fbpx

ગુજરાત વિધાનસભામાં આજે 4 મહત્ત્વના સુધારા બિલ રજૂ થશે

Spread the love

ગુજરાત વિધાનસભામાં આજે 4 મહત્ત્વના સુધારા બિલ રજૂ થશે

ગુજરાત વિધાનસભાના સત્રના બીજા દિવસની કાર્યવાહીનો પ્રારંભ બપોરે 12:00 વાગ્યાથી શરૂ થઇ ગઇ છે. આજે અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ અને કાયદાકીય બિલો પર વિસ્તૃત ચર્ચાઓ તેમજ રજૂઆતો કરવામાં આવશે.ગૃહની શરૂઆત સાથે જ વિવિધ સરકારી વિભાગોની કામગીરી અને પ્રશ્નોના નિવારણ માટેનો તબક્કો શરૂ થશે.આજના દિવસની સંસદીય કાર્યપદ્ધતિ મુજબ સત્રના પ્રારંભે પ્રથમ એક કલાક દરમિયાન પ્રશ્નોત્તરી કાળ યોજાશે. આ કલાક દરિમયાન રાજ્યના અલગ-અલગ વિભાગો સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ પ્રશ્નો અને તેના ઉત્તરો રજૂ કરવામાં આવશે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, બપોરે 12:00 થી 1:00 વાગ્યા દરમિયાન પ્રશ્નોત્તરી યોજાશે. જેમાં પોલીસ, ગૃહ વિભાગ, ઉદ્યોગ, પ્રવાસન, વાહન વ્યવહાર, આદિજાતિ વિકાસ, ખાદી-કુટીર અને આરોગ્ય વિભાગને લગતા પ્રશ્નો પર ચર્ચા થશે. પ્રશ્નોત્તરી બાદ ગૃહમાં 4 મહત્ત્વના સુધારા બિલ રજૂ કરવામાં આવશે. જમીનના જૂના વ્યવહારોને નિયમિત કરવા, GSTમાં વેપારીઓ-નિકાસકારોને રાહત, પશુધન આહાર સંબંધિત નિયમો અને અનુદાનિત ખાનગી સ્કૂલોમાં ભરતીની પ્રક્રિયા અંગે આ બિલોમાં મહત્ત્વની જોગવાઈઓ કરવામાં આવી છે.

પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થયા બાદ વિધાનસભા ગૃહમાં સરકારી કામગીરીના ભાગરૂપે અલગ-અલગ બોર્ડ અને નિગમોના વાર્ષિક અહેવાલો તથા કામગીરી અહેવાલો રજૂ કરવામાં આવશે. જેનાથી સરકારી ઉપક્રમોની નાણાકીય અને પ્રશાસનિક સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે.આ અહેવાલો પર વિપક્ષ અને સત્તાપક્ષના સભ્યો દ્વારા પોતાના અભિપ્રાયો અને રજૂઆતો રજૂ કરવાની તક મળશે. વિધાનસભા ગૃહમાં કુલ 4 મહત્ત્વપૂર્ણ સુધારા બિલો રજૂ કરવામાં આવશે. આ 4 બિલમાં ગુજરાત માલ અને સેવા કર સુધારા બિલ, ગુજરાત જમીન મહેસૂલ સુધારા બિલ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા બિલ, પશુધન આહાર, મરઘા ચણ અને ખનિજ મિશ્રણ બિલનો સમાવેશ થાય છે. 

પશુધન આહાર અને મરઘાં-ચણ અંગેનું બિલ

ગુજરાત પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનિજ મિશ્રણ બિલ પણ ગૃહમાં રજૂ થશે. પશુધન માટેના આહાર અને ખનિજ મિશ્રણ સાથે સંબંધિત નિયમન માટે આ સુધારા મહત્ત્વના રહેશે.

01

ખાનગી સ્કૂલોમાં ભરતીના નિયમો બદલાશે, અનામત નીતિ લાગુ થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ, 1972માં સુધારા માટેના બિલમાં મહત્ત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. તેમાં સરકારી અનુદાનિત ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો પણ કાયદાના દાયરામાં આવશે. અનુદાનિત ખાનગી સ્કૂલોમાં શિક્ષક અને બિનશૈક્ષણિક સ્ટાફની ભરતીમાં રાજ્ય સરકારની અનામત નીતિ લાગૂ થશે. સ્પેશિયલ એજ્યુકેટરની લાયકાત અને નિયંત્રણ અંગે સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. હેડમાસ્ટર, શિક્ષક, સ્પેશિયલ એજ્યુકેટર અને બિનશૈક્ષણિક સ્ટાફની લાયકાત તથા ભરતી પ્રક્રિયા સરકાર નિયમો દ્વારા નક્કી કરશે.

