fbpx

પોરબંદરના દિનેશભાઈએ પોતાના હકના 4 રૂપિયા પાછા મેળવવા હજારો ખર્ચી નાખ્યા પણ હાર ન માની

Spread the love

પોરબંદરના દિનેશભાઈએ પોતાના હકના 4 રૂપિયા પાછા મેળવવા હજારો ખર્ચી નાખ્યા પણ હાર ન માની

પોતાના મહેનતના પૈસા ખોટી રીતે કોઈ લઈ ન જાય તે માટે વ્યક્તિ હંમેશા કાળજી રાખતો હોય છે. દેશમાં ભૂતકાળમાં આવા અનેક કિસ્સા બન્યા છે, જ્યાં ન્યાય માટે નાગરિકોએ લાંબી લડત આપી હોય. પોરબંદરમાં પણ એક એવો જ અનોખો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક જાગૃત નાગરિકે પોતાની પાસેથી ગેરકાયદેસર રીતે લેવાયેલા માત્ર 4 રૂપિયા પાછા મેળવવા માટે આખરે 4 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો અને પોતાની લડત જીતીને ન્યાય મેળવ્યો છે. આ કિસ્સો હાલ પોરબંદરમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

Porbandar1

પોરબંદરના રહેવાસી અને જાગૃત નાગરિક દિનેશ માંડવીયા અવારનવાર માહિતી અધિકાર (RTI) નો ઉપયોગ કરીને જુદા-જુદા વિભાગો પાસેથી માહિતી માંગતા હોય છે. આ જ ક્રમમાં, તેમણે ગત 8 જુલાઈના રોજ પોરબંદર મહાનગરપાલિકાના હાઉસ ટેક્સ વિભાગ પાસે 4 મુદ્દાની માહિતી માંગી હતી. મનપાના કર્મચારીના કહેવા મુજબ, તેમણે 4 રૂપિયા ભરીને 2 ઓગસ્ટના રોજ જરૂરી માહિતી મેળવી હતી.

જોકે, ત્યારબાદ અરજદારની જાણમાં આવ્યું કે ગુજરાત માહિતી આયોગની સૂચના મુજબ, 5 નકલ સુધીની માહિતી અરજદારોને વિનામૂલ્યે આપવાની હોય છે. આ અંગેની જાણ થતાં જ દિનેશ માંડવીયાએ પોતાની લડત શરૂ કરી.

ગાંધીનગર સુધી પહોંચી વાત

અરજદાર દિનેશ માંડવીયા આ અનિયમિતતા સામે લડવા માટે ગાંધીનગર ગુજરાત માહિતી આયોગની કચેરીએ પહોંચ્યા હતા. ત્યાંના જનસંપર્ક અધિકારીની મુલાકાત લેતા, તેમને પુષ્ટિ મળી કે 5 નકલ સુધીની માહિતી વિનામૂલ્યે આપવાની સૂચના રાજ્યના તમામ સરકારી વિભાગોને આપવામાં આવેલી છે.

Porbandar2

મનપાએ રકમ પરત આપવા કરી આનાકાની

પોરબંદર મહાનગરપાલિકાએ તેમની પાસેથી ખોટી રીતે 4રૂપિયા લીધેલા હોવાથી, દિનેશ માંડવીયાએ મનપામાં અપીલ કરી. આ અપીલની સુનાવણી 10 સપ્ટેમ્બરે રાખવામાં આવી હતી. અપીલ દરમિયાન પોરબંદર મહાનગરપાલિકાના નાયબ કમિશ્નર રકમ પરત આપવા માટે અસહમત થયા હતા. આથી અરજદારે વાંધા સાથે સહી કરી હતી.

આખરે ચેક દ્વારા 4 રૂપિયા પરત મળ્યા

જોકે, બીજા જ દિવસે, 11 સપ્ટેમ્બરે પત્ર દ્વારા અરજદારને હાઉસ ટેક્ષ ઇન્સ્પેક્ટર તરફથી જાણ કરવામાં આવી કે તેમને 4 રૂપિયા પરત આપવામાં આવશે. આખરે, અરજદાર દિનેશ માંડવીયાને રૂબરૂમાં એસબીઆઈ બેન્કનો 4 રૂપિયાનો ચેક આપવામાં આવ્યો.

લડતનો ઉદ્દેશ 4 રૂપિયા નહીં, પણ જાગૃતિ

પોતાની લડત જીત્યા બાદ દિનેશ માંડવીયાએ જણાવ્યું હતું કે, આ લડત તેમણે માત્ર 4રૂપિયા પાછા લેવા માટે નહીં, પરંતુ લોકોમાં જાગૃતા આવે તેવા ઉદ્દેશ સાથે લડી છે. તેમણે કહ્યું કે, તેમને આ રકમ મનપાના વિકાસ કાર્યો માટે પરત પણ કરી આપવી છે.

આમ, એક જાગૃત નાગરિકે પોતાના અધિકાર માટે અને સરકારી તંત્રની અનિયમિતતા સામે જે લડત આપી છે, તેણે પોરબંદરમાં એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

error: Content is protected !!