
NEET-UG પેપર લીક વિવાદ અને વિદ્યાર્થીઓના દેશવ્યાપી વિરોધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે એક મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકાર પેપર લીકના કેસોમાં ઝડપી સુનાવણી અને દોષિતોને કડક સજા અપાવવા માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના કરશે. યુવાનોના ભવિષ્યને જોખમમાં મૂકનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ‘દેશના યુવાનોના હિત અને ભવિષ્ય અમારી ટોચની પ્રાથમિકતા છે. પેપર લીકના તમામ કેસોમાં દોષિતોને શક્ય તેટલી વહેલી તકે કડક સજા આપવામાં આવશે. આના માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની રચના કરવામાં આવશે. આ સંબંધમાં સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી અંગે સૂચનાઓ પહેલાથી જ આપી દેવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકાર વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટે સતત નિર્ણયો લઈ રહી છે, અને ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના એ દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
વડાપ્રધાન મોદીના 5 મોટા સંદેશ
1. દેશના યુવાનોના હિતો અને તેમનું ભવિષ્ય સરકારની ટોચની પ્રાથમિકતા છે.
2. પેપર લીકના તમામ કેસોમાં દોષિતોને શક્ય તેટલી વહેલી તકે કડક સજા અપાવવામાં આવશે.
3. આવા કેસોના ઝડપી નિરાકરણ માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવશે.
4. સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપી દેવામાં આવી છે.
5. સરકાર વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટે સતત નિર્ણયો લઈ રહી છે, અને યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનારા કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દિલ્હીમાં NEET પેપર લીક અંગે વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, અને વિપક્ષ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યું છે. વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કરવામાં આવેલી પોલીસ કાર્યવાહી અંગે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનના થોડીવાર પછી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વળતો પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, ‘તમે જ દેશના યુવાનોના ભવિષ્યને સૌથી વધારે ખરાબ કર્યું છે. તમે શિક્ષણ પ્રણાલીને સંપૂર્ણપણે બરબાદ થવા દીધી અને તેના માટે જવાબદાર લોકોને બચાવ્યા.’ રાહુલ ગાંધીએ ફરી એકવાર વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની માંગણીઓનો પુનરાવર્તિત કરતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને તાત્કાલિક બરતરફ કરવા, વિદ્યાર્થીઓની માફી માંગવા અને વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરનારાઓ સામે પગલા લેવામાં આવે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જાહેરાત એવા સમયે આવી છે, જ્યારે સંસદની અંદર અને બહાર NEET-UG પેપર લીકને લઈને રાજકીય હોબાળો જોવા મળી રહ્યો છે. વિપક્ષ સતત આ મુદ્દા પર ચર્ચા અને જવાબદારીની માંગ કરી રહ્યું છે, ત્યારે સરકારનું કહેવું છે કે પેપર લીક માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.