
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લગાવેલા 50% ટેરિફ અને ભારત-અમેરિકા વેપાર કરાર માટે ચાલી રહેલી વાટાઘાટોને લઈને રિઝર્વ બેંક (RBI)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને મહત્ત્વપૂર્ણ સલાહ આપી છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 10-20% વચ્ચેનો ટેરિફ ભારત માટે યોગ્ય રહેશે અને વેપાર પર વાતચીત દરમિયાન લક્ષ્ય હોવો જોઈએ. જાપાન અને યુરોપ જેવા દેશોનું ઉદાહરણ આપતા સૂચન કર્યું આપ્યું કે, એવું વચન ન આપો, જેને પૂરા કરવા મુશ્કેલ હોય.
ડીકોડરને આપેલા ઈન્ટરવ્યૂમાં રઘુરામ રાજનને પૂછવામાં આવ્યું કે અમેરિકા સાથે વેપાર વાટાઘાટો દરમિયાન ભારત માટે સ્વીકાર્ય ટેરિફ લિમિટ શું હશે? રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નરે જવાબ આપ્યો કે શૂન્ય હોય તો ખૂબ સારું રહેશે. જોકે, તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે વિકસિત અર્થવ્યવસ્થાઓએ નીચા ટેરિફ સ્તર હાંસલ કરી લીધા છે, ત્યારે ભારતની પ્રાથમિકતા પૂર્વ અને દક્ષિણ એશિયામાં પોતાના સમકક્ષોની તુલનામાં સ્પર્ધાત્મક બન્યા રહેવાની હોવી જોઈએ. ભારતે અમેરિકા સાથેની પોતાની વેપાર વાટાઘાટોમાં 10-20% ટેરિફનું લક્ષ્ય રાખવું જોઈએ.

રઘુરામ રાજને કહ્યું કે, જો તમે પૂર્વ એશિયા અને દક્ષિણ એશિયાના મોટાભાગના ભાગો પર નજર નાખો તો અમેરિકા સાથે જે સમજૂતી સામે આવી રહી છે, તે 19%ની છે અને ઘણા દેશો તેને પહેલાથી જ સ્વીકારી ચૂક્યા છે. અન્ય વિકસિત દેશોની વાત કરીએ તો, યુરોપ અને જાપાન 15% માટે સહમત થયા છે, જ્યારે સિંગાપોર 10% પર સહમત છે. ભારતે પણ આ મર્યાદામાં રહેવાનું લક્ષ્ય રાખવું જોઈએ, પરંતુ એવા વચનો આપવાનું ટાળવું જોઈએ જેનાથી અર્થતંત્ર પર બોજ વધી શકે.
તેમણે એ વાતને લઈને વોર્નિંગ પણ આપી હતી કે, ભારતે સપ્લાઈ ચેઇનમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે ઝડપી પગલાં લેવા જોઈએ. ભારત માટે એ ખૂબ જરૂરી છે કે આપણાં ટેરિફ ઝડપથી ઘટાડવામાં આવે, ખાસ કરીને એવા ક્ષેત્રોમાં જ્યાં આપણી પાસે કાપડ જેવા શ્રમ-પ્રધાન ઉદ્યોગો છે.
RBIના પૂર્વ ગવર્નરે જાપાન અને યુરો ક્ષેત્રનું ઉદાહરણ આપતા મહત્ત્વપૂર્ણ સલાહ આપી. તેમણે કહ્યું કે, વેપાર કરારની વાટાઘાટો દરમિયાન એ મહત્ત્વપૂર્ણ છે કે, એવા કોઈ વચનો ન આઆપો, જેને પૂરા કરવા આપણાં માટે મુશ્કેલ હોય. રાજનના મતે ‘જાપાન અને યુરોપ તરફથી એટલા મોટા વચનો આપ્યા છે કે અમેરિકાને રોકાણમાંથી મોટાભાગના લાભ મળશે, પરંતુ મને નથી લાગતું કે આ તેમના અર્થતંત્રોને નુકસાન પહોંચાડ્યા વિના પૂરા થઈ શકે છે.’

પૂર્વ RBI ગવર્નર અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી રઘુરામ રાજને વધુમાં જણાવ્યું હતું કે, કેટલાક દેશો હવે સહમત થયા બાદ અમેરિકા સાથે ફરીથી વાટાઘાટો કરવાની આશા રાખી રહ્યા હશે, પરંતુ આવી ટૂંકા ગાળાની યુક્તિઓ જોખમી સાબિત થઈ શકે છે. એવું બની શકે કે આ માત્ર વાટાઘાટો છે, અથવા તેઓ વર્તમાન વહીવટ સાથે તેને ચાલુ રાખી શકે છે અને પછીથી ફરીથી વાટાઘાટો કરી શકે છે, પરંતુ મને નથી લાગતું કે વધુ સારા કરાર મેળવવા માટે આવા વચનો આપવા તે સમજદારીભર્યું છે.

