fbpx

સુરતની મેરી માથા શાળામાં જ પાઠ્યપુસ્તકોના વેચાણનો વીડિયો વાયરલ થતા વિવાદ, વાલીઓ બોલ્યા- બજાર કરતા વધુ કિંમત

Spread the love

સુરતની મેરી માથા શાળામાં જ પાઠ્યપુસ્તકોના વેચાણનો વીડિયો વાયરલ થતા વિવાદ, વાલીઓ બોલ્યા- બજાર કરતા વધુ કિંમત

એવું લાગે છે કે હવે તો શિક્ષણ એક બિઝનેસ થઈ ગયું છે. કેટલીક ખાનગી શાળાઓમાં મનામાની જ ચાલતી હોય છે, પુસ્તકોથી માંડીને અન્ય શાળાની જરૂરિયાતની વસ્તુ ત્યાંથી જ લેવાની. અરે.. ભાઇ શિક્ષણ સંસ્થામાં આ બિઝનેસ કરવાનું તો છોડી દો. જો તમારે બિઝનેસ જ કરવો હોય તો બીજો ધંધો ચાલુ કરો ને…, પરંતુ શિક્ષણની આડમાં બિઝનેસ તો ન કરો. સુરતથી પણ કંઈક આવો જ મામલો સામે આવ્યો છે.

 ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, સુરતની જાણીતી મેરી માથા પબ્લિક સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી ગઇ છે. એવા આરોપ લાગી રહ્યા છે કે, શાળાની અંદર જ પાઠ્યપુસ્તકોના સ્ટોલ ઉભા કરીને પુસ્તકોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ ઘટનાના સાથે સંબંધિત એક વીડિયો સામે આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. વાલીઓએ આરોપ લગાવ્યો છે કે, તેમને શાળાની અંદરથી જ પુસ્તકો ખરીદવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, જેના કારણે તેઓ અન્ય વિકલ્પો હોવા છતા શાળામાંથી જ પુસ્તકો ખરીદવા મજબૂર બન્યા.

mary-matha-school2

મળતી માહિતી મુજબ, શાળાના પરિસરમાં જ પાઠ્યપુસ્તકોના કાઉન્ટર અને સ્ટોલ ગોઠવી વિદ્યાર્થીઓ માટે જરૂરી પુસ્તકો વેચવામાં આવી રહ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો જિલ્લા શિક્ષણ તંત્ર સુધી પહોંચ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, વીડિયોમાં મોટી સંખ્યામાં વાલીઓ પુસ્તકો ખરીદવા માટે ઉભા જોવા મળી રહ્યા છે.

વાલીઓનો આરોપ છે કે, શાળા દ્વારા નક્કી કરાયેલા પુસ્તકો અન્ય બજારમાં સરળતાથી ઉપલબ્ધ નથી અને શાળા તરફથી એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું કે, જાણે પુસ્તકો શાળામાંથી જ ખરીદવા ફરજિયાત હોય. કેટલાક વાલીઓએ તો એવો પણ આરોપ કર્યો છે કે, જો શાળામાંથી પુસ્તકો ન ખરીદવામાં આવે તો બાળકોના અભ્યાસને અસર થઈ શકે છે તેવી માનસિકતા ઉભી કરવામાં આવી હતી.

મામલામાં સૌથી વધુ ચર્ચાનો વિષય પાઠ્યપુસ્તકોની કિંમતો બની છે. વાલીઓના જણાવ્યા અનુસાર, ધોરણ-6ના પાઠ્યપુસ્તકોના સેટ માટે અંદાજે 5,500 રૂપિયા જેટલી રકમ વસૂલવામાં આવી રહી છે, જ્યારે ધોરણ-9ના પુસ્તકો માટે આશરે 1,800 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. વાલીઓનું કહેવું છે કે, અન્ય શાળાઓ અથવા ખુલ્લા બજારમાં ઉપલબ્ધ પુસ્તકોની સરખામણીમાં આ કિંમતો વધારે છે, જેના કારણે મધ્યમવર્ગીય પરિવારો પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે.

mary matha public school

શિક્ષણ ક્ષેત્રના જાણકારોના જણાવ્યા મુજબ, રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા સમયાંતરે શાળાઓને વિદ્યાર્થીઓ અને વાલીઓ પર પુસ્તકો, યુનિફોર્મ અથવા અન્ય સામગ્રી ચોક્કસ સ્થળેથી ખરીદવા માટે દબાણ ન કરવા સૂચનાઓ આપવામાં આવતી રહે છે. આવી સ્થિતિમાં જો કોઈ શાળા પોતાના પરિસરમાં જ વેચાણની વ્યવસ્થા ઊભી કરીને વાલીઓને પરોક્ષ રીતે ખરીદી માટે મજબૂર કરતી હોય તો તે નિયમોની ભાવનાના વિરુદ્ધ ગણાઈ શકે છે. 

જિલ્લા શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, જો તપાસમાં કોઈ પ્રકારની અનિયમિતતા અથવા નિયમભંગ સામે આવશે તો શાળા સંચાલન સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી શકે છે. હાલમાં શિક્ષણ વિભાગ સમગ્ર મામલે તથ્યો એકત્રિત કરી રહ્યો છે.  વીડિયો વાયરલ થયા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે મામલાની ગંભીર નોંધ લીધી છે. તેમણે સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તપાસ દરમિયાન શાળા સંચાલન, પુસ્તકોના વેચાણની પ્રક્રિયા, કિંમતો અને વાલીઓના આરોપોની ચકાસણી કરવામાં આવશે.

Leave a Reply

error: Content is protected !!