
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અને રાજકીય ઘમાસાણ વચ્ચે કોલકાતામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કોલકાતાના અલીપોર વિસ્તારમાં આવેલી એક સરકારી ઇમારતમાં ભીષણ આગ લાગવાને કારણે અંદાજે 4,000 જેટલા EVM (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન) બળીને ખાખ થઇ ગયા છે. આગ એટલી વિકરાળ હતી કે ફાયર બ્રિગેડના કર્મચારીઓને તેને કાબૂમાં લેતા અંદાજે 24 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ દુર્ઘટના પાછળ પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી કૌશિક ચૌધરીએ મોટું ષડયંત્ર હોવાની શંકા વ્યક્ત કરી છે. તેમણે ગુરુવારે જણાવ્યું કે, આ સરકારી બિલ્ડિંગમાં લાગેલી આગમાં આશરે 4,000 EVM નાશ પામ્યા છે. ઘટના અંગે FIR દાખલ કરીને પોલીસે આગળની તપાસ શરૂ કરી દીધી છે.
બુધવારે દક્ષિણ કોલકાતાના અલીપોર વિસ્તારમાં આવેલી એક નવ માળની ઇમારતમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઇમારતમાં અન્ય મહત્વના વિભાગો ઉપરાંત દક્ષિણ 24 પરગણા જિલ્લા પરિષદની ઓફિસ પણ આવેલી છે. બંગાળ સરકારના ફાયર અને ઇમરજન્સી સર્વિસ રાજ્ય મંત્રી કૌશિક ચૌધરીએ જણાવ્યું કે, આગની આ ઘટનામાં અંદાજે 4,000 EVM સદંતર નાશ પામ્યા છે. આ તમામ EVM નો ઉપયોગ ચાલુ વર્ષે રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન 10 મતવિસ્તારોમાં કરવામાં આવ્યો હતો.

ન્યૂઝ એજન્સી ‘પીટીઆઈ’ ના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ મંત્રી ચૌધરીએ આશંકા વ્યક્ત કરતા કહ્યું કે, આ કોઇ સામાન્ય આગ લાગી હોય તેવું લાગતું નથી. આની પાછળ કોઈ તોડફોડ કે કાવતરું છે કે કેમ, તેની અમે તપાસ કરી રહ્યા છીએ. આગ સીધી નવમા અને દસમા માળ સુધી કેવી રીતે પહોંચી તે હજુ સ્પષ્ટ થયું નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે, આગ સૌથી પહેલા બિલ્ડિંગના બીજા અને ત્રીજા માળે જોવા મળી હતી. આ સમગ્ર ઘટના પાછળનું સાચું કારણ જાણવા માટે તેઓ હાલ ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.
બિલ્ડિંગમાં આગ લાગ્યા બાદ ફાયર ફાઇટરો સતત 24 કલાક સુધી મશક્કત કરીને આગ ઓલવવામાં વ્યસ્ત રહ્યા હતા. જો કે, ગુરુવારે સવાર સુધીમાં બહાર દેખાતી આગની જ્વાળાઓ શાંત પડી ગઈ હતી, પરંતુ અધિકારીઓએ જણાવ્યું કે ‘પોકેટ ફાયર’ની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, બિલ્ડિંગની અંદર હજુ પણ અમુક જગ્યાએ આગ ધૂંધવાઈ રહી છે જેને સંપૂર્ણપણે ઠારવી જરૂરી છે. હાલ બિલ્ડિંગને ઠંડી કરવાની (કૂલિંગ પ્રોસેસ) કામગીરી ચાલી રહી છે.

મંત્રી કૌશિક ચૌધરીએ આ ઘટના પર સવાલ ઉઠાવતા આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, આગ ચોથા, પાંચમા અને છઠ્ઠા માળને નુકસાન પહોંચાડ્યા વિના સીધી સાતમા અને આઠમા માળ સુધી કેવી રીતે પહોંચી ગઈ? હાલ આ સમગ્ર રહસ્યમય મામલાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.