
તમિલનાડુ સરકાર સરકારી શાળાઓમાં ભણતા બાળકોને ચિકન બિરયાની પીરસવાની તૈયારી કરી રહી છે. મધ્યાહન ભોજન યોજના હેઠળ, હવે અઠવાડિયામાં એકવાર ગરમા ગરમ ચિકન બિરયાની પીરસવામાં આવી શકે છે. આ યોજનાનો હેતુ બાળકોને વધુ સારું પોષણ પૂરું પાડવાનો અને શાળાના ભોજનને વધુ સ્વાદિષ્ટ બનાવવાનો છે.
રાજ્યના શાળા શિક્ષણ મંત્રી રાજમોહને આ પ્રસ્તાવ CM C. જોસેફ વિજય સમક્ષ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ હાલમાં વિચારણા હેઠળ છે. જો મંજૂરી મળી જાય, તો તે દેશની સૌથી જૂની શાળા પોષણ યોજનામાં એક મોટો અને ઐતિહાસિક ફેરફાર હશે.

જોકે, રાજ્યભરમાં આ યોજનાનું સંચાલન કરતા સમાજ કલ્યાણ અને મહિલા સશક્તિકરણ વિભાગ સાથે ચર્ચા કર્યા પછી જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
બિરયાની માત્ર બપોરના ભોજનનો ભાગ નથી, પરંતુ સરકાર નાસ્તાના મેનુમાં પણ ખુબ મોટો સુધારો કરવાની યોજના બનાવી રહી છે. મંત્રી રાજમોહને જણાવ્યું હતું કે, પ્રતિ વિદ્યાર્થી નાસ્તા માટે વર્તમાન બજેટ આશરે રૂ. 15 છે. સરકાર ઘઉંના ઉપમા અને રવા ઉપમા જેવી પરંપરાગત વાનગીઓને દરરોજ પીરસવામાં આવતી વધુ પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને નવીન વાનગીઓથી બદલવાની યોજના ધરાવે છે, જેનો બાળકો આનંદ માણી શકે.
શિક્ષણ મંત્રી રાજમોહન અરુમુગમ A એ આ પ્રસ્તાવ વિશે જણાવ્યું હતું કે, ‘K. કામરાજે મધ્યાહન ભોજન યોજનાનો પાયો નાખ્યો, કલાઈનાર M. કરુણાનિધિએ ઇંડાનો સમાવેશ કર્યો, MGRએ તેને પૌષ્ટિક ભોજન કાર્યક્રમમાં પરિવર્તિત કર્યો, અને પૂર્વ CM જયલલિતાએ આખા અઠવાડિયા દરમિયાન ઇંડાનું વિતરણ વધાર્યું. આ પરંપરાને આગળ વધારવાના ઈરાદાથી, હું અઠવાડિયામાં એકવાર આપણી સરકારી શાળાઓમાં બાળકોને ચિકન બિરયાની પીરસવા માંગુ છું.’

શિક્ષણ મંત્રી રાજમોહને સરકારી શાળાઓ પર ખર્ચને રાજ્યના ભવિષ્યમાં રોકાણ ગણાવતા કહ્યું, ‘આ જ્ઞાનમાં રોકાણ છે, જેનો હેતુ ભવિષ્યના વૈજ્ઞાનિકો અને અર્થશાસ્ત્રીઓને તૈયાર કરવાનો છે.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભંડોળ રોકવું તમિલનાડુના ભવિષ્યને જોખમમાં મુકવા બરાબર છે અને તે ‘બિલકુલ અસ્વીકાર્ય’ છે.
તમિલનાડુમાં, ધોરણ 1થી 10 સુધીના બાળકોને મધ્યાહન ભોજન પૂરું પાડવામાં આવે છે. આ કાર્યક્રમ સરકારી અને સહાયિત શાળાઓમાં આશરે 40 લાખ બાળકોને લાભ આપે છે. ધોરણ 1થી 8ના બાળકો માટે સવારના નાસ્તાનો પણ કાર્યક્રમ છે, જેનો આશરે 32 લાખ બાળકો લાભ ઉઠાવે છે. હવે જો બપોરના ભોજન કાર્યક્રમ ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ સુધી લંબાવવામાં આવે, તો આશરે વધુ 8 લાખ બાળકોને તેનો લાભ મળશે.