
આજે દિલ્હીમાં એક મોટું રાજકીય તોફાન ઉઠ્યું છે. આમ આદમી પાર્ટીના સંસદીય પક્ષમાં મોટા ભાગલાના સમાચાર સામે આવ્યા છે. AAPના સ્થાપક સભ્ય અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. તેમની સાથે ઘણા અન્ય સાંસદો પણ જોડાયા છે. પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. AAP સંસદીય પક્ષમાં ફૂટ પડી હોવાની શક્યતા છે.
રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. રાઘવે ભારે દિલથી કહ્યું કે, આમ આદમી પાર્ટી જે આદર્શો અને મૂળ મૂલ્યો માટે તેની સ્થાપના કરવામાં આવી હતી, તેનાથી સંપૂર્ણપણે ભટકી ગઈ છે. તેમણે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું, ‘હું આમ આદમી પાર્ટીથી દૂર જઈ રહ્યો છું અને લોકો તરફ આગળ વધી રહ્યો છું.’

રાઘવ ચઢ્ઢાએ ખાસ કરીને રમુજી અને સીધી ટિપ્પણીમાં પોતાને ‘ખોટી પાર્ટીમાં સાચો માણસ’ ગણાવ્યો. તેમણે કહ્યું કે, પાર્ટીમાં તેમને ગૂંગળામણ થઈ રહી છે, કારણ કે તેનું વર્તમાન સ્વરૂપ હવે તેના મૂળ સિદ્ધાંતો સાથે સુસંગત નથી રહ્યું.
રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે, AAPના બે તૃતીયાંશથી વધુ રાજ્યસભા સાંસદો અમારી સાથે છે અને પહેલાથી જ સહી કરી ચૂક્યા છે. હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ, રાજેન્દ્ર ગુપ્તા, સંદીપ પાઠક, વિક્રમજીત સાહની અને અશોક મિત્તલ સહિત અનેક નેતાઓ રાઘવ ચઢ્ઢાની સાથે છે. AAPના રાજ્યસભામાં 10 સાંસદ છે, જેમાં 7 પંજાબના અને 3 દિલ્હીના છે. રાઘવ ચઢ્ઢા, સંદીપ સિંહ અને અશોક મિત્તલ ટૂંક સમયમાં BJP પ્રમુખ નીતિન નવીનને મળીને ઔપચારિક રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે.
સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે એક પત્રકાર પરિષદને સંબોધતા, AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું, ‘અમે નિર્ણય લીધો છે કે અમે, AAPના બે તૃતીયાંશ રાજ્યસભા સભ્યો, ભારતના બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને BJPમાં ભળીશું.’

તેમણે વધુમાં જણાવ્યું કે AAP, જેને મેં મારા લોહી અને પરસેવાથી ઉછેર્યું અને મારી યુવાનીનાં 15 વર્ષ સમર્પિત કર્યા, તે હવે તેના સિદ્ધાંતો, મૂલ્યો અને મુખ્ય ઉદ્દેશ્યથી ભટકી ગઈ છે. હવે, આ પાર્ટી દેશના હિત માટે નહીં, પણ વ્યક્તિગત લાભ માટે કામ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી, મને એવો અહેસાસ થઇ રહ્યો છેકે, હું ખોટા પક્ષમાં સાચો વ્યક્તિ છું. તેથી, આજે હું જાહેરાત કરું છું કે, હું AAPથી અલગ થઈ રહ્યો છું અને જનતાની નજીક જઈ રહ્યો છું.
આમ આદમી પાર્ટીના રાજ્યસભામાં કુલ 10 સાંસદ હતા, જેમાં 7 પંજાબના અને 3 દિલ્હીના હતા. જોકે, આજે પાર્ટીને મોટો ઝટકો લાગ્યો જ્યારે, 3 અગ્રણી સાંસદો, રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ઔપચારિક રીતે BJPમાં જોડાયા. રાજીનામાની સાથે, આ ત્રણ સાંસદોએ દાવો કર્યો કે, પાર્ટીના બે તૃતીયાંશથી વધુ રાજ્યસભાના સાંસદો હવે તેમને (BJPને) ટેકો આપે છે.

આ અગાઉ, સ્વાતિ માલીવાલે પણ દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન બળવાખોર વલણ અપનાવ્યું હતું. હવે, રાઘવ, સંદીપ અને અશોકના ગયા પછી, અરવિંદ કેજરીવાલની રાજ્યસભાની સંખ્યા અડધાથી પણ ઓછી થઈ ગઈ છે. આ મોટા વિભાજનથી આમ આદમી પાર્ટીના ભવિષ્ય અને સંગઠનાત્મક એકતા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
દિલ્હી ચૂંટણીમાં પાર્ટીની હાર આ બળવા પાછળનું એક મુખ્ય કારણ રહ્યું હતું. દિલ્હીની હાર પછી, CM અરવિંદ કેજરીવાલે સંદીપ પાઠકને હાંસિયામાં ધકેલી દીધા. ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કા દરમિયાન, પાઠકને મુખ્ય નિર્ણય લેવાની પ્રક્રિયાઓમાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા હતા. 2022ના પંજાબ ચૂંટણી પ્રચાર દરમિયાન સંદીપ પાઠક ચર્ચામાં આવ્યા હતા. 2022થી 2024ના અંત સુધી, પાઠક AAPમાં દરેક મોટા વ્યૂહાત્મક નિર્ણય પાછળ પ્રેરક બળ હતા. જો કે, પાછળથી તેઓને છત્તીસગઢના પ્રભારી બનાવીને કંટ્રોલ કરી દીધા હતા, જ્યારે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને પંજાબ, આતિશી ગોવા અને ગોપાલ રાય અને દુર્ગેશ પાઠકને ગુજરાત જેવા મહત્વપૂર્ણ રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી છે.