fbpx

વેક્સીન બનાવનાર અદાર પૂનાવાલાએ લંડનનું બીજું સૌથી મોંઘુ ઘર ખરીદ્યું, કિંમત અધધધ

Spread the love

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ લંડનમાં બીજું સૌથી મોંઘું ઘર ખરીદીને ઈતિહાસ રચ્યો છે. આ આલીશાન ઘર ગયા વર્ષે વેચવામાં આવ્યું હતું. તેની કિંમત 1,446 કરોડ રૂપિયા છે. પૂનાવાલા પરિવારનું આ ઘર તેમની UK સ્થિત સબસિડિયરી સીરમ લાઈફ સાયન્સે ખરીદ્યું છે. 42 વર્ષીય અબજોપતિ અદાર પૂનાવાલાએ હાઇડ પાર્ક પાસે લગભગ સદી જૂનું એબરકોનવે હાઉસ ખરીદ્યું છે. આ ઘર પોલેન્ડના સૌથી ધનિક વ્યક્તિ અને દિવંગત ઉદ્યોગપતિ જાન કુલ્ઝિકની પુત્રી ડોમિનિકા કુલ્ઝિકનું હતું. જોકે, સૂત્રોનું કહેવું છે કે, પૂનાવાલા પરિવારનો કાયમી ધોરણે બ્રિટન જવાનો કોઈ ઈરાદો નથી. આ ઘર કંપની અને પરિવાર માટે UKમાં રહેવા માટેના એક આધાર તરીકે સેવા આપશે.

આ ઘર લંડનમાં વેચાયેલું બીજું સૌથી મોંઘું ઘર બની ગયું છે. સૌથી મોંઘું ઘર 2-8A રટલેન્ડ ગેટ છે, જે જાન્યુઆરી 2020માં રૂ.19,000 કરોડમાં વેચાયું હતું. મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, આ ઘર સાઉદી અરેબિયાના પૂર્વ ક્રાઉન પ્રિન્સ સુલતાન બિન અબ્દુલ અઝીઝની એસ્ટેટમાંથી એવરગ્રાન્ડના સ્થાપક અને ચેરમેન હુઈ કા યાનને વેચવામાં આવ્યું હતું.

અદાર પૂનાવાલા સાયરસ પૂનાવાલાના પુત્ર છે. સાયરસ પૂનાવાલાની કુલ સંપત્તિ લગભગ 1.8 લાખ કરોડ રૂપિયા છે. અદારે પોતાની આગવી ઓળખ બનાવી છે. તેમણે કેન્ટરબરીની પ્રતિષ્ઠિત સેન્ટ એડમન્ડ સ્કૂલ, પૂણેની બિશપ્સ સ્કૂલ અને છેલ્લે વેસ્ટમિંસ્ટર યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. લંડનમાં રહીને તેમણે બાયોટેકનોલોજી અને મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી. 2011માં, અદાર પૂનાવાલાને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના CEO નિયુક્ત કરવામાં આવ્યા હતા. આનાથી કંપનીને એક નવી દિશા મળી. અદારે COVID-19 રોગચાળા સામે લડવામાં વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. SII આ પ્રયાસનો અભિન્ન ભાગ હતો. અદારે વૈશ્વિક રોગચાળા દરમિયાન 70 દેશોમાં COVID-19 રસીના ડોઝ પૂરા પાડવામાં SIIનું નેતૃત્વ કર્યું, જે વૈશ્વિક આરોગ્ય પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ઘણા ભારતીય ઉદ્યોગપતિઓ પાસે લંડનમાં વૈભવી મકાનો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સ્ટોક પાર્કમાં આલીશાન હોટેલ છે. 49 બેડરૂમની આ હોટલમાં 13 ટેનિસ કોર્ટ, 14 એકર ખાનગી બગીચા અને 27 હોલનો ગોલ્ફ કોર્સ છે. આ હોટેલ મુકેશ અંબાણીએ 2020માં 529 કરોડ રૂપિયામાં ખરીદી હતી.

એ જ રીતે લક્ષ્મી મિત્તલના પણ લંડનના પોશ વિસ્તારોમાં ઘણા બંગલા છે. કહેવાય છે કે બિશપ એવન્યુમાં આવેલો સમર પેલેસ તેમની મિલકત છે. તેમણે 2004માં કેન્સિંગ્ટન પેલેસ ગાર્ડન્સમાં 630 કરોડ રૂપિયામાં 12 બેડરૂમનું આલીશાન ઘર ખરીદ્યું હતું. તેમાં 20 કાર માટે પાર્કિંગની સુવિધા પણ હતી. જો કે, મીડિયા સૂત્રો અનુસાર, લક્ષ્મી મિત્તલે 2013માં આ ઘર વેચવાનો નિર્ણય લીધો હતો.

error: Content is protected !!