fbpx

પ્રેમાનંદ મહારાજની સારવાર કરી રહેલા ડૉક્ટરે કહ્યું- તેઓ હવે પાંચ દિવસ ડાયાલિસિસ પર રહેશે

Spread the love
પ્રેમાનંદ મહારાજની સારવાર કરી રહેલા ડૉક્ટરે કહ્યું- તેઓ હવે પાંચ દિવસ ડાયાલિસિસ પર રહેશે

ઉત્તર પ્રદેશના મથુરામાં કેલી કુંજ આશ્રમ દ્વારા બહાર પડાયેલા સંત પ્રેમાનંદ જી મહારાજની તબિયત અંગેના નિવેદનથી ભક્તોમાં ચિંતા અને શ્રદ્ધા બંનેનો માહોલ દેખાઈ રહ્યો છે. વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજે સ્વાસ્થ્યના કારણોસર 2 ઓક્ટોબરથી તેમની પદયાત્રા સ્થગિત કરી દીધી છે. કેલી કુંજ આશ્રમ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, પ્રેમાનંદ મહારાજના સ્વાસ્થ્યને કારણે પદયાત્રા અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે. આશ્રમે ભક્તોને અપીલ કરી છે કે, તેઓ રસ્તા પર ઉભા રહીને દર્શન માટે રાહ ન જુએ, કારણ કે પ્રેમાનંદ મહારાજ હાલમાં આરામ કરી રહ્યા છે અને એકાંતમાં મર્યાદિત સંખ્યામાં જ અનુયાયીઓને મળી રહ્યા છે. આ દરમિયાન, તેમની સારવાર કરી રહેલા ડૉક્ટર તરફથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.

Premanand Maharaj

પ્રેમાનંદ મહારાજ લાંબા સમયથી પોલિસિસ્ટિક કિડની રોગથી પીડાઈ રહ્યા છે. તેમની સારવારમાં સામેલ વરિષ્ઠ નેફ્રોલોજિસ્ટ ડૉ. આશિષ શર્માના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક અઠવાડિયામાં તેમના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે. તેમણે જણાવ્યું કે, પહેલા તેઓ અઠવાડિયામાં સાત દિવસ ડાયાલિસિસ કરાવતા હતા, જે હવે ઘટાડીને પાંચ દિવસ કરવામાં આવી છે. ડૉ. શર્માએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, પ્રેમાનંદ મહારાજે તેમની બીમારી સ્વીકારી છે અને તેને તેમના જીવનનો એક ભાગ બનાવી છે.

ડૉ. શર્મા કહે છે કે, પ્રેમાનંદ મહારાજે તેમના નિવાસસ્થાને એક હાઇ-ટેક ડાયાલિસિસ રૂમ બનાવ્યો છે. તે RO વોટર સિસ્ટમ અને તાલીમ પામેલા ટેકનિશિયનોથી સજ્જ છે. આ એક ઉદાહરણ છે કે શિસ્ત અને શ્રદ્ધા સાથે, વ્યક્તિ ગંભીર બીમારી સાથે પણ સંતુલિત જીવન જીવી શકે છે.

Premanand Maharaj

ડૉ. શર્મા કહે છે કે, પ્રેમાનંદ મહારાજની બીમારી, તેમની કઠોર દિનચર્યા સાથે, તેમના સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. તેમણે કહ્યું કે તેઓ દરરોજ રાત્રે 12:30 વાગ્યે ઉઠે છે, સ્નાન કરે છે, ધ્યાન કરે છે, પદયાત્રા પર જાય છે અને પછી ભક્તોને મળે છે. આ નિયમિત દિનચર્યા થાકનું કારણ બને છે, પરંતુ તેમનો સકારાત્મક વલણ અને સેવાની ભાવના તેમને સતત સક્રિય રાખે છે.

પ્રેમાનંદ મહારાજ ઘણીવાર ભક્તોને તેમની છાતી પર લગાવેલી ટેપ બતાવે છે. ડૉક્ટરના મતે, આ એક કાયમી કેથેટર છે, જે જુગુલર નસમાં દાખલ કરવામાં આવે છે, જે દરેક ડાયાલિસિસ સત્ર દરમિયાન લોહીને શુદ્ધ કરે છે. તે તેમના શરીરમાં કાયમી ધોરણે ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું છે અને તેમના ડાયાલિસિસ માટે ઉપયોગમાં લેવાય છે.

Premanand Maharaj

પ્રેમાનંદ મહારાજને કિડની દાન કરવાની ભક્તો તરફથી ઓફર અંગે, ડૉ. શર્માએ જણાવ્યું હતું કે, તબીબી વિજ્ઞાનમાં કિડની ફેલ્યોર માટે શ્રેષ્ઠ સારવાર ટ્રાન્સપ્લાન્ટ છે, પરંતુ પ્રેમાનંદ મહારાજ એક અલગ માનસિક અને આધ્યાત્મિક સ્થિતિમાં છે. તેમણે પોતાની બંને કિડનીનું નામ ‘રાધા’ અને ‘કૃષ્ણ’ રાખ્યું છે. સંત પ્રેમાનંદ કહે છે કે, જ્યાં સુધી શ્રીજી ઈચ્છે ત્યાં સુધી જીવન આનાથી જ પસાર થશે. જ્યારે જવાનો સમય આવશે ત્યારે સ્વસ્થ કિડની પણ ફેલ થઇ જશે.

પેટમાં દુખાવાની ફરિયાદ પછી 2006માં સંત પ્રેમાનંદ મહારાજને કિડની રોગ હોવાનું નિદાન થયું હતું. પહેલા કાનપુર અને ત્યારપછી દિલ્હીના ડોકટરોએ તેમને આનુવંશિક કિડની રોગ હોવાનું નિદાન કર્યું હતું. તેમની બંને કિડની ખરાબ થઇ ગઈ હતી. ડોકટરોની નકારાત્મક આગાહીઓ છતાં, તેમણે આને આધ્યાત્મિક સાધના માટે એક તક તરીકે લીધી. તેઓ કાશીથી વૃંદાવન ગયા અને રાધાના નામનો જાપ કરવાનું શરૂ કર્યું. ત્યારથી તેમણે આ પ્રથા ચાલુ રાખી છે.

Premanand Maharaj

જ્યારે, પ્રેમાનંદ મહારાજની પદયાત્રા મુલતવી રાખી હોવા છતાં પણ, હજારો ભક્તો દરરોજ કેલી કુંજ આશ્રમની મુલાકાત લે છે, તેમને એક આશા રહે છે કે, કદાચ તેમના દર્શન થઇ જાય. આશ્રમના એક સેવકે જણાવ્યું કે, પ્રેમાનંદ મહારાજજીના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે. તેઓ મર્યાદિત સંખ્યામાં ભક્તોને મળી રહ્યા છે. ભીડ ન કરવા માટે દરરોજ વિનંતીઓ કરવામાં આવી રહી છે.

error: Content is protected !!