fbpx

ચૈતર વસાવાની હાજરીમાં ભાજપના 5000 અને કોંગ્રેસના 3000 જેટલા કાર્યકરો AAP સાથે જોડાયા

Spread the love

ચૈતર વસાવાની હાજરીમાં ભાજપના 5000 અને કોંગ્રેસના 3000 જેટલા કાર્યકરો AAP સાથે જોડાયા

દિવાળીના તહેવારો બાદ છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આથા ડુંગરી ગામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ગુજરાત જોડો યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ગુજરાતમાં આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ અગાઉ છોટાઉદેપુર જિલ્લામાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ચૈતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લાને નિશાન બનાવીને રાજકીય ગઢમાં મોટું ગાબડું પાડ્યું છે. દાવો કરાયો છે કે કવાંટ તાલુકાના આથાડુંગરી ગામે આયોજિત સભામાં ભાજપના 5000 અને કોંગ્રેસના 3000 જેટલા કાર્યકરો અને હોદ્દેદારોએ બંને પાર્ટીઓ છોડીને AAPમાં સામેલ થઈ ગયા હતા.

chaitar-vasava

આ કાર્યક્રમમાં AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. વસાવાએ આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી સુધીમાં ભાજપના એક લાખ કાર્યકરોને AAPમાં જોડવાનું લક્ષ્ય રાખ્યું છે. છોટાઉદેપુરના ભાજપ અને કોંગ્રેસ બંનેના સ્થાનિક સંગઠનોમાંથી આટલી મોટી સંખ્યામાં કાર્યકરો AAPમાં જતા રહેતા હડકંપ મચી ગયો છે. આથાડુંગરીના સરપંચે 20 વર્ષ બાદ ભાજપનો સાથ છોડ્યો. જ્યારે ભંગિયાભાઈ સરપંચે 30 વર્ષ બાદ કોંગ્રેસ છોડીને AAPમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ચૈતર વસાવાએ મંચ પરથી અપનાવી ભાજપના લોકોને ભગાડવા માટે આહવાન કર્યું હતું.

રાજકીય શક્તિ પ્રદર્શનની સાથે ચૈતર વસાવાએ આદિવાસીઓના અધિકારોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે આંબાડુંગરની આસપાસના ગામોને વિસ્થાપિત કરવાના સરકારના પ્રયત્નોથી આદિવાસી સમાજને બચાવવા માટે મેદાને પડવાનો હુંકાર ભર્યો હતો. સરકાર હાઈડ્રોપ્રોજેક્ટ અને અન્ય પ્રોજેક્ટો લાવીને નસવાડીના 14 ગામો તેમજ આંબાડુંગરના 24 ગામોમાં આદિવાસીઓની જમીન છીનવવાના પ્રયાસ કરી રહી છે. તેમણે સ્પષ્ટતા કરી કે, આદિવાસીઓની જમીનો છીનવવા નહીં દેવામાં આવે. ચૈતર વસાવાએ આ સભામાંથી મુખ્યમંત્રી અને ભાજપ સંગઠન પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ખુલ્લેઆમ જણાવ્યું કે, મારા વિસ્તારમાં વડાપ્રધાન આવે છે છતા હું ભાજપમાં જોડાવાનો નથી. મને જેલમાં પૂરીને માનસિક રીતે તોડવાના પ્રયત્નો થયા, પરંતુ હું ઝૂક્યો નથી. તેમણે 35 વર્ષથી સાંસદ રહેલા મનસુખ વસાવા પર કટાક્ષ કર્યો કે તેઓ પોતાના ગામનો રસ્તો બનાવી શકતા નથી. તેમણે એમ પણ કહ્યું કે, ‘અમે સર્કસના વાઘ બનવા માગતા નથી.’

chaitar-vasava.jpg-4

વસાવાએ આક્ષેપ કર્યો કે પાટીદાર સમાજ નારાજ ન થાય તે માટે મુખ્યમંત્રી બદલવામાં આવ્યા નથી. હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ‘ડમી’ બની ગયા છે અને હર્ષ સંઘવી ‘સુપર CM’ તરીકે કામગીરી કરી રહ્યા છે. સાથે જ તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, વિરોધને ઠારવા માટે SIR લાવીને ચૂંટણીઓમાં વિલંબ કરવવામાં આવી રહ્યો છે. પ્રશાસકોએ શાસન આપવા માટે આખું કાવતરું ઘડ્યું છે.

મીડિયા સાથેની વાતચીતમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, અમારા કાર્યક્રમો ચાલી રહ્યા છે, ત્યારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિરસા મુંડા ભગવાનની 150મી જન્મ જયંતિ નિમિત્તે ડેડીયાપાડામાં આવી રહ્યા છે. કેટલાક લોકો તેમને ભાજપમાં જોડાવા માટે ધમકાવી રહ્યા છે અને જેલનો ડર બતાવી રહ્યા છે. તેમને કહેવામાં આવી રહ્યું છે કે 15 તારીખે વડાપ્રધાનના હસ્તે ભાજપમાં જોડાઈ જાવ, નહીં તો… ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની સરકારે મને જેલનો ડર બતાવીને ડરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હું આદિવાસીનો દીકરો છું, અમે ડર્યા નથી અને આગામી દિવસોમાં પણ ડરવાના નથી. તેમનો (ભાજપનો) ટાર્ગેટ છે કે 15 નવેમ્બરે ચૈતર વસાવાને ભાજપમાં જોડી દઈએ, ત્યારે અમે પણ બધાએ ટાર્ગેટ લીધો છે કે આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી સુધીમાં ભાજપના 1 લાખ લોકોને અમારા સમર્થનમાં AAPમાં જોડીશું.’

chaitar-vasava.jpg-3

માવઠાને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અને સરકારે જાહેર કરેલા 10 હજાર કરોડના પેકેજ પર બોલતા વસાવાએ કહ્યું કે, ‘33 લાખ હેક્ટરમાં નુકસાન થયું છે અને સરકારે એક હેક્ટરના 20-22 હજાર રૂપિયા આપવાની વાત કરી છે. પરંતુ 100% નુકસાન હશે તો જ આ વળતર મળવાનું છે. 50% નુકસાન હશે તો 7-8 હજાર જ મળશે. એટલે આ લોલીપોપ છે.’ તેમણે માગ કરી કે, સરકારે વીમા યોજના દાખલ કરવી જોઈએ, ધિરાણ લેનાર ખેડૂતોની લોન માફ કરવી જોઈએ અને દરેક ખેડૂતને પંજાબ સરકારની જેમ પ્રતિ હેક્ટર 50-50 હજાર રૂપિયા સહાય આપવી જોઈએ.

error: Content is protected !!