
દર વર્ષે દિવાળીના પખવાડિયા (15 દિવસ) બાદ દેવ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે દેવ દિવાળી બુધવાર 5 નવેમ્બર, 2025ના રોજ ઉજવવામાં આવશે. ઘણા લોકો દિવાળી અને દેવ દિવાળીને એક જ સમજી લે છે અથવા બંને તહેવારોને લઈને મૂંઝવણમાં રહે છે. જો કે, દેવ દિવાળી અને દિવાળી બંને ખૂબ અલગ છે અને તેમને ઉજવવાના પણ અલગ-અલગ કારણ મળે છે. જો તમે પણ દેવ દિવાળી અને દિવાળીને એક જ માનો છો, તો અમે તમને આ આર્ટિકલમાં તેમની વચ્ચેનો તફાવત સમજાવીશું.

દિવાળી અને દેવ દિવાળી વચ્ચે તફાવત શું છે?
દિવાળી અને દેવ દિવાળી વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે દિવાળી કરાતક અમાસના દિવસે ઉજવવામાં આવે છે અને રાવણ પર વિજય મેળવ્યા બાદ ભગવાન રામના અયોધ્યા પાછા ફરવાની યાદમાં ઉજવવામાં આવે છે. જ્યારે દેવ દિવાળી કારતક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે અને ભગવાન શિવ દ્વારા ત્રિપુરાસુર રાક્ષસના વધની ખુશીમાં ઉજવણી કરવામાં આવે છે. દિવાળી પર લક્ષ્મી પૂજાનું મહત્ત્વ હોય છે. જ્યારે દેવ દિવાળી પર ભગવાન શિવની પૂજા અને ગંગામાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે.

દેવ દિવાળી શા માટે ઉજવવામાં આવે છે?
દેવ દિવાળીને દેવતાઓની દિવાળી પણ કહેવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે બધા દેવી-દેવતાઓ પૃથ્વી પર ઉતરીને ઉત્સવ મનાવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કરીને બ્રહ્માંડનું રક્ષણ કર્યું હતું અને આ ખુશીમાં બધા દેવતાઓ કાશીમાં પ્રગટ થયા હતા. ત્યારથી વારાણસીમાં દેવ દિવાળી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

