fbpx

કોંગ્રેસ ગુજરાતમાં 9 ઑગસ્ટથી 300 કિમીની ન્યાયયાત્રા કાઢશે, જાણી લો રુટ

Spread the love

કોંગ્રેસ ગુજરાતમાં ન્યાય યાત્રા કરવા જઇ રહી છે. આ ન્યાય યાત્રા મોરબીથી શરૂ થશે અને તે રાજકોટ સુરેન્દ્રનગર થતી ગાંધીનગર સુધી પહોંચશે. કુલ 300 કિલોમીટરની આ ન્યાયયાત્રા હશે. આ ન્યાય યાત્રા બાબતે માહિતી આપવા આજે પ્રેસ કોન્સફરન્સ કરવામાં આવી હતી. કોંગ્રેસની ન્યાય યાત્રાની શરૂઆત 9 ઑગસ્ટથી થશે. આ ન્યાય યાત્રા મોરબીમાં બનેલી ઝૂલતા પુલ દુર્ઘટનાના સ્થળેથી શરૂ થશે. દુર્ઘટના સ્થળ પરથી ધ્વજ ફરકાવીને સવારે 9:00 વાગ્યાથી આ યાત્રાની શરૂઆત થશે. મોરબીથી શરૂ થનારી આ ન્યાય યાત્રા 11 ઑગસ્ટે રાજકોટ પહોંચશે.

રાજકોટમાં TRP ગેમ ઝોન પર સંવેદના સભા યોજાશે. આ ન્યાય યાત્રા રાજકોટમાં રાત્રિ રોકાણ કરશે અને ત્યારબાદ બીજા દિવસે રાજકોટના અલગ અલગ સ્થળો પર ફરશે. 13 ઑગસ્ટે આ યાત્રા આગળ વધશે. 15 ઑગસ્ટેના રોજ સુરેન્દ્રનગરમાં ધ્વજ વંદન કાર્યક્રમ થશે. ત્યારબાદ યાત્રા સુરેન્દ્રનગરથી આગળ વધીને અમદાવાદ પહોંચશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં આ ન્યાય યાત્રા ફરશે. ત્યારબાદ વિધાનસભા સત્ર શરૂ થશે એ દરમિયાન આ ન્યાય યાત્રા ગાંધીનગર પહોંચશે.

કોંગ્રેસની આ ન્યાયયાત્રામાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, વેણુ ગોપાલ, મલ્લિકાર્જૂન ખડગે સહિતના નેતાઓને નિમંત્રણ આપવામાં આવશે. આ બધા નેતાઓ પોતાની અનુકૂળતા મુજબ આ યાત્રામાં જોડાશે. મોરબીથી શરૂ થતી ન્યાય યાત્રામાં એક ઘડો હશે, જેને કોંગ્રેસ ભાજપના પાપનો ઘડો નામ અપાશે. આ ઘડામાં લોકો ભાજપ સરકાર સામેની ફરિયાદો લખીને નાખી શકશે અને તેને ચોક્ક્સ જગ્યાએ ફોડી નાખવામાં આવશે.

આ ન્યાય યાત્રામાં 100 જેટલા પદયાત્રીઓ હંમેશાં સાથે રહેશે. એ સિવાય વિભિન્ન પદયાત્રીઓ પણ જોડાશે. કુલ 300 કિલો મીટરની આ ન્યાય યાત્રા હશે જેમાં રોજ 25-30 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે. કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે, એક પણ જગ્યાએ ઢોલ નગારાથી આ ન્યાય યાત્રાનું સ્વાગત નહીં કરવામાં આવે. માત્ર સુતરની આંટીઓથી જ સ્વાગત કરાશે.

આ યાત્રા મામલે કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, આગામી 9 ઑગસ્ટના રોજ ક્રાંતિ દિવસથી અમે ક્રાંતિની શરૂઆત મોરબીથી કરીશું. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિત પરિવારો, રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોને સાથે રાખી આ ન્યાય યાત્રા કરવામાં આવશે. મોરબીના ઝૂલતા પૂલથી આ યાત્રાની શરૂઆત થશે.

error: Content is protected !!