fbpx

રાજ્યપાલે જણાવ્યું વિજયની પાર્ટી TVKને સરકાર બનાવવા માટે કેમ આમંત્રણ નથી આપવામાં આવ્યું

Spread the love

રાજ્યપાલે જણાવ્યું વિજયની પાર્ટી TVKને સરકાર બનાવવા માટે કેમ આમંત્રણ નથી આપવામાં આવ્યું

તમિલનાડુ રાજભવન દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, TVK હજુ સુધી વિધાનસભામાં બહુમતી માટે ધારાસભ્યોનો ટેકો સાબિત કરી શક્યું નથી.

ગુરુવારે, રાજભવનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘તમિલનાડુના માનનીય રાજ્યપાલ, રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે, TVK પ્રમુખ જોસેફ વિજયને આજે (7 મે) ચેન્નાઈના લોકભવનમાં આમંત્રણ આપ્યું હતું. બેઠક દરમિયાન, માનનીય રાજ્યપાલે માહિતી આપી હતી કે, સરકાર બનાવવા માટે જરૂરી બહુમતીનો ટેકો તમિલનાડુ વિધાનસભામાં સાબિત થયો નથી.’

તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં તમિલગા વેત્રી કઝગમ (TVK)એ સૌથી વધુ બેઠકો જીતીને દ્રવિડિયન પક્ષોને હરાવ્યા હતા. જોકે, તે 234 બેઠકોવાળી વિધાનસભામાં સરકાર બનાવવા માટે જરૂરી 118 બેઠકોથી ઓછી રહી.

દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) સાથે જોડાણ કરીને ચૂંટણી લડનારી કોંગ્રેસે 5 બેઠકો જીતી હતી.

છેલ્લા એક દાયકામાં એકસાથે અનેક ચૂંટણીઓ લડનાર DMK-કોંગ્રેસ ગઠબંધન હવે તૂટી ગયું છે. કોંગ્રેસે કહ્યું છે કે તે સરકાર બનાવવા માટે વિજયના TVKને ટેકો આપશે.

જોકે કોંગ્રેસના એક વર્ગે ચૂંટણી પહેલા TVK સાથે જોડાણ કરવાની ઇચ્છા જાહેરમાં વ્યક્ત કરી હતી, પરંતુ હવે DMK-કોંગ્રેસ ગઠબંધન પાસે સંપૂર્ણ બહુમતીનો અભાવ હોવાથી તેણે TVKને ટેકો આપ્યો છે.

આમ, 108 બેઠકો જીતનારી TVKને કોંગ્રેસનો ટેકો મળ્યો છે, પરંતુ બહુમતીની જાદુઈ સંખ્યાથી હજુ પણ તેઓ દૂર છે.

જરૂરી બહુમતી પ્રાપ્ત કરવા માટે, વિજયે DMK ગઠબંધનમાં કેટલાક અન્ય પક્ષો પાસેથી પણ ટેકો માંગ્યો છે. બુધવારે, TVK નેતા વિજયે તમિલનાડુના કાર્યકારી રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર સાથે મુલાકાત કરી અને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો.

TVK-Vijay

જોકે, દાવો કરવા છતાં, તમિલનાડુના રાજ્યપાલે વિજયને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું નથી.

આ પછી, ગુરુવારે રાજ્યપાલ અને વિજય વચ્ચે બીજી બેઠક થઈ. તે બેઠક પછી, રાજભવને વિજયની પાર્ટીને સરકાર બનાવવા માટે આમંત્રણ ન આપવાનું કારણ બતાવ્યું હતું.

રાજભવન દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, TVK હજુ સુધી વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે પૂરતા ધારાસભ્યો એકત્રિત કરી શક્યું નથી.

ચૂંટણી પછી રાજ્યપાલ સૌથી મોટા પક્ષને સરકાર બનાવવા માટે કેમ આમંત્રણ નથી આપી રહ્યા તે અંગે તમિલનાડુમાં ચર્ચા ચાલી રહી છે.

જ્યારે કોઈ રાજકીય પક્ષ કે ગઠબંધન વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવતું નથી, ત્યારે તેને ‘હંગ એસેમ્બલી’ કહેવામાં આવે છે.

આ સંદર્ભમાં, તમિલનાડુના રાજકારણમાં ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, કે શું રાજ્યપાલ જાણી જોઈને સૌથી મોટા પક્ષ, TVKને સરકાર બનાવવા માટે આમંત્રણ નથી આપી રહ્યા. અથવા હંમેશા કટ્ટર હરીફ રહેલી DMK અને AIADMK વચ્ચે ગઠબંધન સરકાર પણ શક્ય બની શકે છે.

TVKની આગેવાની હેઠળની સરકાર બનાવવા માટે ઘણા વિકલ્પો હોઈ શકે છે.

આમાંથી એક છે બીજી અન્ય પાર્ટીનો ટેકો મેળવવાનો છે, અને એના માટે એકલા કોંગ્રેસનો ટેકો પૂરતો રહેશે નહીં. પરિણામે, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) અને CPIએ પણ બે-બે બેઠકો સાથે TVKને ટેકો આપવાનો સંકેત આપ્યો છે.

ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)એ પણ બે બેઠકો જીતી છે અને સંકેત આપ્યો છે કે તે આગામી સરકારને ‘રચનાત્મક અને મહત્વપૂર્ણ’ ટેકો આપી શકે છે. આનાથી TVK પ્લસનો કુલ સંખ્યા 119 થઈ શકે છે, જે બહુમતીના આંકડા કરતાં વધારે છે.

