fbpx

શુ છે પ્રોજેક્ટ પરી?PMએ કહ્યુ-આ સ્વર્ગવાળી પરી નથી પણ ધરતીને સ્વર્ગ બનાવી રહી છે

Spread the love

PM નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ દ્વારા 112મી વખત દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. PM એ અહોમ કિંગડમના ચરાઈદેવ મૈદામ અને પ્રોજેક્ટ પરી સંબંધિત માહિતી પણ શેર કરી. તેમણે કહ્યું હતું કે એક પ્રયાસ છે – પ્રોજેક્ટ પરી. હવે પરી સાંભળીને તમે મૂંઝાતા નહીં. આ દેવદૂત સ્વર્ગીય કલ્પના સાથે જોડાયેલો નથી પરંતુ પૃથ્વીને સ્વર્ગ બનાવી રહ્યો છે.

તેમણે કહ્યું હતું કે, પોતાની સંસ્કૃતિ પર ગૌરવ કરીને જ કોઈ દેશ આગળ વધી શકે છે. ભારતમાં પણ આ પ્રકારના ઘણા બધા પ્રયાસો થઈ રહ્યા છે. આવો જ એક પ્રયાસ છે- પ્રૉજેક્ટ પરી….હવે તમે પરી સાંભળીને ગુંચવાઈ ન જતા. આ પરી સ્વર્ગીય કલ્પના સાથે નથી જોડાયેલી પરંતુ ધરતીને સ્વર્ગ બનાવી રહી છે.

તેમણે કહ્યું કે, PARI અર્થાત્ Public Art Of India. પ્રૉજેક્ટ પરી પબ્લિક આર્ટને લોકપ્રિય બનાવવા માટે ઉભરતા કળાકારોને એક મંચ પર લાવવાનું મોટું માધ્યમ બની રહ્યો છે. તમે જોતા હશો…સડકોના કિનારે, દીવાલો પર, અંડરપાસમાં ખૂબ જ સુંદર ચિત્રો દોરાયેલાં દેખાય છે. આ ચિત્રો અને આ કળાકૃતિઓ એ જ કળાકાર બનાવે છે જે પરી સાથે જોડાયેલા છે. તેનાથી એક તરફ આપણાં સાર્વજનિક સ્થાનોની સુંદરતા વધે છે, તો બીજી તરફ, આપણી સંસ્કૃતિને વધુ લોકપ્રિય બનાવવામાં પણ મદદ મળે છે. ઉદાહરણ માટે, દિલ્લીના ભારત મંડપમ્ ને જ લો. અહીં દેશભરનું અદ્ભુત આર્ટ વર્ક તમને જોવા માટે મળશે. દિલ્લીમાં કેટલાક અંડરપાસ અને ફ્લાય ઑવર પર પણ તમે આવી સુંદર જાહેર કળા જોઈ શકો છો. હું કળા અને સંસ્કૃતિ પ્રેમીઓને અનુરોધ કરીશ કે તેઓ પણ જાહેર કળા પર વધુ કામ કરે. તે આપણને આપણાં મૂળ પર ગર્વ કરવાની સુખદ અનુભૂતિ આપશે.

PMએ કહ્યું ‘મન કી બાત’માં હવે વાત, રંગોની, એવા રંગોની, જેણે હરિયાણાના રોહતક જિલ્લાની અઢીસોથી વધુ મહિલાઓના જીવનમાં સમૃદ્ધિના રંગો ભરી દીધા છે. હાથશાળના ઉદ્યોગ સાથે જોડાયેલી આ મહિલાઓ પહેલાં નાની-નાની દુકાનો અને નાનાંમોટાં કામો કરી આજીવિકા રળતી હતી. પરંતુ દરેકમાં આગળ વધવાની ઇચ્છા તો હોય જ છે. આથી તેમણે ‘ઉન્નતિ સેલ્ફ હેલ્પ ગ્રૂપ’ સાથે જોડાવાનો નિર્ણય કર્યો અને આ ગ્રૂપ સાથે જોડાઈને તેમણે બ્લૉક પેઇન્ટિંગ અને રંગાઇમાં પ્રશિક્ષણ મેળવ્યું. કપડા પર રંગોનો જાદુ વિખેરનારી આ મહિલાઓ આજે લાખો રૂપિયા કમાઈ રહી છે. તેમના દ્વારા બનાવાયેલા ઓછાડ ચાદર, સાડીઓ અને દુપટ્ટાઓની બજારમાં ખૂબ જ માગ છે.

PM મોદીએ વધુમાં કહ્યું રોહતકની આ મહિલાઓની જેમ દેશના અલગ-અલગ હિસ્સામાં કારીગરો, હાથશાળને લોકપ્રિય બનાવવામાં લાગેલા છે. પછી તે ઓડિશાની ‘સંબલપુરી સાડી’ હોય કે મધ્ય પ્રદેશની ‘માહેશ્વરી સાડી’  હોય, મહારાષ્ટ્રની ‘પૈઠણી’ કે વિદર્ભના ‘હેન્ડ બ્લૉક પ્રિન્ટ્સ’ હોય, પછી તે હિમાચલના ‘ભૂટ્ટિકો’ની શાલ અને ઊનનાં કપડાં હોય કે પછી, જમ્મુ-કાશ્મીરની ‘કનિ’ શાલ હોય. દેશના ખૂણેખૂણામાં હાથશાળના કારીગરોનું કામ છવાયેલું છે. અને તમે એ તો જાણતા જ હશો કે, કેટલાક દિવસ પછી, સાત ઑગસ્ટે આપણે ‘રાષ્ટ્રીય હાથશાળ દિવસ’ તરીકે ઉજવીશું. આજકાલ જે રીતે હાથશાળનાં ઉત્પાદનોએ લોકોનાં હૈયામાં પોતાની જગ્યા બનાવી છે, તે ખરેખર ખૂબ જ સફળ છે, જબરદસ્ત છે. હવે તો અનેક ખાનગી કંપનીઓ પણ આર્ટિફિશિયલ ઇંટેલિજેંસના માધ્યમથી હાથશાળનાં ઉત્પાદનો અને ટકાઉ ફેશનને ઉત્તેજન આપી રહી છે. કોશા એઆઈ, હેન્ડલૂમ ઇણ્ડિયા, ડી-જંક, નોવાટેક્સ, બ્રહ્મપુત્રા ફેબલ્સ, આવાં કેટલાંય સ્ટાર્ટ અપ પણ હાથશાળનાં ઉત્પાદનોને લોકપ્રિય બનાવવામાં લાગેલાં છે. મને એ જોઈને સારું લાગ્યું કે ઘણા લોકો પોતાને ત્યાંનાં આવાં સ્થાનિક ઉત્પાદનોને લોકપ્રિય બનાવવામાં લાગેલાં છે. તમે પણ તમારાં સ્થાનિક ઉત્પાદનોને ‘#MyProductMyPride નામથી સૉશિયલ મીડિયા પર અપલૉડ કરો. તમારો આ નાનકડો પ્રયાસ અનેક લોકોનું જીવન બદલી નાખશે.

error: Content is protected !!