fbpx

પોતાને મનોવિજ્ઞાનના માસ્ટર સાબીત કરતા ટ્રમ્પ! તેમની પદ્ધતિ મેડમેન થિયરીની કેટલી નજીક છે તે જાણી લો

Spread the love

પોતાને મનોવિજ્ઞાનના માસ્ટર સાબીત કરતા ટ્રમ્પ! તેમની પદ્ધતિ મેડમેન થિયરીની કેટલી નજીક છે તે જાણી લો

એક કહેવત છે કે, ‘જો ગરજતે હૈ વહ બરસતે નહીં’, આનો અર્થ એ છે કે જે લોકો કારણ વગર ફક્ત ધમકીઓ જ આપ્યા કરે છે, તેમનાથી ડરવાનું કોઈ કારણ જ નથી. જોકે, રાજનીતિમાં જે દેશ ધમકીઓ આપે છે તેનાથી અન્ય દેશ ડરી પણ જતા હોય છે. આ મેડમેન થિયરી છે, જેનો સૌપ્રથમ ઉપયોગ US પ્રમુખ રિચાર્ડ નિક્સન દ્વારા કરવામાં આવ્યો હતો. વિયેતનામ યુદ્ધ દરમિયાન, તેમણે પોતાને એટલા કઠોર અને ગમે તે કરી નાખનાર તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો કે, દુશ્મન માને કે તેઓ કંઈપણ કરવા સક્ષમ છે, તેને દબાણ હેઠળ લાવીને સમાધાન કરવા માટે મજબુર બનાવી દેશે. હવે, ટ્રમ્પના પગલાંને આ સાથે જોડવામાં આવી રહ્યા છે.

ટેરિફ યુદ્ધ ચાલી રહ્યું છે. ટ્રમ્પ ગ્રીનલેન્ડ માટે કોઈપણ દેશની સાથે દુશ્મનાવટ કરવા માટે તૈયાર છે. US વહીવટી તંત્ર વિવિધ દેશો સાથે વધુને વધુ કડક બન્યો છે. કેટલીક જગ્યાએ ખુલ્લા યુદ્ધનો પણ ભય બતાવ્યો છે. આ દિવસોમાં વ્હાઇટ હાઉસ અચાનક અણધારી રીતે કંઈપણ કરવા માટે પ્રખ્યાત બની ગયું છે. આજે બહાર પાડવામાં આવેલા નિવેદનોનું કાલે શું થશે તે નક્કી નથી. મિત્ર અને શત્રુ વચ્ચેની રેખાઓ ઝાંખી પડી ગઈ છે.

શીત યુદ્ધના યુગના વ્યૂહરચનાકારો ડેનિયલ એલ્સબર્ગ અને થોમસ શેલિંગે દલીલ કરી હતી કે, જો કોઈ નેતા એમ બતાવે કે તે અત્યંત કડક પગલાં ઉઠાવવા જઈ રહ્યું છે, તો સામે વિરોધી ડરી જશે અને પોતાનો વિચાર બદલી નાખશે. શરૂઆતમાં મેડમેન થિયરીનો ઉપયોગ ફક્ત સમજાવટ કરવા માટે થતો હતો, એટલે કે વિચિત્ર કે ઘણા સખ્ત લગતા બિનજરૂરી વર્તનના કારણો બતાવવા માટે. જોકે, પછીથી કેટલાક નેતાઓએ તેને એક વ્યૂહરચના તરીકે અપનાવ્યું.

Donald-Trump1

US પ્રમુખો આ મનોવિજ્ઞાનના માસ્ટર હતા. તેની શરૂઆત રિચાર્ડ નિક્સનથી થઈ. આ 1960ના દાયકામાં થયું હતું, જ્યારે અમેરિકા વિયેતનામ યુદ્ધ ચાલી રહ્યું હતું. જેમ જેમ લડાઈ આગળ લાંબી થતી ગઈ તેમ તેમ તેમના પોતાના દેશમાં જ વિરોધ વધતો ગયો.

નિક્સન એવું ઇચ્છતા હતા કે દુશ્મન દેશ ડરી જાય અને વધુ કઈ સમજ્યા વિચાર્યા વિના સમાધાન માટે તૈયાર થઇ જાય. આવું કરવા માટે, તેમણે એક અનોખી પદ્ધતિ અપનાવી, જે પાછળથી મેડમેન થિયરી તરીકે જાણીતી બની. આનો અર્થ એ કે દુશ્મન દેશને ખાતરી કરાવવાનો હતો કે રાષ્ટ્રપતિ એટલા કઠોર અને અણધાર્યા છે કે તે કંઈ પણ કરી શકે છે, પરમાણુ હુમલો પણ કરી શકે છે.

