સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલ SGPC જે ભારત સરકારમાં ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ પ્રોડક્ટિવિટી સાથે સંકળાયેલ છે. દક્ષિણ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝમાં સતત ગુણવત્તા સભર પ્રોડક્ટિવિટી વધતી રહે અને કામદાર, નોકરીયાત, ઉધોગપતિઓ અને વેપારીઓ વચ્ચે સુમેળ રહે તે માટે સતત કાર્યરત છે. કામદાર, નોકરીયાતોનાં ભવિષ્ય માટે ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલા વિવિધ કાયદાઓમાંનો એક કાયદો- પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ -૧૯૭૨ ‘પણ છે. આ કાયદા હેઠળ કોને કોને લાગુ પડે? એના હેઠળ જ્યારે પણ કર્મચારી રીટાયર્ડ થાય કે સંસ્થા છોડી જાય ત્યારે તેને આપવાની રકમની ગણતરી, કાયદાની જોગવાઈઓ વગેરે સવાલો માટે પ્રર્વતતી ગેરસમજણો દૂર કરવાનો અને ઉધોગપતિઓ,વેપારીઓ અને સંસ્થાઓએ કાયદાનો અમલ કેવી રીતે કરી શકાય, સર્વે બાબતોની સરળ ભાષામાં સમજણ મળે અને તેને લગતા પ્રશ્નોનું નિરાકરણ મળે તે માટે SGPC દ્વારા, સમૃધ્ધિ, નાનપુરા ખાતે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું.
સંસ્થાનાં પૂર્વ પ્રમુખ અને લેબર લોઝ પ્રેકટીશનર એસોશીએશનનાં વર્તમાન પ્રમુખ નિમિષ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તથા સુરત અને તાપી પ્રદેશનાં આસિસ્ટન્ટ લેબર કમિશ્નર એસ.એસ.દુબે વિશેષ વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાનાં પ્રમુખ નિરવ રાણાએ સેમિનારની શરૂઆત કરતાં હાજર સર્વેનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ અતિથિ વિશેષ નિમિષ પટેલનું આનંદ મહેતાએ પુષ્પગુચ્છ અને સ્મરણિકા દ્વારા સન્માન કર્યું હતું. સંસ્થાનાં પ્રમુખ નિરવ રાણા અને ઉપપ્રમુખ દિલીપ ચસ્માવાળાએ પુષ્પગુચ્છ અને સ્મરણિકા દ્વારા વિશેષ વક્તા કમિશ્નર એસ એસ દુબેનું વિશેષ સન્માન કર્યું હતું. ત્યારબાદ પ્રખ્યાત લેબર લો કન્સલ્ટન્ટ આનંદ મહેતાએ પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ સેમિનાર શા માટે અને તેનું મહત્વ સમજાવ્યું હતું. જાણીતા વકીલ જયેશ બરવાળિયાએ અતિથિ વિશેષ નિમિષ પટેલનો પરિચય આપ્યો હતો. અને ત્યારબાદ નિમિષ પટેલે સરળ ભાષામાં પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ ૧૯૭૨ વિશે સમજણ આપી હતી. પૂર્વ પ્રમુખ ડૉ. અનિલ સરાવગીએ કાર્યક્રમનાં વિશેષ વક્તા એસ.એસ.દુબેનો પોતાની આગવી શૈલીમાં પરિચય આપ્યો હતો. ત્યારબાદ સુરત અને તાપી પ્રદેશનાં આસિસ્ટન્ટ લેબર કમિશ્નર એસ.એસ.દુબે પોતાના અનુભવો સાથે રસાળ શૈલીમાં ગ્રેજ્યુટી એક્ટ પર વિષેશ સમજણ આપી હતી. આ કાયદાનો વ્યવસ્થિત અમલ કેવી રીતે થાય અને તેનો અમલ કરતાં ભવિષ્યમાં કેવી રીતે લાભપ્રદ રહે તે વિશેષ રીતે સમજવ્યું હતું. ત્યારબાદ હાજર રહેલા માલિકો, મેનેજરો અને એચ.આર. મેનેજર દ્વારા પુછવામાં આવેલા વિવિધ સવાલોના સચોટ નિરાકરણ આપવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખ્યાત નામ લેબર લો કન્સલ્ટન્ટ નેહલ ચોક્સીએ પોતાની રસપ્રદ શૈલીમાં કર્યું હતું. સવાલ જવાબો બાદ સંસ્થાના ઉપપ્રમુખ દિલીપ ચસ્માવાળાએ આનંદ મહેતા અને નેહલ ચોક્સીનો આભાર માની પુષ્પ આપી સન્માન્યા હતા. અને હાજર સર્વે શ્રોતાઑનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પુર્ણાહુતિ કરી હતી.