
આફ્રિકન દેશ ઇથોપિયામાં 10,000 વર્ષ બાદ પહેલી વાર જ્વાળામુખીનો વિસ્ફોટ થયો, તેની અસર વિશ્વભરમાં જોવા મળી રહી છે. વિસ્ફોટ બાદ જ્વાળામુખીમાંથી 10-15 કિલોમીટર ઉપર ધુમાડો ઉઠ્યો અને અને રાખના ગોટા લગભગ 5000 કિલોમીટર દૂર ભારતના આકાશ સુધી પહોંચી ગયા, જે હવે ચીન તરફ આગળ વધી રહ્યા છે. આ પહેલી વાર છે જ્યારે હાઈલી ગુબ્બી જ્વાળામુખી વિસ્ફોટથી નીકળેલી રાખ ભારત સુધી પહોંચી છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ભારત દુનિયાના એ દેશોમાં સામેલ છે, જ્યાં થોડા જ જ્વાળામુખી છે. પરંતુ, આપણા દેશમાં પણ એક સક્રિય જ્વાળામુખી છે, જેની દેખરેખ ભારતીય નૌકાદળ દ્વારા કરવામાં આવે છે.

ભારતમાં ખૂબ મર્યાદિત જ્વાળામુખી છે, જેમાંથી એક આંદામાન અને નિકોબાર ટાપુઓમાં સ્થિત છે. તમારામાંથી ઘણાને કદાચ આ વાતની જાણ નહીં હોય. આજે અમે તમને દેશના એકમાત્ર સક્રિય જ્વાળામુખી અંગે વાત કરવા જઈ રહ્યા છીએ. આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહોના બેરેન ટાપુમાં ભારતન એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે, જે તાજેતરમાં એક અઠવાડિયામાં 2 વાર ફાટ્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે ભલે આ વિસ્ફોટ નાના હતા, પરંતુ તે પૃથ્વીની અંદરની ગતિવિધિઓના સંકેત હોઈ શકે છે.
બેરેન આઇલેન્ડ આંદામાન ટાપુઓના ઉત્તરપૂર્વમાં સ્થિત એક નાનો ટાપુ છે, જે આશરે 3.5 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે. અહીં કોઈ સ્થાયી માનવ વસાહતો નથી, કારણ કે ટાપુનો મોટો ભાગ જ્વાળામુખીના ખડકો અને કઠણ લાવાથી બનેલો છે. ટાપુની મધ્યમાં સ્થિત આ જ્વાળામુખી લગભગ 354 મીટર ઊંચો છે અને તેની સમગ્ર રચના, સમુદ્ર સપાટીથી તેના શિખર સુધી, અગ્નિકૃત ખડકોથી બનેલી છે. બેરેન આઇલેન્ડ જ્વાળામુખી લગભગ બે સદીઓ સુધી શાંત રહ્યો.

1991માં તેમાં ભારે વિસ્ફોટ થયો હતો અને ત્યારથી તે સમયાંતરે સક્રિય થાય છે. 13 અને 20 સપ્ટેમ્બરે થયેલી નવીનતમ ગતિવિધિઓ બતાવે છે કે જ્વાળામુખી હજુ પણ સક્રિય છે. કહેવામાં આવે છે કે 20 સપ્ટેમ્બરના વિસ્ફોટના બે દિવસ અગાઉ 4.2 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેનું કેન્દ્ર ભારતીય અને મ્યાનમાર પ્લેટોની સીમા નજીક હતું. ભૂસ્તરશાસ્ત્રીઓ માને છે કે આ વિસ્ફોટો સપાટી નીચે મેગ્મા ચેમ્બરમાં વધેલા દબાણનું પરિણામ છે.

