fbpx

શું કર્મચારીઓ હવે હડતાળ નહીં કરી શકે? નવા લેબર કોડના આ નિયમો અમલમાં આવ્યા

Spread the love

શું કર્મચારીઓ હવે હડતાળ નહીં કરી શકે? નવા લેબર કોડના આ નિયમો અમલમાં આવ્યા

કેન્દ્ર સરકારે દેશમાં ચાર નવા લેબર કોડ લાગુ કરી દીધા છે. આ નિયમો 29 જૂના શ્રમ કાયદાઓને બદલે લાગુ કરવામાં આવ્યા છે. આ નવા લેબર કોડ લાગુ થવાથી ગ્રેચ્યુઇટી, છટણી અને હડતાળ સંબંધિત જૂના નિયમોમાં ફેરફાર થયો છે. ઘણા લોકો આ લેબર કોડનો વિરોધ કરી રહ્યા છે, તે લોકો એવો દાવો કરી રહ્યા છે કે, નવા નિયમો કર્મચારીઓનો હડતાળ કરવાનો અધિકાર છીનવી લીધો છે. હવે, કર્મચારીઓ હડતાળ કરી શકશે નહીં. તો ચાલો જાણી લઈએ કે શું એ સાચું છે કે કર્મચારીઓ હવે હડતાળ કરી શકશે નહીં. આ ઉપરાંત, એ પણ બતાવી દઈએ કે, લાગુ કરાયેલા આ નવા નિયમો હડતાળ વિશે શું કહે છે…

21 નવેમ્બર, 2025થી, સરકારે દેશમાં ચાર નવા લેબર કોડ લાગુ કર્યા છે, જે 29 જૂના શ્રમ કાયદાઓને જોડીને બનાવવામાં આવ્યા છે. આ ચાર લેબર કોડમાં વેતન સંહિતા 2019, ઔદ્યોગિક સંબંધો સંહિતા 2020, સામાજિક સુરક્ષા સંહિતા 2020 અને વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યકારી પરિસ્થિતિઓ સંહિતા 2020નો સમાવેશ થાય છે. આ લેબર કોડમાં દરેક વર્ગના કર્મચારીઓ માટે ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આનાથી તમારા વેતનના અધિકારનું પહેલા કરતા વધારે રક્ષણ થશે. જો પહેલા તમને નોકરીનો પત્ર મળતો ન હતો, તો હવે તમને લેખિત પત્ર મળશે, જેમાં નોકરીની શરતો અને પગાર પારદર્શક બનશે. તેની સાથે જ, ઓવરટાઇમ, પેન્શન અને વીમા જેવી સિસ્ટમોમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે.

New Labour Codes

હડતાળ ચોક્કસ જૂથ અથવા સંગઠન દ્વારા બોલાવવામાં આવે છે, જ્યાં તેઓ તેમનું કામ સ્થગિત કરે છે. જો કે, તેમાં ફક્ત હડતાળ કરનારાઓ જ કામ બંધ કરે છે, જ્યારે અન્ય લોકો કામ કરતા રહે છે. ઉદાહરણ તરીકે, જો બેંક કર્મચારીઓ હડતાળ પર હોય, તો ફક્ત બેંક કર્મચારીઓ જ કામ બંધ કરશે, જ્યારે અન્ય લોકો પોતાનું કામ ચાલુ રાખશે. હડતાળ ફક્ત તે જૂથ દ્વારા કરવામાં આવે છે જે વિરોધ કરે છે. જો કે, બંધ, રસ્તા રોકો અને ધરણા અલગ વ્યવસ્થા છે.

અહીં તમને સ્પષ્ટ બતાવી દઈએ કે, આનો અર્થ એ નથી કે હવે કોઈ પણ હડતાળ કરી શકશે નહીં. સરકારે વિવિધ પ્લેટફોર્મ દ્વારા સ્પષ્ટતા કરી છે કે, હડતાળનો અધિકાર સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કર્મચારીઓ હડતાળ પર જઈ શકે છે. જો કે, હવે તેમાં એવો ફેરફાર કરવામાં આવ્યો છે કે કર્મચારીઓએ હડતાળ પહેલાં સૂચના આપવી પડશે, અને તે પછી જ તેઓ હડતાળ પર જઈ શકશે.

નવા નિયમોમાં તાળાબંધી અને હડતાળ માટે અગાઉથી સૂચના આપવી ફરજિયાત છે. આ ઉપરાંત, હવે જે નવી વ્યાખ્યા કરવામાં આવી છે તેમાં હવે સામૂહિક કેઝ્યુઅલ રજાનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેના કારણે અચાનક થનારી હડતાળને રોકી શકાય અને કાનૂની કાર્યવાહી સુનિશ્ચિત થઇ શકે.

New Labour Codes

નવા નિયમો અનુસાર, હવે કર્મચારીઓએ હડતાળ પાડતા પહેલા 14 દિવસની નોટિસ આપવી પડશે. ત્યાર પછી તેઓ હડતાલ પર જઈ શકશે. પરંતુ જો કોઈ એક દિવસ 50 ટકાથી વધુ કર્મચારીઓ એકસાથે કેઝ્યુઅલ રજા લે છે, તો તેને પણ હડતાળ ગણવામાં આવશે. જ્યારે સમાધાન અથવા ટ્રિબ્યુનલ કાર્યવાહી દરમિયાન પાડેલી હડતાળ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સરકારનું કહેવું છે કે, 14 દિવસની નોટિસવાળો નિયમ અચાનક હડતાળ અથવા તાળાબંધીને અટકાવશે અને ઉત્પાદનમાં પડતા વિક્ષેપોને અટકાવશે. તે સમાધાન માટે વાજબી તક પણ પૂરી પાડશે અને વિવાદોને તે પહેલા જ ઉકેલવામાં મદદ મળશે. તે કામદારો અને નોકરીદાતાઓ બંનેને અચાનક કામ બંધ થવાથી થતા આર્થિક નુકસાનથી બચાવશે. આનાથી ખાતરી થઇ શકશે કે, હડતાળ અને તાળાબંધીનો દુરુપયોગ ન થાય અને તેનો શિસ્તબદ્ધ રીતે ઉપયોગ કરી શકાય. તે કામદારોના હડતાળના અધિકારનું રક્ષણ કરે છે અને ઉદ્યોગોને અસ્થિર બનતા અટકાવે છે.

New Labour Codes

જ્યારે, હડતાળના નિયમોનો વિરોધ કરતા મજૂર સંગઠનો દાવો કરે છે કે, કાયદામાં નોકરીદાતાઓની (માલિકોની) તરફેણમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હડતાળ માટે અગાઉથી સૂચના જરૂરી છે. તેઓ દલીલ કરે છે કે, જો કામદારો હડતાળની શરતોનું ઉલ્લંઘન કરે છે, તો તે ગેરકાયદેસર હોઈ શકે છે અને મજૂર સંગઠનની માન્યતા રદ કરી શકાય છે.

ભારતીય કાનૂન વેબસાઇટ પરની માહિતી અનુસાર, ઔદ્યોગિક વિવાદ અધિનિયમ, 1947ની કલમ 22, આ પહેલા પણ, જાહેર ઉપયોગિતા ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓને 14 દિવસની નોટિસ આપવાની ફરજ પાડતી હતી. જો કે, હવે આને તમામ ક્ષેત્રોમાં લાગુ કરવામાં આવ્યું છે.

error: Content is protected !!