
હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી એટલે કે HUDAમાં હિંમતનગર આસપાસની 11 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો આ 11 ગામના લોકો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધને લઈને આજે હિંમતનગરમાં નેશનલ હાઈવે 48 પર આવેલા કાંકરોલ પાસેના સ્વાગત પાર્ટી પ્લોટમાં ખેડૂતોનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં 11 ગામોના ખેડૂતો તેમના પરિવાર અને સંબંધીઓ સાથે જોડાયા હતા.
આ જના મહાસંમેલન માટે પાર્ટી પ્લોટમાં 15 હજાર ખુરશીઓ ગોઠવવામાં આવી હતી. આ મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આખેઆખા ગામના તમામ જ્ઞાતિના ખેડૂતો તેમના પરિવારો સાથે ટ્રેક્ટર ભરી ભરીને મહાસંમેલનમાં આવ્યા હતા. આ બધા ખેડૂતો ‘HUDA હટાવો જમીન બચાવો.’ના નારા લગાવી રહ્યા હતા સાથે જ હાથમાં પ્લેકાર્ડમાં પણ ગામના નામ સાથે ‘હુડા હટાવો, જમીન બચાવો’ના નારા લખવામાં આવ્યા હતા.

હિંમતનગરના ખેડૂતોનો વિરોધ શહેરી વિકાસના વિરુદ્ધમાં નહીં, પરંતુ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, 1976 હેઠળ આવતી ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમની જોગવાઈઓ સામે છે. આ જોગવાઈઓ હેઠળ ખેડૂતોની 100% જમીનમાંથી 40% જમીન જાહેર હેતુઓ માટે નાણાકીય વળતર વિના કપાતમાં જઈ શકે છે.
ખેડૂતોની મુખ્ય ચિંતા એ છે કે તેમની આજીવિકા મુખ્યત્વે ખેતીવાડી અને પશુપાલન પર નિર્ભર છે. જો 40% જમીન કપાત જશે, તો બાકીની 60% જમીનમાં તેમને આર્થિક રીતે ટકવું મુશ્કેલ બનશે. અગાઉ અમદાવાદ કે સુરત જેવા શહેરોમાં જમીનના ભાવ વધ્યા હતા, જેથી 40% કપાત બાદ પણ ખેડૂતોને ફાયદો થયો હતો, પરંતુ હિંમતનગરમાં મોટાભાગના લોકોનું જીવન જમીન પર નિર્ભર હોવાથી આ જોગવાઈનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે.

આ ખેડૂત મહાસંમેલનમાં HUDA રદ કરવાની માગ સાથે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. સંકલન સમિતિના સભ્ય ઉત્સવ પટેલે કહ્યું કે HUDAએ HUDA લાવવાવાળાઓને હટાવવા માટે હિંમતનગર તાલુકાના તમામ ખેડૂતો અમારી સાથે છે. અમે 15 દિવસમાં HUDA રદ કરવાનું અલ્ટીમેટમ આપીએ છીએ. જો HUDA રદ કરવામાં નહીં આવે તો અમે નેતાઓનો ઘેરાવ કરીશું અને ગાંધીનગર ઉપરાંત દિલ્હી જઈને પણ વિરોધ કરીશું. HUDA વિરોધના ડ્રાફ્ટ પ્લાન રજૂ થયા બાદ હિંમતનગરનાં 11 ગામના લોકોએ HUDA વિરોધી સંકલન સમિતિ બનાવી છે, જે આ સમગ્ર આંદોલનનું સંચાલન કરી રહી છે. એક મહિનાથી આ વિરોધ જન આંદોલનનું સ્વરૂપ લઈ ચૂક્યું છે.
આ અગાઉ 20 સપ્ટેમ્બરના રોજ માર્કેટયાર્ડમાં 10,000 લોકોનું જનસંમેલન યોજાયું. ત્યારબાદ 2 ઓક્ટોબરના રોજ વિજયાદશમીએ દરેક ગામમાં ‘હુડાસૂર’ના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. 5 ઓક્ટોબરના રોજ બેરણા ગામમાં ‘હુડાસૂર’ના બેસણાનો કાર્યક્રમ યોજાયો, જેમાં મહિલાઓએ છાજિયાં લીધાં હતા. 16 ઓક્ટોબર: હિંમતનગરમાં 2 કિલોમીટર લાંબી કેન્ડલ માર્ચ યોજાઈ હતી. આ સિવાય કાંકણોલ અને નવાગામના આક્રોશ સંમેલન પહેલાં અસરગ્રસ્ત ગામોમાં ઉગ્ર માહોલ જોવા મળી રહ્યો છે.

કાંકણોલના ડેપ્યુટી સરપંચ બિરેન પટેલે ચીમકી આપી છે કે, ‘જો HUDA રદ નહીં થાય તો આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપની ભૂંડી હાર થશે.’ જ્યારે નવાગામના ગેટ પર HUDAને સમર્થન આપતા રાજકીય નેતાઓને પ્રવેશબંધીના મોટાં બોર્ડ લગાવવામાં આવ્યાં છે. ગામના ક્ષત્રિય સમાજના લોકોએ સ્પષ્ટ કહી દીધું છે કે, ‘અમે ખેડૂત ખાતેદાર છીએ, જો HUDA રદ નહીં થાય તો આવનારી ચૂંટણી અમે જ તમને હરાવવા નીકળી જઈશું.’
HUDA એટલે શું?
HUDA એટલે શું? HUDA એટલે Himatnagar Urban Development Authority થાય છે. ગાંધીનગરમાં GUDA, વડોદરામાં VUDA, સુરતમાં SUDA, રાજકોટમાં RUDA છે એવી જ રીતે હિંમતનગરમાં હવે HUDA બનવા જઈ રહ્યું છે, જેનો હિંમતનગરના લોકો સખત વિરોધ કરી રહ્યા છે. Urban Development Authority જે ભારતના શહેરોમાં રસ્તા, ગટર, લાઈટ વગેરેનો વિકાસ કરે છે.

સામાન્ય ભાષામાં કહીએ તો જ્યારે કોઈ નાનું શહેર મોટું બને અને વસ્તી વધે તેમજ તેનું ક્ષેત્રફળ પણ દિવસે ને દિવસે વધે છે. તો તે શહેરની આસપાસના વિસ્તારના વિકાસની જવાબદારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને સોંપવામાં આવતી હોય છે. તેના માટે જે-તે શહેરના નામ સાથે UDAની રચના કરવામાં આવે છે.

