વિધાનસભાની ચૂંટણી અગાઉ ઝારખંડની રાજનીતિમાં મોટો ઉલટફેર થવાની ચર્ચા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પૂર્વ મુખ્યમંત્રી ચંપાઇ સોરેન સહિત JMMના 6 ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંપર્કમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. લોબીન હેમ્બ્રમ અને સમીર મોહંતી પણ ભાજપના સંપર્કમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ચંપાઇ સોરેન સિવાય ઘણા અન્ય ધારાસભ્યોની નારાજગીનો દાવો કરવામાં આવી રહ્યો છે.
જાણકારો મુજબ લોબીન હેમ્બ્રમ જલદી જ ભાજપમાં સામેલ થઇ શકે છે. લોબીન ભાજપ તરફથી ફાઇનલ કોલની રાહ જોઇ રહ્યા છે. JMM અને કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં સામેલ કરાવવાની કવાયદ ચાલી રહી છે. લોબીન હેમ્બ્રમે લોકસભામાં JMMના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી લડી હતી. વિધાનસભા અધ્યક્ષે હેમ્બ્રમની વિધાનસભા અધ્યક્ષતા રદ્દ કરી દીધી હતી. હાલના ધારાસભ્ય સમીર મોહંતી JMMમાંથી ભાજપમાં જઇ શકે છે.
આગામી વિધાનસભાની ચૂંટણીમાં સમીરની ટિકિટ કપાય તેવી સંભાવના છે એટલે તેઓ ભાજપમાં સામેલ થઇ શકે છે. બીજી તરફ સરાઇકેલામાં એક કાર્યક્રમમાં ચંપાઇ સોરેન પણ ભાજપમાં સામેલ થાય તેવી અટકળોનું ખંડન કરવામાં આવ્યું છે. આ દરમિયાન ઝારખંડમાં ભાજપના સહ ચૂંટણી પ્રભારી હિમંતા બિસ્વા સરમાએ પૂર્વ મુખ્યમંત્રી ચંપાઇ સોરેનના વખાણ કર્યા.
તેમણે કહ્યું કે જે કામ છેલ્લા 5 વર્ષમાં ન થયું, એ ચંપાઇ સોરેને પોતાના 6 મહિનાના કાર્યકાળમાં કરી દેખાડ્યું છે. 12 હજાર રૂપિયા આપવાનો જે વાયદો મુખ્યમંત્રી સોરેન કરી રહ્યા છે એ ચંપાઇ સોરેનની દેન છે. અમારી સરકાર આવશે તો અમે 5000 રૂપિયા મહિને આપીશું. રાજનીતિક ગલિયારામાં એ વાતની ચર્ચા છે કે પૂર્વ મુખ્યમંત્રી અને મંત્રી ચંપાઇ સોરેનની સૌથી ખાસ વ્યક્તિ ગત દિવસોથી દિલ્હીમાં ઉપસ્થિત છે.
કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે ઘણા રાઉન્ડની વાત પણ થઇ ચૂકી છે અને તેઓ ચંપાઇ સોરેનના તાર ભાજપ સાથે જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચંપાઇ સોરેનની કથિત નારાજગી સાથે જ રાજકારણમાં એ વાતની પણ ખૂબ ચર્ચા છે કે ચંપાઇ સોરેનને JMMના ઘણા નારાજ ધારાસભ્યોનો સાથ મળી શકે છે. તેમને પૂર્વી સિંહભૂમ, પશ્ચિમ સિંહભૂમ અને સરાયકેલા ખરસવાના ઘણા ધારાસભ્યોનો સાથ મળી શકે છે. વર્ષ 2019ની વિધાનસભાની ચૂંટણીમાં કોલ્હાન ક્ષેત્રની 14માંથી 11 સીટો પર JMMને જીત મળી હતી, તો હવે JMMમાં ફૂટ પડે છે તો કોલ્હાન ક્ષેત્રમાં પાર્ટીને ખૂબ નુકસાન ઉઠાવવું પડી શકે છે.