જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત અચાનક લથડી ગઈ હતી. તેઓ કઠુઆમાં એક રેલીને સંબોધિત કરવા આવ્યા હતા. જ્યાં સ્ટેજ પર તેમની તબિયત અચાનક લથડી ગઈ હતી.
આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ‘આ લોકો (કેન્દ્ર સરકાર) ક્યારેય ચૂંટણી કરાવવા માંગતા જ ન હતા. જો તેઓ એવું કરવા ઇચ્છતા હોતે તો, તો તેઓ એક કે બે વર્ષમાં આવું કરી શક્યા હોત. BJPના લોકો લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા રિમોટ કંટ્રોલથી ચાલતી સરકાર ચલાવવા માંગતા હતા… PM નરેન્દ્ર મોદીએ છેલ્લા 10 વર્ષમાં ભારતના યુવાનોને કંઈ આપ્યું નથી. શું તમે એવી વ્યક્તિ પર વિશ્વાસ કરી શકો છો, જે 10 વર્ષમાં તમારી સમૃદ્ધિ પાછી ન લાવી શકે? જો BJPનો કોઈ નેતા તમારી સામે આવે તો તેને પૂછો કે તેઓ સમૃદ્ધિ લાવ્યા કે નહીં…’
બીજી તરફ કોંગ્રેસે શનિવારે જમ્મુ અને કાશ્મીર પ્રશાસન પર પ્રિયંકા ગાંધીના હેલિકોપ્ટરને કઠુઆ જિલ્લાના બિલાવર મતવિસ્તારમાં ઉતરવામાં મદદ ન કરવાનો અને તેમના પ્રચારમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. હકીકતમાં, પ્રિયંકા ગાંધી જમ્મુ ક્ષેત્રના બિલાવર અને બિશ્નાહ મતવિસ્તારમાં રેલીઓને સંબોધવાના હતા, પરંતુ તેમનું હેલિકોપ્ટર ત્યાં ઉતરી શક્યું ન હતું. આ કારણે તે પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ મંત્રી ડો. મનોહર લાલ માટે સમર્થન મેળવવામાં અસમર્થ રહ્યા હતા.
બીજી તરફ, વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ ચંબ અને રામગઢ મતવિસ્તારમાં રેલીઓને સંબોધવાના હતા, પરંતુ શુક્રવારે તેમના હેલિકોપ્ટરમાં ટેકનિકલ સમસ્યાનો સામનો કરવો પડ્યો. જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસ કમિટી (JKPCC)ના મુખ્ય પ્રવક્તા રવિન્દર શર્માએ પત્રકારોને કહ્યું, ‘અમે આ અંગે પ્રશાસન પાસેથી સ્પષ્ટતા માંગીએ છીએ. પ્રિયંકા ગાંધીની બિલાવર રેલીને વહીવટીતંત્ર દ્વારા શરમજનક રીતે વિક્ષેપિત કરવામાં આવી છે. તેમણે આ ઘટનાની તપાસની માંગ કરી અને ચૂંટણી પંચને પણ આ મામલે તપાસ કરવા વિનંતી કરી.
અહીં તમને જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં ત્રીજા અને છેલ્લા તબક્કાના મતદાન માટે પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. છેલ્લા તબક્કામાં 40 બેઠકો પર મતદાન થવાનું છે. પરિણામ 8 ઓક્ટોબરે આવશે.