
દેશમાં હાલમાં માતા-પિતા બનનારા યુગલોમાં એક પ્રવૃત્તિ વધી રહી છે — કેટલાક માતાપિતા તેમના સંતાનની ડિલિવરી “જ્યોતિષીય મુહૂર્ત” પ્રમાણે કરવા માટે C-Section (સીજેરિયન શસ્ત્રક્રિયા) પસંદ કરી રહ્યા છે. પરંતુ આવા નિર્ણય યોગ્ય ક્લિનિકલ નિદાન વિના લેવામાં કેટલીક વાર જોખમો મોટા છે.
ભારતમાં, વર્ષ 2015-16માં થયેલા નેશનલ ફેમિલી હેલ્થ સરવે (NFHS)-4 મુજબ C-Sectionનો દર 17.2% હતો, જયારે 2019-21 દરમિયાન થયેલા NFHS-5માં એ 21.5% સુધી વધ્યો છે. WHO અનુસાર, C-Sectionનો દર સામાન્ય રીતે 10-15% ની વચ્ચે હોવો જોઈએ. ભારતનો હાલનો દર આ મર્યાદાની બહાર લાગી રહ્યો છે. ગુજરાત રાજ્ય માટે NFHS-5 અનુસાર C-Sectionનો દર 18.1% નોંધવામાં આવ્યો છે. જોકે, આ આંકડો સરકારી હોસ્પિટલ્સનો છે. ખાનગીમાં C-Sectionનું પ્રમાણ વધારે હોવાની શક્યતા છે.

આ આંકડાઓ જોતા એક વાત ચોક્કસ છે કે સિઝેરિયન ડિલિવરીનું પ્રમાણ વધી રહ્યું છે. તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઇ શકે છે. પરંતુ અહીં મુદ્દો જ્યોતિષની સલાહથી સિઝેરિયન ડિલિવરી કરાવવાનો છે. શું આમ કરવું યોગ્ય છે ખરૂં. તેના ફાયદા શું હોઇ શકે અથવા શું નુક્સાન થઇ શકે.
જ્યોતિષ શાસ્ત્ર ભારતનું અમૂલ્ય ઘરેણું છે. દેશમાં મોટાભાગના લોકો તેની ઉપર વિશ્વાસ કરે છે. પરંતુ બાળકના જન્મનો સમય નક્કી કરવા માટે જ્યોતિષનો ઉપયોગ કરવા અંગે ચર્ચાની જરૂર છે. કારણ કે બાળકના જન્મનો સમય ભગવાન કે કુદરત નક્કી કરે છે. તે માણસ નક્કી કરી શકે નહીં. માતા ને લેબર પેઇન શરૂ થાય તે તેનું સિગ્નલ હોય છે. ત્યારપછી ડોક્ટરનું કામ શરૂ થાય છે. જો જરૂર પડે તો ડોક્ટર સિઝેરિયન ડિલિવરીનો નિર્ણય લે છે. જો જરૂર ન હોય તો સામાન્ય ડિલિવરી થાય છે. પરંતુ તેનો નિર્ણય ડોક્ટર જ લે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જન્મ કરાવાવાનો નિર્ણય ડોક્ટર નહીં પરંતુ જ્યોતિષ લે છે. પરંતુ જો કોઇ જોખમ ઊભું થાય તો તેની જવાબદારી તો ડોક્ટર પર જ આવે છે. તો પછી કોણે નિર્ણય કરવો જોઇએ.

રામાયણની એક કથા પ્રચલિત છે. રાવણના પુત્ર મેઘનાદના જન્મ વખતે રાવણે બધા જ ગ્રહોને અનુકૂળ કરવા માટેના પ્રયત્ન કર્યા પરંતુ શનિએ તે કરવા ન દીધું. આમ, શક્તિશાળી અને જ્યોતિષશાસ્ત્રનો મહાન જ્ઞાતા તેવો રાવણ પણ સમયને પોતાની મુઠ્ઠીમાં કરી શક્યો ન હતો. તો શું આપણે બાળકના જન્મનો નિર્ણય જ્યોતિષના આધારે કરવો જોઇએ કે નહીં તે અંગેની ચર્ચા હું તમારી ઉપર જ છોડું છું

