
એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025ની પહેલી સેમીફાઇનલમાં ભારત-A જીતની ખૂબ નજીક પહોંચી ગઈ હતી, પરંતુ બાંગ્લાદેશ-A સામે હારી ગઇ. મેચ પ્રથમ 20 ઓવરમાં રોમાંચક રહી અને પછી સુપર ઓવરમાં પહોંચી ગઈ, જ્યાં ભારતીય ટીમ એક પણ રન ન બનાવી શકી. આ હાર બાદ 3 મોટા નિર્ણયો પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, જેણે ટીમને ફાઇનલમાંથી બહાર કરી દીધી. વૈભવ સૂર્યવંશી અને પ્રિયાંશ આર્ય જેવી મજબૂત જોડી હોવા છતા ટીમ મેનેજમેન્ટની નબળી રણનીતિ મોંઘી સાબિત થઈ.
1. નોકઆઉટ મેચમાં ખોટી ટોસ રણનીતિ
કેપ્ટન જીતેશ શર્માનો પહેલો મોટો નિર્ણય ટોસ જીત્યા બાદ બોલિંગ કરવાનો હતો. નોકઆઉટ મેચોમાં મોટાભાગની ટીમો પહેલા બેટિંગ કરવાનો અને મોટો સ્કોર બનાવવાનું મન બનાવે છે. જીતેશે વિપરીત નિર્ણય લીધો. બાંગ્લાદેશે શરૂઆતથી જ તેજ રન બનાવ્યા અને મેચ પર દબાણ બનાવ્યું. જો ભારતે પહેલા બેટિંગ કરી હોત તો કહાની કઈક અલગ હોત.

2. 19મી ઓવરમાં પાર્ટ-ટાઇમ બૉલરને બૉલ આપવો
છેલ્લી બે ઓવરે મેચની દિશા બદલી દીધી. 19મી ઓવર પાર્ટ-ટાઇમ બૉલર નમન ધીરને આપવી સૌથી મોટી ભૂલ સાબિત થઈ. નમન એ ઓવરમાં 28 રન આપી દીધા. બાંગ્લાદેશના એસ.એમ. મેહરોબે ત્રણ છગ્ગા, બે ચોગ્ગા અને છેલ્લા બૉલ પર વધુ એક છગ્ગો ફટકારીને ભારત-Aનો આખો પ્લાન ચકનાચૂર કરી નાખ્યો. ત્યારબાદ 20મી ઓવરમાં પણ 22 રન બન્યા એટલે કે માત્ર 12 બૉલમાં 50 રન! આ અગાઉ ભારતીય બૉલરોએ મેચમાં સારી વાપસી કરી હતી, પરંતુ આ બે ઓવરે સંતુલન પૂરી રીતે બગાડી નાખ્યું.

3. સુપર ઓવરમાં વૈભવ સૂર્યવંશીને ન મોકલવો
મેચને ટાઈનો કરાવવાનો શ્રેય વૈભવ સૂર્યવંશી અને પ્રિયાંશ આર્યને જાય છે. સૂર્યવંશીએ પાવરપ્લેમાં 15 બૉલમાં 38 રન બનાવ્યા અને મંડલની ઓવરમાં 19 રન બનાવી દીધા. તો પ્રિયાંશ આર્યએ પણ 23 બૉલમાં 44 રનની શાનદાર ઇનિંગ રમી. આમ છતા, સુપર ઓવરમાં તેને બેટિંગ કરવા માટે ન મોકલવો એ આશ્ચર્યજનક નિર્ણય હતો. જીતેશ શર્મા પોતે મેદાનમાં આવ્યો અને પહેલા જ બૉલ પર બોલ્ડ થઈ ગયો. ત્યારબાદ આશુતોષ એક પણ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયો. સુપર ઓવરમાં ભારતનો સ્કોર 0/2 રહ્યો. બાંગ્લાદેશે પણ પહેલા બૉલ પર એક વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ભારતીય બૉલર સુયશ શર્માએ દબાણમાં આવીને વાઈડ બૉલ ફેંકી દીધો, જેના કારણે બાંગ્લાદેશને કોઈ રન બનાવ્યા વિના જીત મળી ગઈ.

