
US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું તાજેતરનું નવું નિવેદન ભારતમાં ફરી એકવાર તણાવ વધારી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓ રશિયા સાથે વેપાર કરતા દેશો પર 500 ટકા સુધીના ટેરિફ લાદવાના બિલને સમર્થન આપશે. આ બિલને US સેનેટ દ્વારા હજુ સુધી મંજૂરી આપવામાં આવી નથી. જોકે, ટ્રમ્પના નિવેદનથી ચીન અને ભારત જેવા દેશોમાં ચિંતા વધી છે, જે રશિયાના મહત્વપૂર્ણ વેપાર ભાગીદાર છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, રિપબ્લિકન એવા કાયદાનો મુસદ્દો તૈયાર કરી રહ્યા છે, જે રશિયા સાથે વેપાર કરતા કોઈપણ દેશ પર ખૂબ જ કડક પ્રતિબંધો લાદશે. તેમણે કહ્યું હતું કે, તેઓ સેનેટમાં આ બિલને સમર્થન આપશે. ટ્રમ્પે એવો પણ સંકેત આપ્યો હતો કે, તેઓ પ્રતિબંધોમાં ઈરાનને પણ સામેલ કરી શકે છે. આ અગાઉ, સેનેટના બહુમતી નેતા જોન થુને ઓક્ટોબરમાં જણાવ્યું હતું કે, તેઓ આ બિલને મતદાન માટે લાવવા તૈયાર છે.

મીડિયા સૂત્રો અનુસાર, આ બિલ ટ્રમ્પને રશિયા પાસેથી તેલ કે ગેસ ખરીદતા દેશો પર 500 ટકા સુધીના ટેરિફ લાદવાનો અધિકાર આપશે. આનાથી ચીન અને ભારત જેવા દેશો સીધા નિશાન બનશે, જે રશિયા પાસેથી ઉર્જા સંબંધિત ઉત્પાદનો ખરીદે છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, બિલ પર ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે રશિયાએ પૂર્વી યુક્રેનમાં પોકરોવસ્ક રેલ્વે હબ પર કબજો મેળવવાના પ્રયાસો તીવ્ર બનાવ્યા છે. આખા યુક્રેનમાં રશિયન હવાઈ હુમલાઓ પણ ચાલુ છે, જ્યારે યુક્રેને રશિયન તેલ સંબંધિત મિલ્કતોને નિશાન બનાવ્યું છે.

અહેવાલ મુજબ, બંને મુખ્ય US પક્ષો, ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન, એ રશિયા સામે કડક પ્રતિબંધોની માંગ કરી છે. જોકે, ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને શાંતિ વાટાઘાટો માટે ટેબલ પર લાવવાનો પ્રયાસ કર્યો હતો, આના કારણે તેમણે નવા પ્રતિબંધો મુલતવી રાખ્યા હતા. જો કે, બંને દેશો વચ્ચે શાંતિ વાટાઘાટો ખુબ ધીમી ગતિએ આગળ વધી રહી હોય તેવું લાગે છે, અને હુમલાઓ તીવ્ર બની રહ્યા છે, તેથી ટ્રમ્પ હવે પ્રતિબંધોને વધુ કડક બનાવી શકે છે. આ અગાઉ, અમેરિકાએ તાજેતરમાં રશિયાની બે સૌથી મોટી તેલ કંપનીઓ પર પ્રતિબંધો પણ લગાવ્યા હતા. પરિણામે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં ભારતમાં રશિયન તેલની આયાતમાં પણ ઘટાડો થયો છે.

