
ભારતીય રોકાણકારો વધુ સારા વળતરની શોધમાં US શેરબજાર તરફ વધુને વધુ વળ્યા છે. ઘણા ભારતીય રોકાણકારો પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ (PMS) એકાઉન્ટ્સ, ગ્લોબલ ટ્રેડિંગ પ્લેટફોર્મ અને ફિનટેક એપ્સ દ્વારા US શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે આ રોકાણો પર એવો ટેક્સ લાગી શકે છે, જેના વિશે તેમણે ભાગ્યે જ સાંભળ્યું હશે. આ ટેક્સને US એસ્ટેટ ટેક્સ કહેવામાં આવે છે.
હેલિઓસ કેપિટલના અનુભવી ફંડ મેનેજર અને સ્થાપક સમીર અરોરાએ તાજેતરમાં જ ચેતવણી આપી હતી કે, જો રોકાણકારો US શેર સીધા પોતાના નામે રાખે છે અને મૃત્યુ પામે છે, તો તેમના વારસદારોએ આ સંપત્તિઓ પર 40 ટકા સુધીનો ટેક્સ ચૂકવવો પડી શકે છે.

સેન્સેક્સ અને નિફ્ટીએ આ વર્ષે અત્યાર સુધીમાં રોકાણકારોને માત્ર 4.5 ટકા જેટલું ખુબ ઓછું વળતર આપ્યું છે, જ્યારે US S&P 500 ઇન્ડેક્સ આ સમયગાળા દરમિયાન 15 ટકાથી વધુ વધ્યો છે. વળતરના આ તફાવતને કારણે ઘણા ભારતીય રોકાણકારો US બજાર તરફ ખેંચાયા છે, ખાસ કરીને HNIs (હાઇ નેટવર્થ વ્યક્તિઓ) અને PMS ગ્રાહકો.
જોકે, મોટાભાગના રોકાણકારો એ હકીકતને અવગણે છે કે, USમાં વિદેશી રોકાણકારો માટે US એસ્ટેટ ટેક્સ મુક્તિ મર્યાદા માત્ર 60,000 ડૉલર (આશરે રૂ. 50 લાખ) છે. આનો અર્થ એ થયો કે, જો કોઈ ભારતીય રોકાણકારે US શેરોમાં આ રકમ કરતાં વધુ રોકાણ કર્યું હોય, તો તેમના વારસદારોએ તે પ્રાપ્ત કરતા પહેલા US સરકારને ખુબ ભારે કર ચૂકવવો પડી શકે છે.
US એસ્ટેટ ટેક્સને વારસાગત કર તરીકે ગણી શકાય. આ કાયદો જણાવે છે કે, જો કોઈ બિન-US નાગરિક USમાં સંપત્તિ ધરાવે છે, તો US સરકાર તેમના મૃત્યુ પછી તેમના વારસદારોને ટ્રાન્સફર થાય તે પહેલાં તે સંપત્તિ પર કર વસૂલ કરી શકે છે. એસ્ટેટની વ્યાખ્યામાં શેરોમાં કરેલા રોકાણનો પણ સમાવેશ થાય છે.

US સિવાયના રોકાણકારો માટે મુક્તિ મર્યાદા: 60,000 ડૉલર (આશરે રૂ. 50 લાખ)
કર દર: 40 ટકા સુધી-આ નિયમ ત્યારે પણ લાગુ પડે છે કે જ્યારે રોકાણકાર ભારતમાં રહેતો હોય, ભારતીય બ્રોકર દ્વારા રોકાણ કરતો હોય, અથવા PMS એકાઉન્ટ દ્વારા સીધા શેર ખરીદતો હોય.
મોટાભાગના ભારતીય રોકાણકારો US એસ્ટેટ ટેક્સનું જોખમ અવગણતા હોય છે. આનું સૌથી મોટું કારણ એ છે કે તેમને તેના વિષે કોઈ માહિતી હોતી નથી. આ જોખમ ખાસ કરીને નીચે આપેલા રોકાણકારો માટે ખુબ વધુ હોય છે:-
ગ્લોબલ ટ્રેડિંગ એપ્સનો ઉપયોગ કરીને US સ્ટોક ખરીદતા રિટેલ રોકાણકારો
PMS પોર્ટફોલિયો જે US સ્ટોકમાં સીધું રોકાણ કરે છે
HNIs જે US સ્ટોકમાં મોટો હિસ્સો ધરાવે છે
ફેમિલી ઓફિસો જે પૂલ્ડ સ્ટ્રક્ચરની બહાર સીધા US સ્ટોક ખરીદે છે.

