
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC)એ ભારતીય રેલવેમાં ફક્ત ‘હલાલ’ મીટ પીરસવામાં આવે છે તેવા આરોપ સાથેની ફરિયાદની નોંધ લેતા રેલવે બોર્ડના અધ્યક્ષને નોટિસ ફટકારવામાં આવી છે. પંચે બે અઠવાડિયામાં આ બાબતે કાર્યવાહી અહેવાલ (ATR) રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

શું છે ફરિયાદ?
એક વ્યક્તિએ NHRCને ફરિયાદ કરી છે કે ભારતીય રેલવેની કેટરિંગ સેવાઓમાં ફક્ત ‘હલાલ’ તરીકે તૈયાર કરવામાં આવેલું મીટ જ પીરસવામાં આવે છે, જે હિન્દુઓ, શીખો અને અનુસૂચિત જાતિના માનવ અધિકારોનું ઉલ્લંઘન કરે છે. ફરિયાદીએ NHRCને પોતાની ફરિયાદમાં એમ પણ જણાવ્યું હતું કે, ‘હલાલ મીટ’ પીરસવાના કારણે, હિન્દુ, શીખ અથવા અનુસૂચિત જાતિના મીટના વેપારીઓને રેલવેમાં યોગ્ય ખોરાક પુરવઠો અને વ્યવસાયિક તકો મળી શકતી નથી.’
ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને NHRCએ આ મામલે ધ્યાને લીધી છે અને રેલવે બોર્ડના અધ્યક્ષને નોટિસ ફટકારી છે. કમિશને નિર્દેશ આપ્યો છે કે રેલવે આ મામલે શું કાર્યવાહી કરી રહી છે, તે અંગેનો સંપૂર્ણ એક્શન ટેકન રિપોર્ટ (ATR) બે અઠવાડિયામાં કમિશનને સોંપે.

રેલવેમાં ફક્ત ‘હલાલ મીટ’ પીરસવાને લઈને સાર્વજનિક બહેસ અને ફરિયાદો સમય સમય પર સામે આવતી રહે છે. આ માટે વિવિધ કારણો અને દાવાઓ સામે આવે છે, જોકે ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કોર્પોરેશન (IRCTC)એ ‘હલાલ’ સર્ટિફિકેશનની અનિવાર્યતાને નકારી દીધી છે.

