fbpx

બોલો, હવે વલસાડમાં પણ બની રહેલા બ્રિજનો પિલર નમી ગયો

Spread the love

દ્વારકામાં બનેલા બ્રિજ પર ગાબડાં અને તાજેતરમાં સુરતમાં મેટ્રો બ્રીજની પેનલના બે ટુકડા થવાના સમાચાર હજુ ચર્ચામાં છે તેવા સમયે વલસાડમાં એક બની રહેલા બ્રિજનો પિલર નમી ગયો હોવાના સમાચાર સામે આવ્યા છે. બ્રિજ તૈયાર થાય તે પહેલા જ ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે.

વલસાડના ઉમરસાડીમાં ખાડીમાં બની રહેલા બ્રિજનો પિલર નમી જવાના સમાચારે તંત્ર દોડતું થઇ ગયું હતું. હજુ તો લોકો માટે બ્રિજ ખુલ્લો મુકવામાં આવે તે પહેલાં જ સમસ્યા સામે આવી ગઇ છે. 2 વર્ષ પહેલાં જ આ પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું.

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી દેસાઇવાડના દરિયાકિનારાના વિકાસ માટે 9.50 કરોડ રૂપિયાના ખર્ચે પેડેસ્ટલ બ્રિજનું રાજ્યના મંત્રી કનુ દેસાઇના હસ્તે 2022માં ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પેડસ્ટલ કેબલ બ્રિજ 126 મીટર લાંબો છે અને ખાડીથી 26 ફટની ઉંચાઇએ બનાવવામાં આવી રહ્યો છે.

ઉમરસાડીના આ બ્રિજને અમદાવાદમાં સાબરમતી નદી પર બનેલા બ્રિજની પેટર્ન મુજબ બનાવવામાં આવી રહ્યો છે.

જાણવા મળેલી માહિતી મુજબ ઉમરસાડી ગામના અગ્રણી ભરતભાઇનું સપનું હતું કે ખાડી પર એક બ્રિજ બને. ભરતભાઇનું સપનું તો સાકાર થયું, પણ બ્રિજ ખુલ્લો મુકવામાં આવે તે પહેલાં જ ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઇ છે અને બ્રિજનો પિલર નમી ગયો છે.

દેશમાં બ્રિજ તો જાણે એવી રીતે બનાવવામાં આવી રહ્યા છે કે, લોકો મરે તો પણ સરકાર કે કોન્ટ્રાકટરોને કોઇ ફરક પડવાનો નથી. બિહાર હોય, સુરત હોય કે દેશના અન્ય ભાગ હોય બ્રિજના પાયા હાલી જવાના સમાચારો હવે કોમન થઇ ગયા છે. કોઇના પેટનું પાણી હાલતું નથી.

સુરતમાં સારોલી રોડ પર મેટ્રો બ્રિજની પેનલના ટુકડા થયા તેમાં 5 દિવસ સુધી લોકોએ ટ્રાફીકની સમસ્યાનો સામનો કરવો પડયો.બ્રિજને ઉતારી લેવામાં 3 દિવસ લાગ્યા.

error: Content is protected !!