાવવા માટે તેમની સામે લુકઆઉટ નોટિસ બહાર પાડવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, છેતરપિંડીની રકમ રૂ. 5 થી રૂ. 7 કરોડ છે.

પોલીસ ટૂંક સમયમાં જાવેદ હબીબના મુંબઈ અને દિલ્હી સ્થિત સ્થળોની મુલાકાત લેશે. તેમની બાકીની મિલકતોની પણ તપાસ કરવામાં આવશે. પૂછપરછ માટે તમામ આરોપીઓને પણ નોટિસ મોકલી આપવામાં આવી છે. જો તેઓ હાજર નહીં થાય તો બિનજામીનપાત્ર વોરંટ કાઢવામાં આવશે. વધુ તપાસ ચાલુ છે.
આ દરમિયાન, મીડિયાએ જાવેદ હબીબનો તેમની રજૂઆત સાંભળવા માટે સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે ન તો ફોનનો જવાબ આપ્યો કે ન તો મેસેજનો કોઈ જવાબ આપ્યો.