TVK-Vijay

બીજો વિકલ્પ અલ્પમતની સરકાર બનાવવાનો છે. સૌથી મોટા પક્ષ તરીકે, રાજ્યપાલ TVKને સરકાર બનાવવા માટે આમંત્રિત કરી શકે છે, અને TVK પછી રાજ્યના રાજકીય પક્ષોમાંથી કોઈને પણ સાથે લઈને આગળ વધી શકે છે. જો કે, DMK અથવા AIADMK તરફથી તાત્કાલિક કોઈ સંકેત મળ્યા નથી.

મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, તમિલનાડુમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે, AIADMKના ઘણા ધારાસભ્યો પુડુચેરીની એક ખાનગી હોટલમાં રોકાયા છે. મીડિયા અહેવાલો દર્શાવે છે કે, AIADMKના એક જૂથનું માનવું છે કે પાર્ટીએ TVKને ટેકો આપવો જોઈએ, જ્યારે બીજો જૂથ તેનો વિરોધ કરી રહ્યો છે. આ મુદ્દે બુધવારે પાર્ટીના મહાસચિવ EK પલાનીસ્વામીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી.

જોકે, AIADMKના ભૂતપૂર્વ મંત્રી KP મુનુસ્વામીએ જણાવ્યું છે કે, TVKને AIADMKના સમર્થનના સમાચાર ખોટા છે.

પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું, ‘AIADMK TVKને ટેકો આપી રહ્યું છે તેવા અહેવાલો અને મંતવ્યો સંપૂર્ણપણે ખોટા છે. મહાસચિવ પલાનીસ્વામીની પરવાનગીથી, હું તમને જણાવવા માંગુ છું કે AIADMKએ કોઈપણ સંજોગોમાં TVKને ટેકો આપ્યો નથી.’

જોકે TVK બહુમતીથી માત્ર 10 બેઠકો ઓછી છે, પરંતુ સરકાર બનાવવા માટે પાર્ટીને ખરેખર ઓછામાં ઓછા 12 વધારાના ધારાસભ્યોની જરૂર પડશે.

આનું કારણ એ છે કે, વિજયે પાર્ટીની 108 બેઠકોમાંથી બે બેઠકો જીતી હતી, તિરુચિરાપલ્લી પૂર્વ અને પેરામ્બુર.

ચૂંટણી પંચના નિયમો અનુસાર, તેમણે એક બેઠક ખાલી કરવી પડશે, જેનાથી પાર્ટીની સંખ્યા ઘટીને 107 થઈ જશે.

આ ઉપરાંત, પાર્ટીએ સ્પીકરની પસંદગી પણ કરવી પડશે. વિશ્વાસ મત દરમિયાન સ્પીકર મતદાન કરતા નથી, જેના કારણે TVKની અસરકારક સંખ્યા 106 થઈ જશે.

મીડિયા સૂત્રો અનુસાર, નિવૃત્ત ન્યાયાધીશ હરિપરન્થમનએ કહ્યું, ‘રાજ્યપાલ એવું ન કહી શકે કે જો સંપૂર્ણ સંખ્યા દર્શાવવામાં આવે તો જ તેઓ શપથ ગ્રહણ સમારોહને મંજૂરી આપશે.’

TVK-Vijay

આ સાથે તેમણે વધુમાં જણાવ્યું કે, ‘રાજ્યપાલને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવાનો અધિકાર છે. જ્યારે કોઈ પણ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી ન હોય, ત્યારે દાવેદાર પક્ષને તેની સંખ્યા સાબિત કરવા કહેવું ખોટું નથી.’

તેમણે આગળ કહ્યું, ‘પરંતુ આ સાથે એવું ન કહી શકાય કે, શપથ ગ્રહણ સમારોહ ફક્ત ત્યારે જ માન્ય રહેશે જો પૂર્ણ બહુમતી દર્શાવવામાં આવે. બહુમતી સાબિત કરવાનું યોગ્ય સ્થાન વિધાનસભા છે.’

સુપ્રીમ કોર્ટના વકીલ કરપક વિનયાગમ કહે છે, ‘જો રાજ્યપાલને દાવેદાર પક્ષ પર વિશ્વાસ હોય, તો તેઓ તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપશે.’

મીડિયા સૂત્રો સાથે વાત કરતા તેમણે કહ્યું, ‘રાજ્યપાલે સરકાર બનાવવાનો દાવો કરનાર પક્ષને જવાબ આપવો જોઈએ. આ માટે કોઈ સમયમર્યાદા નક્કી કરી શકાતી નથી, પરંતુ તેની સાથે જ તેઓ વધુ સમય પણ લઈ શકતા નથી.’

તેમણે કહ્યું, ‘વિધાનસભાના વિસર્જન પછી, તે લાંબા સમય સુધી ખાલી રહી શકતી નથી, તેથી રાજ્યપાલે આ બાબતે ઝડપથી નિર્ણય લેવો જોઈએ.’

સરકાર બનાવવાનો દાવો કરનાર પક્ષને રાજ્યપાલની પરવાનગી મળ્યા પછી શપથ ગ્રહણ સમારોહ થશે. રાજ્યપાલ CM અને મંત્રીઓને શપથ લેવડાવશે.

Leave a Reply

error: Content is protected !!