fbpx

રૂપાલાનો વિરોધ ચાલુ રાખીને ક્ષત્રિય સમાજે ભાજપને સમર્થન આપ્યું: સી આર પાટીલ

Spread the love

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ગુરુવારે સાંજે અચાનક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને મીડિયાને કહ્યું હતું કે દક્ષિણ ગુજરાતની 108 ક્ષત્રિય સમાજની સંસ્થાના પ્રતિનિધિઓ મને મળવા આવ્યા હતા અને તેમણે કહ્યું છે કે પરષોત્તમ રૂપાલાનો વિરોધ ચાલું રાખીને અમે ભાજપને અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમર્થન આપીશું પાટીલે કહ્યુ કે, ક્ષત્રિય સમાજના લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસથી પ્રભાવિત છે, તેમને પ્રેમ કરે છે એટલે વિરોધ ચાલું રાખીને ભાજપને સમર્થન કરવા કહ્યું છે.

સી આર પાટીલે પ્રેસ કોન્ફરન્સમા કહ્યુ કે, રાજકોટમાં પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે જે નિવેદન આપ્યું હતું તેને કારણે સમાજની લાગણી ઘવાઇ છે એમાં કોઇ બે મત નથી. પરંતુ ક્ષત્રિય સમાજ ક્ષમા આપવા માટે જાણીતો સમાજ છે. ક્ષમા આપવામાં તેમની મોટી ભૂમિકા રહી છે તેવો ઇતિહાસ છે.

સી આર પાટીલ ક્ષત્રિય સમાજ પર પ્રેસ કોન્ફરન્સમા વરસી પડ્યા હતા. તેમણે કહ્યું કે અમે આગેવાનોને વિનંતી કરી છે કે, તમારી ક્ષમા આપવાની તાકાતનો પરચો આપો.

તેમણે આગળ કહ્યું કે, ક્ષત્રિય સમાજે જ સૌથી વધુ લડાઇ લડી છે અને આ એવો સમાજ છે કે જો કોઇ તેમના શરણે આવે તો પોતાની જાતને ખુંવાર કરીને શરણે આવનારને બચાવી લે.

પાટીલે કહ્યું કે, દક્ષિણ ગુજરાતની 108 ક્ષત્રિય સમાજના આગેવાનોએ સામે આવીને કહ્યું છે કે અમારો વિરોધ રૂપાલા સામે છે પ્રધાનમંત્રી મોદી સામે નથી. અમે ભાજપને સમર્થન કરીશું, પરંતુ રૂપાલા સામેનો વિરોધ ચાલું રહેશે.

ભાજપના રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ 23 માર્ચે જે નિવેદન આપ્યુ હતું તેને કારણે ભાજપને મોટી ચિંતા ઉભી થયેલી છે, કારણ કે એક મહિનાથી વધુ સમય થવા છતા હજુ ક્ષત્રિય સમાજનો ગુસ્સો શાંત થયો નથી. ભાજપના નેતાઓ હર્ષ સંઘવી રત્નાકર, અમિત શાહ અને સી આર પાટીલ અલગ અલગ વિસ્તારોમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ચર્ચા કરીને તેમને સમજાવી રહ્યા છે. ક્ષત્રિય સમાજની નારાજગી ભાજપને ભારે પડી શકે તેમ છે.

જો કે ભાજપ રણનીતિની પાર્ટી છે અને કોઇક ઉપાય ભાજપે શોધી કાઢ્યો હોય તેવું લાગે છે. પહેલાં ભાજપ એવું કહેતું હતું કે રૂપાલાને માફ કરો, પરંતુ હવે એવું લાગે છે કે ભલે રાજકોટમાં રૂપાલા સામે વિરોધ યથાવત રહે, બીજા વિસ્તારોમાં વિરોધની અગન જ્વાળા ન પ્રસરે તેની ભાજપે રણનીતિ અપનાવી હોય શકે છે.

error: Content is protected !!
%d bloggers like this: