એસ.એસ. રાજામૌલી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે પછી બોલિવુડ આજે કદાચ જ કોઈ આ નામથી અજાણ હશે. બાહુબલી ફિલ્મે તો તેમને વર્લ્ડ ફેમસ કરી દીધા. આ સમયે ભારતીય સિનેમાની વાત કરવામાં આવે તો તેલુગુ ડિરેક્ટર એસ.એસ. રાજામૌલીની ચર્ચા ન થાય એવું તો શક્ય જ નથી. રાજામૌલી આજ કાલ પોતાની હાલમાં રીલિઝ થયેલી ફિલ્મ RRRને લઈને લાઇમલાઇટ મેળવી રહ્યા છે. જુનિયર NTR, રામ ચરણ, અલ્યા ભટ્ટ અને અજય દેવગન જેવા સ્ટારોથી સજેલી આ ફિલ્મે રીલિઝ થતા જ એવી જબરદસ્ત કમાણી કરી છે જેને જોઈને બધા લોકો આશ્ચર્યમાં છે.
ફિલ્મે રીલિઝના પહેલા બે દિવસમાં જ લગભગ 580 કરોડ રૂપિયાનો ધમાકેદાર બિઝનેસ કર્યો હતો. આમ તો આ પહેલી વખત નથી જ્યારે એસ.એસ. રાજામૌલીની ફિલ્મે ઇતિહાસ રચ્યો હોય. બાહુબલી ફિલ્મે તો તેમને વર્લ્ડ ફેમસ બનાવી દીધા છે. એસ.એસ. રાજામૌલી એક એવા ડિરેક્ટર છે જેના નામથી જ ફિલ્મો હિટ થઈ જાય છે. દેશના ટોપ ડિરેક્ટર્સમાં સામેલ એસ.એસ. રાજામૌલી એક એવા ફિલ્મમેકર છે જેમની આજ સુધી કોઈ ફિલ્મ ફ્લોપ થઈ નથી.
21 વર્ષ અગાઉ તેમણે ડિરેક્શનની દુનિયામાં પગ મૂક્યો ત્યારે વિચાર્યું પણ નહીં હોય કે ભારતને દાદા સાહેબ ફાળકે, સત્યજિત રે, ગુરુ દત્ત, મૃણાલ સેન, અદૂર ગોપાલકૃષ્ણન બાદ એસ.એસ. રાજામૌલીના રૂપમાં એક એવો ફિલ્મ મેકર મળશે.
એસ.એસ. રાજામૌલીને આજ કાલ ફિલ્મોના જાદુગર તરીકે ઓળખવામાં આવે છે. તેમની ફિલ્મોમાં ઇમેજીનેશન અને કહાનીઓને બતાવવાની રીત દર્શકોના મનમાં છવાઈ જાય છે. તેનું એક ઉદાહરણ બાહુબલી સીરિઝમાં જોવા મળ્યું. ફિલ્મની કહાની, સીન, તેનું VFX એવું શાનદાર હતું કે દેશ જ નહીં પરંતુ વિદેશોના લોકો પણ દીવાના થઇ ગયા હતા. આમ તો એસ.એસ. રાજામૌલીને શાનદાર રીતે કહાની કહેવાની કળા વારસામાં મળી છે. એસ.એસ. રાજામૌલીના પિતા વિજયેન્દ્ર પ્રસાદ પોતે જાણીતા ડિરેક્ટર અને લેખક છે.
વિજયેન્દ્ર પ્રસાદે પોતાના કરિયરમાં મગધીરા, બહુબલી સીરિઝ, બજરંગી ભાઈજાન, મણિકર્ણિકા અને થલાઇવી જેવી ઘણી જાણીતી ફિલ્મોની કહાનીઓ લખી છે. જાહેર છે કે પોતાના પિતા પાસે રાજામૌલીએ ડિરેક્શન અને કહાનીઓ રજૂ કરવા માટે બેઝિક્સ તો શીખ્યા જ હશે. રાજામૌલીએ પોતાના કરિયરની શરૂઆત તેલુગુ ટી.વી. સીરિયલોના ડિરેક્શનથી કરી હતી. તેમની પહેલી ફિલ્મ ‘સ્ટુડન્ટ નંબર 1’ વર્ષ 2001મા રીલિઝ થઈ હતી જેમાં જુનિયર NTR લીડ રોલમાં હતા. આ ફિલ્મ સુપરહિટ રહી હતી.
ત્યારબાદ એસ.એસ. રાજામૌલીએ સિમ્હાદ્રી, સાઇ, છત્રપતિ, વિક્રમારૂકૂડું, યામાડોંગા, મગધીરા, મર્યાદા રમન્ના, ઇગા (મખ્ખી) જેવી એક બાદ એક સુપરહિટ ફિલ્મો આપી. હિન્દી પટ્ટીની વાત કરીએ તો રાતોરાત છવાઇ ગયા જ્યારે આખા ઉત્તર ભારતમાં તેમની ફિલ્મ ‘બાહુબલી’નો જાદુ માથે ચડીને બોલવા લાગ્યો. ત્યારબાદ લોકોને ખબર પડી કે તેમણે જે કેટલીક ડબ ફિલ્મ ટી.વી. પર જોઈ હતી તે કોઈ બીજાએ નહીં પરંતુ ફિલ્મોના જાદુગરે ડિરેક્ટ કરી હતી. ત્યાં સુધી એસ.એસ. રાજામૌલીની ઘણી ફિલ્મોને નેશનલ એવોર્ડ મળી ચૂક્યો હતો.
એસ.એસ. રાજામૌલીની ફિલ્મો હિટ થવાનું સૌથી મોટું કારણ એ પણ છે કે તેઓ ખૂબ જ ઓછા પ્રોજેક્ટ કરે છે. તમને જાણીને હેરાની થશે કે 21 વર્ષમાં તેમની માત્ર 11 ફિલ્મો જ રીલિઝ થઈ છે એટલે કે તેઓ દરેક ફિલ્મ પર એટલો સમય લે છે કે રિઝલ્ટ તરીકે એક પરફેક્ટ મૂવી દર્શકો સામે આવે છે. તેનું સૌથી સારું ઉદાહરણ બાહુબલી સીરિઝની બંને ફિલ્મો છે. ફિલ્મનો પહેલો પાર્ટ ‘બાહુબલી: ધ બિગિનિંગ’ બાદ બીજો પાર્ટ બહુબલી: ધ કન્ક્લૂઝન’ આવવામાં 2 વર્ષનો સમય લાગ્યો હતો અને દર્શકો કાગડોળે આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા.