પશ્ચિમ બંગાળ છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં હેડલાઇન્સમાં છે. RG કાર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા પછી હવે રાજ્યમાં પૂરના કારણે CM મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી ગઈ છે. CM મમતા બેનર્જી હવે આ પૂર માટે પણ કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે.
CM મમતા બેનર્જીએ ગુરુવારે કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા, અને રાજ્યના ઘણા જિલ્લાઓમાં પૂરના મુખ્ય કારણ તરીકે ડેમની સફાઈમાં દામોદર વેલી કોર્પોરેશન (DVC)ની નિષ્ફળતાને જવાબદાર ઠેરવી હતી.CM મમતા બેનર્જીએ માનવસર્જિત પૂર માટે DVCને જવાબદાર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, આ પરિસ્થિતિ એક ષડયંત્રનું પરિણામ છે.
CM મમતા બેનર્જીએ કહ્યું કે, આ કુદરતી વરસાદી પાણી નથી, પરંતુ કેન્દ્ર સરકારની એજન્સી DVC દ્વારા તેના ડેમમાંથી છોડવામાં આવેલું પાણી છે. આ માનવસર્જિત પૂરે રાજ્યને સંકટમાં મૂક્યું છે. DVC ડેમની જળ સંગ્રહ ક્ષમતામાં 36 ટકાનો ઘટાડો થયો છે, તેમ છતાં કેન્દ્રએ તેને સાફ કરવા માટે કોઈ પહેલ કરી નથી.
પશ્ચિમ મેદિનીપુર જિલ્લાના પાશકુડા ખાતે પૂર પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કરતી વખતે CM મમતા બેનર્જીએ ચેતવણી આપી હતી કે, જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો તેમને DVC સાથેના તમામ સંબંધો તોડવાની ફરજ પડશે. તેમણે કહ્યું કે, આ વર્ષે DVCએ 5.5 લાખ ક્યુસેક પાણી છોડ્યું, જેનાથી રાજ્યમાં પૂર સંકટ વધુ ગહન થયું.
આ દરમિયાન BJPના કેન્દ્રીય મંત્રી અને પશ્ચિમ બંગાળ એકમના પ્રમુખ સુકાંત મજુમદારે પણ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે રાજ્ય પ્રશાસન પર રાહત સામગ્રી આપવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો. મજમુદારે કહ્યું કે, સ્થાનિક લોકોએ કહ્યું કે, પ્રશાસને હજુ સુધી કોઈ રાહત સામગ્રી મોકલી નથી. રાજ્ય સરકાર માત્ર દાવા કરી રહી છે, જ્યારે તે લોકોને મદદ કરવા માટે જમીન પર દેખાતી નથી. CM મમતા બેનર્જીએ વહીવટીતંત્રને સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો કે, રાહત સામગ્રી તમામ અસરગ્રસ્ત લોકો સુધી પહોંચે. બીજી તરફ BJPએ સ્થાનિક લોકોને તાડપત્રી અને ખાદ્યપદાર્થોનું વિતરણ કરી મદદ કરી હતી.
બીજી તરફ, બીરભૂમ જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા આવેલા TMC સાંસદ અને DMની બોટ પલટી ગઈ. બોટમાં સવાર કોઈ વ્યક્તિએ લાઈફ જેકેટ પહેર્યું ન હતું. જોકે તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. બંગાળના ઘણા જિલ્લા પૂરને કારણે પ્રભાવિત થયા છે. ઘણા લોકોના ઘર ડૂબી ગયા હતા અને પાકને પણ ભારે નુકસાન થયું હતું.
CM મમતા બેનર્જી સતત પ્રવાસ કરી રહ્યા છે. ઘણી જગ્યાએ તેમને લોકોના વિરોધનો સામનો પણ કરવો પડ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ CM મમતા બેનર્જીને કહ્યું કે, અમારી સંપત્તિ અને જીવનભરની કમાણીનો નાશ થઈ ગયો છે, પરંતુ બીજી તરફ પ્રશાસન તરફથી અમને કોઈપણ પ્રકારની મદદ કરવામાં આવી રહી નથી.