દક્ષિણ ગુજરાતના નવસારીમાં આમતો ગુરુવાર રાતથી વરસાદ બંધ થઇ ગયો છે અને શુક્રવારે પણ વરસાદ નથી, પરંતુ ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વગર વરસાદે નવસારીમાં પૂર આવવાનું કારણ એ છે અહીં આવેલી પૂર્ણા નદીએ પોતાની 23 ફુટની ભયજનક સપાટી વટાવી દીધી છે અને 28 ફુટ પર પહોંચી ગઇ છે એટલે નદીના પાણી ટાઉન અને ગામોમાં ફરી વળ્યા છે. ડાંગ સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી ગઇ છે.
નવસારીના 16 વિસ્તારો, ગામડાના 11 વિસ્તારો અને જલાલપોર તાલુકાના 11 વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે અને લોકોના ઘરો, દુકાનોમાં 5થી7 ફુટ પાણી ભરાઇ ગયા છે. સ્થળાંતર કરવાની કામગીરી ચાલી રહી છે અને લોકોને સલામત સ્થળે લઇ જવામાં આવી રહ્યા છે.