
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ચીન ગુપ્ત રીતે પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કરી રહ્યું છે. ટ્રમ્પના આ દાવાથી ખળભળાટ મચી ગયો, જેના કારણે ચીનને પ્રતિક્રિયા આપવા માટે મજબુર થવું પડ્યું. ચીને ટ્રમ્પના દાવાને સખત રીતે નકારી કાઢ્યો અને કહ્યું કે તે શાંતિપૂર્ણ વિકાસ માટે પ્રતિબદ્ધ એક જવાબદાર પરમાણુ-શસ્ત્રો ધરાવતો દેશ છે.
ટ્રમ્પના આરોપો પર પ્રતિક્રિયા આપતા, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું હતું કે, તેમનો દેશ પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અંગે ‘નો ફર્સ્ટ યુઝ’ એટલે કે ‘પહેલા ઉપયોગ નહીં’ નીતિનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓએ સ્પષ્ટતા કરી હતી કે, ચીનની પરમાણુ નીતિ સંપૂર્ણપણે સ્વ-બચાવ પર આધારિત છે અને તે વ્યાપક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ (CTBT)ની અખંડિતતાને જાળવી રાખવા માટે તમામ પક્ષો સાથે કામ કરવા તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે, ચીન આંતરરાષ્ટ્રીય પરમાણુ નિઃશસ્ત્રીકરણ અને અપ્રસાર પ્રણાલીનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે એવી પણ આશા વ્યક્ત કરી હતી કે, US CTBT હેઠળ તેની પ્રતિબદ્ધતાઓનું પાલન કરશે અને આ સંદર્ભમાં વૈશ્વિક વ્યવસ્થાના નિયમોનું સન્માન કરશે.
હકીકતમાં, ગુરુવારે દક્ષિણ કોરિયામાં શી જિનપિંગને મળ્યા પહેલા, ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર જણાવ્યું હતું કે, અમેરિકા ત્રણ દાયકામાં પહેલી વાર પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ ફરી શરૂ કરશે.

ત્યારપછી તેમણે એક TV શો ’60 મિનિટ્સ’માં પરમાણુ પરીક્ષણ ફરી શરૂ કરવાના અમેરિકાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.
તેમણે દાવો કર્યો હતો કે, રશિયા, પાકિસ્તાન, ચીન અને ઉત્તર કોરિયા ગુપ્ત રીતે પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કરી રહ્યા છે.
ટ્રમ્પે કહ્યું, ‘તેઓ (અન્ય દેશો) પરીક્ષણ કરે છે, અને અમે નથી કરતા. અમારે પણ પરીક્ષણ કરવું પડશે. રશિયાએ હાલમાં જ કેટલાક અલગ સ્તરના પરીક્ષણો કરવાની વાત કરી હતી. રશિયા પરીક્ષણ કરે છે, ચીન પરીક્ષણ કરે છે, પરંતુ તેઓ તેના વિશે કોઈ વાત કરતા નથી. તેથી હવે અમે પણ પરીક્ષણ કરીશું.’

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, આ દેશોના પરીક્ષણો ભૂગર્ભમાં કરવામાં આવે છે, જેના કારણે તેમને શોધવાનું મુશ્કેલ બને છે.
ટ્રમ્પે દાવો કર્યો હતો કે, રશિયા અમેરિકા પછી બીજા ક્રમે છે, જ્યારે ચીન ત્રીજા ક્રમે છે. તેમણે કહ્યું, ‘અન્ય દેશોના પરીક્ષણ કાર્યક્રમોને જોતાં, મેં સંરક્ષણ વિભાગને તાત્કાલિક અમારા પરમાણુ શસ્ત્રોનું આ જ પ્રકારનું પરીક્ષણ શરૂ કરવાનો આદેશ આપી દીધો છે.’