નિક્સન જાણી જોઈને એવી છાપ ઉભી કરી કે, તેઓ અત્યંત ગુસ્સે છે અને પરિસ્થિતિ નિયંત્રણ બહાર જઈ શકે છે. તેમણે તેમના સલાહકારોને એવી અફવાઓ ફેલાવવાની સૂચના આપી કે, જો ઉશ્કેરવામાં આવે તો અમેરિકા પરમાણુ હુમલો કરવા પણ તૈયાર છે. આ એક સારી રીતે વિચારેલી વ્યૂહરચના હતી, પરંતુ તેમાં જોખમો પણ હતા. જો દુશ્મન ડરવાને બદલે પડકાર ફેંકી દેત, તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકી હોત.

વિયેતનામ કોઈ કાચો ખેલાડી નહોતો. તે આ બકવાસને સમજી ગયો. તે જાણતો હતો કે ખુદ અમેરિકાની અંદર જ ઘણો અસંતોષ છે. તે પહેલાથી જ પરમાણુ બોમ્બ માટે કાનૂની રીતે ઘેરાયેલું છે. આવી પરિસ્થિતિઓમાં, તે બીજો હુમલો કરે તેવી શક્યતા ઓછી હતી. પરિણામ એ આવ્યું કે યુદ્ધ લાંબુ ખેંચાયું. વિયેતનામ પાછળ ન હટ્યું, અને અંતે, અમેરિકાને ધીમે ધીમે તેના સૈનિકો પાછા ખેંચવાની ફરજ પડી.

મેડમેન થિયરી એ ભયનો ખેલ છે. તેમાં, નેતાઓ પોતાને ખતરનાક તરીકે રજૂ કરીને બંદૂકની ગોળીઓ ચલાવ્યા વિના જીતવાનો પ્રયાસ કરે છે. પરંતુ હવે આ થિયરીને અમલમાં મૂકવામાં ઘણી મુશ્કેલીઓ છે. આજની દુનિયા નિક્સનના યુગથી અલગ છે. તે સમયે માહિતી મર્યાદિત હતી, અને નિર્ણયો થોડા નેતાઓ સુધી મર્યાદિત હતા. હવે, ઉપગ્રહો, સોશિયલ મીડિયા, ગુપ્તચર એજન્સીઓ અને મીડિયા દરેક ચાલને તાત્કાલિક પકડી પાડે છે. આવી સ્થિતિમાં, કોઈ પણ નેતા લાંબા સમય સુધી તેની કડકાઈનો ઉપયોગ ઢાલ તરીકે કરી શકતો નથી.

Donald-Trump2

તેમ છતાં, આ થિયરી ચોક્કસ પરિસ્થિતિઓમાં અસરકારક હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે વિરોધી દેશ નબળો હોય અથવા એવું લાગતું હોય કે નેતા ખરેખર નિયંત્રણ ગુમાવી શકે એમ છે. આ જ કારણ છે કે, કિમ જોંગ ઉન અને ટ્રમ્પ જેવા નેતાઓના નિવેદનો ઘણીવાર મેડમેન થિયરીની સાથે જોડવામાં આવતા હોય છે.

ટ્રમ્પ ઘણીવાર આક્રમક નિવેદનો આપે છે, પછી પોતે જ તેને પલટાવી નાખે છે. ભાષા તો કઠોર હોય જ છે, પરંતુ કોઈ નક્કર પરિણામો આપતા નથી. પરંતુ જ્યારે આવું વારંવાર થાય છે, ત્યારે અન્ય દેશોને ખ્યાલ આવી જાય છે કે, તેમનું અણધાર્યું વર્તન ખરેખર કહેવા પૂરતું જ છે. ત્યારે ભય સ્પષ્ટપણે દૂર થઈ જશે. આ વાત ઈરાન અને ગ્રીનલેન્ડ બંનેના કિસ્સાઓમાં સ્પષ્ટ જોવા મળી હતી.

ઈરાન પર ક્યારેક ઇઝરાયલને લઈને તો ક્યારેક તેની પરમાણુ તૈયારીઓને લઈને દબાણ કરવામાં આવ્યું હતું, અને ત્યાં સુધી કે લશ્કરી હુમલાઓનો પણ સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ ઘર્ષણ ક્યાં જઈને અટકશે તે સ્પષ્ટ કરવામાં આવ્યું ન હતું. થોડા સમય પછી, અમેરિકા પોતે જ તેને રોકી દેતું હતું.

ગ્રીનલેન્ડ મુદ્દે, ટ્રમ્પે તેમના જૂના સાથી, યુરોપ સાથે જ ટક્કર લઇ લીધી હતી. પરિણામે, નાટોમાં તિરાડો દેખાવા લાગી. રશિયા અને ચીન નાટો નબળું પડે તેની જ તૈયારીમાં હતા, જેથી તેઓ અમેરિકાનું ટોપનું સ્થાન હડપ કરી શકે. જેના કારણે ટ્રમ્પે ફરીથી શાંત થવું પડ્યું હતું.

error: Content is protected !!