પશ્ચિમ બંગાળમાં એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓછા વાળ કે વાળ વગરના લોકોનું સન્માન કરવાનો કાર્યક્રમ. તેનું આયોજન કરનાર શૌકત મોલ્લા તૃણમૂલ કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય છે. ટાલવાળા લોકોનું હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમનું સન્માન કરતી વખતે ફૂલ અને ભેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. TMC ધારાસભ્યએ આવું કરવા પાછળનું કારણ પણ જણાવ્યું છે.
મીડિયા સૂત્રના અહેવાલ મુજબ, આ કાર્યક્રમ કેનિંગના જીવનતલા બજારમાં રાખવામાં આવ્યો હતો. 100 ટાલવાળા પુરુષોને અહીં બોલાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શૌકત મોલ્લાએ કાર્યક્રમ પછી કહ્યું કે, હું ઓછા વાળવાળા લોકોને બુદ્ધિજીવી માનું છું. એક બૌદ્ધિક તરીકે તેમનું સન્માન થવું જોઈએ. આ અનોખી પહેલનો ઉદ્દેશ્ય એવા લોકોને પ્રોત્સાહિત કરવાનો હતો કે, જેઓ વાળના અભાવ, ચામડીનો કાળો રંગ, સ્થૂળતા અથવા ઓછી હાઈટના કારણે સામાજિક કલંકનો ભોગ બને છે.
શૌકત મોલ્લાએ કહ્યું, બધું ભગવાનની ભેટ છે. તેના માટે નિરાશ થવાની કે પોતાને નીચા માનવાની જરૂર નથી. જેમના માથા પર વાળ નથી તેઓનું હું સ્વાગત કરીશ.
શૌકત મોલ્લાએ જણાવ્યું હતું કે, હાલમાં આ કાર્યક્રમ બે ગ્રામ પંચાયતોથી શરૂ કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં સમગ્ર વિધાનસભા મત વિસ્તારમાં તેનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમમાં આવેલા સ્થાનિક તરુણ મંડલે જણાવ્યું કે, તેમણે વાળ માટે અનેક પ્રકારના તેલ અને દવાઓ અજમાવી છે. પણ કંઈ કામ ન આવ્યું. તેણે કહ્યું કે 40 વર્ષની ઉંમર સુધીમાં તેના બધા વાળ ખરી ગયા હતા. ધારાસભ્યના સમર્થન અને આ પહેલ માટે તેઓ તેમના આભારી છે.
ગયા વર્ષે, એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં એક વ્યક્તિને તેની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, કારણ કે તેને માથે ટાલ હતી. યુનાઈટેડના લીડ્સમાં રહેતા માર્ક જોન્સ ટેંગો નેટવર્ક નામની કંપનીમાં કામ કરતા હતા. તેઓ આ કંપનીમાં સેલ્સ ડિરેક્ટર હતા અને તેમનો વાર્ષિક પગાર 60 હજાર પાઉન્ડ એટલે કે અંદાજે 60 લાખ રૂપિયા હતો. મીડિયા સૂત્રના એક અહેવાલ મુજબ, માર્કના ટાલવાળા બોસ ફિલિપ હેસ્કેથે એક દિવસ માર્કને તેની કેબિનમાં બોલાવ્યો. ફિલિપે કહ્યું કે, તે તેની કંપનીમાં પોતાની ‘મિરર ઈમેજ’ નથી ઈચ્છતો. મતલબ કે તેના જેવા ટાલવાળા લોકો નથી ઈચ્છતો.
ત્યારબાદ માર્ક કોર્ટમાં પહોંચ્યા. બંને પક્ષોને સાંભળ્યા પછી કોર્ટે માર્કની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જજે તેને કંપની તરફથી લગભગ 70 લાખ રૂપિયાનું વળતર અપાવ્યું. ન્યાયાધીશે કહ્યું કે, કોઈ પણ વ્યક્તિને માત્ર એટલા માટે નોકરીમાંથી કાઢી ન શકાય કારણ કે તેને માથે ટાલ છે.