સૌથી અગત્યનું, ભારત અને US વચ્ચે કોઈ ‘એસ્ટેટ ટેક્સ સંધિ’ નથી. આનો અર્થ એ છે કે, ભારતીય રોકાણકારોએ ફક્ત 60,000 ડૉલરની મુક્તિ મર્યાદા સુધી સંતુષ્ટ રહેવું જોઈએ, અને આ મર્યાદાથી વધુની સંપત્તિઓ કરને પાત્ર હોઈ શકે છે.
ભારતીય રોકાણકારો માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, જે તેમને US એસ્ટેટ ટેક્સને આધીન થયા વિના US સ્ટોકમાં રોકાણ કરવાની મંજૂરી આપે છે. મુખ્ય વિકલ્પો નીચે પ્રમાણે શામેલ છે:-
ઓવરસીઝ મ્યુચ્યુઅલ ફંડ્સ અને ETFs: આયર્લેન્ડ અથવા લક્ઝમબર્ગમાં નોંધાયેલા ભંડોળમાં રોકાણ કરવું એ એક સારો વિકલ્પ છે. આ ભંડોળ US સ્ટોક્સમાં રોકાણ કરે છે પરંતુ US એસ્ટેટ ટેક્સને આધીન નથી, કારણ કે તેમને US કાયદા હેઠળ US એસેટ ગણવામાં આવતા નથી.

GIFT સિટી ઓફશોર ફંડ્સ: ભારતના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (IFSC)માં સ્થાપિત પૂલ્ડ ફંડ સ્ટ્રક્ચર દ્વારા રોકાણ કરવાથી શેર સીધા તમારા નામે રાખવામાં આવતા અટકાવશે, એટલે તમારો એસ્ટેટ ટેક્સથી બચાવ થશે.
કોર્પોરેટ અને ટ્રસ્ટ સ્ટ્રક્ચર્સ: HNIs અને ફેમિલી ઓફિસો ઘણીવાર બિન-US કંપની અથવા વિદેશી ટ્રસ્ટનો આશરો લે છે. આનાથી શેરની કાનૂની માલિકી વ્યક્તિથી નીકળીને એક અન્ય માળખામાં બદલાઈ જાય છે.
જીવન વીમા કવર: જો કોઈ રોકાણકાર તેમના રોકાણ માળખામાં ફેરફાર કરવા માંગતો નથી, તો તેઓ અપેક્ષિત એસ્ટેટ ટેક્સના બોજને આવરી લેવા માટે જીવન વીમા પૉલિસી લઈ શકે છે. આનાથી વારસદારોને કર ચૂકવવા માટે તરત જ રોકડ ઉપલબ્ધ થઇ જાય છે.

સાવધાની પણ જરૂરી છે: જો કે, આ બધા વિકલ્પો રોકાણકારોને US એસ્ટેટ ટેક્સથી બચવામાં મદદ તો કરી શકે છે, પરંતુ તેની સાથે અનેક કાનૂની અને પાલન કરવાની જવાબદારીઓ જોડાયેલી હોય છે. આમાં આ બધું શામેલ હોય છે:-
ભારતના FEMA અને RBI નિયમો, US ટ્રસ્ટ, ટેક્સ અને રિપોર્ટિંગ નિયમો, ડબલ ટેક્સેશન અને ડિસ્ક્લોઝર ધોરણો.
આ જ કારણ છે કે, નિષ્ણાતો ભલામણ કરે છે કે, રોકાણકારો કોઈપણ માળખું અપનાવતા પહેલા વ્યાવસાયિક કાનૂની અને કર અંગે માર્ગદર્શન જરૂર મેળવે.
નોંધ: તમારે શેરબજારમાં કોઈપણ નાણાકીય રોકાણ કરવાનું નક્કી કરતા પહેલા, હંમેશા તમારા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે.

