
થોડા દિવસ અગાઉ રક્ષા મંત્રી રાજનાથ સિંહે સિંધ અંગે એક નિવેદન આપ્યું હતું. જેને લઈને પાકિસ્તાનને મરચું લાગ્યું છે. એવામાં ન માત્ર પાકિસ્તાન સરકાર, પરંતુ ત્યાંના રાજકારણીઓ પણ ભારત વિરુદ્ધ લવારો કરી રહ્યા છે. આમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતના શિક્ષણ મંત્રી સૈયદ સરદાર અલી શાહનો પણ સમાવેશ થાય છે. સિંધ વિધાનસભામાં ભાષણ આપતા તેણે ભારતના ગુજરાત, હરિયાણા અને રાજસ્થાન પર પોતાનો દાવો કરી નાખ્યો. અને પાકિસ્તાનીઓના મિજાજ પ્રમાણે કાશ્મીરનો રાગ પણ તાણ્યો અને તેને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો. હવે, સોશિયલ મીડિયા પર આને શેખચલ્લીના સપના તરીકે બતાવવામાં આવી રહ્યું છે, જે ક્યારેય સાકાર નહીં થાય.

સૈયદ સરદાર અલી શાહે સિંધ વિધાનસભામાં કહ્યું કે, ‘તમે દિલ્હી- બોમ્બેમાં બેસીને નિવેદનબાજી ન કરો. અહીં કોઈ મરાઠી બોલનાર નથી. અમારા વક્તાઓ ત્યાં છે. અમે દાવો કરી શકીએ છીએ કે રાજસ્થાન, ગુજરાત અને હરિયાણા અમારો હિસ્સો છે. ઐતિહાસિક રીતે તે અમને આપવા જોઈએ. અમે તેમને કાલે પાછા લઈ શકીએ છીએ. કાશ્મીર અમારો ભાગ રહ્યો છે, અમે હંમેશાં રિન્યૂઅલમાં વાત કરી છે. કાશ્મીર વાદી-એ-હિન્દનો હિસ્સો છે. આજે, વાદીયો સિંધ પાકિસ્તાનમાં છે.’
રાજનાથ સિંહે શું કહ્યું હતું
નવી દિલ્હીમાં સિંધી સમુદાયને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું હતું કે સીમાઓ બદલાઈ શકે છે અને સિંધ ફરીથી ભારતમાં સામેલ થઈ શકે છે. અડવાણીજીએ તેમના એક પુસ્તકમાં લખ્યું છે કે સિંધી હિન્દુઓ, ખાસ કરીને તેમની પેઢીના લોકો, અત્યારે પણ સિંધના ભારતથી અલગ કરવાની વાત સ્વીકારી શક્યા નથી. માત્ર સિંધમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં, હિન્દુઓ સિંધુ નદીને પવિત્ર માનતા હતા. સિંધના ઘણા મુસ્લિમો પણ માનતા હતા કે સિંધુ નદીનું પાણી મક્કાના ઝમઝમ (સૌથી પવિત્ર પાણી) કરતા ઓછું પવિત્ર નથી.’

રાજનાથ સિંહે કહ્યું હતું કે, ‘આ અડવાણીજીનું નિવેદન છે. આજે, સિંધની ભૂમિ ભલે ભારતનો ભાગ નથી, પરંતુ સભ્યતાના દૃષ્ટિકોણથી, સિંધ હંમેશાં ભારતનો હિસ્સો રહેશે. જ્યાં સુધી ભૂમિનો સવાલ છે, સીમાઓ બદલાઈ શકે છે. કોણ જાણે છે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય. સિંધના આપણા લોકો, જે સિંધુ નદીને પવિત્ર માને છે, તે હંમેશાં આપણા જ રહેશે. ભલે તેઓ ગમે ત્યાં રહે, તેઓ હંમેશાં આપણા જ રહેશે.’

સિંધ પર રાજનાથ સિંહના નિવેદન પર પાકિસ્તાને સખત આપત્તિ દર્શાવી હતી. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે તેને ઉશ્કેરણીજનક અને આક્રમક ગણાવ્યું હતું. આટલું જ નહીં, પાકિસ્તાને આ દરમિયાન કાશ્મીરનો રાગળો પણ તાણ્યો હતો.