નિયમ વિરુદ્ધ ભરતી કરનારને રૂ.10 લાખ સુધીનો દંડ થઈ શકે છે. કેટલીક જોગવાઈના ભંગ બદલ 1-2 વર્ષ સુધીની જેલ અથવા 10-15 લાખ સુધીનો દંડ અથવા બંનેની જોગવાઈ. શાળા બંધ કરવા અંગેના નિયમનો ભંગ થાય તો 20 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. શિક્ષક/કર્મચારીના સસ્પેન્શન અંગે બોર્ડના અધિકારી દ્વારા 45 દિવસમાં નિર્ણય કરવો ફરજિયાત રહેશે.

GSTના નિયમોમાં 4 મોટા ફેરફાર, વેપારીઓ અને નિકાસકારોને રાહત

ગુજરાત સરકારે GSTના નિયમોમાં કેટલાક મહત્ત્વના ફેરફાર કરવા માટે બિલ લાવ્યું છે. આ ફેરફારથી ખાસ કરીને વેપારીઓ અને નિકાસ કરતા લોકોને ફાયદો થશે. કંપની કે વેપારી માલ વેચ્યા પછી ગ્રાહકને ડિસ્કાઉન્ટ આપે તો હવે તેની પ્રક્રિયા સરળ બનશે. આ માટે કંપની ક્રેડિટ નોટ આપશે અને ગ્રાહકે જેટલા ડિસ્કાઉન્ટ પર GSTનો લાભ લીધો હોય તેટલો ITC પરત કરવો પડશે. માલ વેચાઈ ગયા પછી ડિસ્કાઉન્ટ આપ્યું હોય તો તેના માટે ક્રેડિટ નોટ આપવાની જોગવાઈ સ્પષ્ટ કરવામાં આવી છે.

જે વેપારીઓને માલ પર ચૂકવેલું GST અને વેચાણ વખતે વસૂલેલું GST અલગ હોવાના કારણે રિફંડ મળવાનું હોય, તેમાં પાત્ર કેસમાં 90% રિફંડ અગાઉથી મળી શકશે. બાકીની પ્રક્રિયા દસ્તાવેજોની ચકાસણી બાદ થશે. વિદેશમાં માલ મોકલીને GST ભરનાર નિકાસકારોને રિફંડ મેળવવામાં હાલની 1,000 રૂપિયાની ન્યૂનતમ મર્યાદા દૂર કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

02

જમીનના ટુકડા પડવા અને એકત્રીકરણના નિયમોમાં મોટો ફેરફાર

ગુજરાત ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને તેનું એકત્રીકરણ કરવા અંગેના કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રિવેન્શન ઓફ ફ્રેગમેન્ટેશન એન્ડ કોન્સોલિડેશન ઓફ હોલ્ડિંગ્સ (એમેન્ડમેન્ટ) બિલ, 2026માં મહત્ત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે.

29 જાન્યુઆરી 1948 થી 31 માર્ચ 2026 સુધી કાયદાની જોગવાઈ વિરુદ્ધ થયેલા જમીનના ટ્રાન્સફર અથવા ભાગલા નિયમિત ગણાશે. આવા વ્યવહારો માટે કોઈ દંડ કે પ્રીમિયમ વસૂલવામાં નહીં આવે. આ મામલે અધિકારી કે સત્તાધિકારી સમક્ષ કેસ ચાલુ હોય કે ન હોય, વ્યવહાર નિયમિત ગણાશે. રિવિઝનલ ઓથોરિટી સમક્ષ પેન્ડિંગ કાર્યવાહીનો પણ નવી જોગવાઈ મુજબ નિકાલ કરાશે. તો ટ્રાયલ સ્ટેજ પર પેન્ડિંગ કાર્યવાહી રદ થયેલી ગણાશે.

સરળ ભાષામાં કહીએ તો, 31 માર્ચ 2026 સુધીમાં કાયદાની જોગવાઈ વિરુદ્ધ થયેલા ચોક્કસ જમીન વ્યવહારોને હવે દંડ કે પ્રીમિયમ ભર્યા વગર નિયમિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

ચોમાસુ સત્ર દરમિયાન રજૂ થનારા સરકારી બિલો

ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ (સુધારા) બિલ.

ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી (સુધારા) બિલ.

ગુજરાત ભાડા બિલ.

ગુજરાત પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનિજ મિશ્રણ બિલ.

ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) બિલ.

ગુજરાતનો ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને તેનું એકત્રીકરણ કરવા બાબત (સુધારા) બિલ.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (સુધારા) બિલ.

ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ બિલ.

ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) બિલ.

Leave a Reply

error: Content is protected !!