સુરત. અત્રે મહત્વના કેસમાં ટ્રક ડ્રાઈવરે રાત્રે પેટ્રોલપંપ પાસેના કંપાઉન્ટમાં રાત્રે પાર્ક કરેલી ટ્રક રાત્રી દરમ્યાન ચોરી થઈ જવાથી ટ્રક માલીકે ટ્રકની ચોરી બાબતે કરેલ ઈન્સ્યુરન્સ કલેઈમ વીમા કંપની દ્રારા ડ્રાઇવરે ટ્રક રાત્રે Un-attended છોડી હોવાનું જણાવી અને એ રીતે ઇન્સ્યુરન્સ પોલીસી શરતનો ભંગ થયેલ હોવાનું જણાવી ક્લેઈમ નામંજુર કરવામાં વીમા કંપનીના પક્ષે બેદરકારી અને સેવામાં ક્ષતિ થઇ હોવાનું ઠરાવી ક્લેઈમ નોન-સ્ટાન્ડર્ડ ધોરણે સેટલ કરવા એટલે કે વીમા પોલીસીમાં જણાવેલ IDV ની રકમના ૭૫% ૨કમ વીમેદારને વ્યાજ-વળતર-ખર્ચ સહિત ચુકવી આપવાનો સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન(એડીશનલ)ના પ્રમુખ ન્યાયાધીશ એમ.એચ.પટેલ અને સભ્ય પુર્વીબેન વી. જોષીએ આદેશ આપતો હુકમ કર્યો છે.
કેસની વિગત મુજબ નરેન્દ્રભાઈ જરીવાલા(ફરિયાદી)એ એડવોકેટ ઈશાન શ્રેયસ દેસાઈ/ પ્રાચી અર્પિત દેસાઈ મારફત સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ચોલામંડલમ એમ.એસ જનરલ ઇન્સ્યુરન્સ કંપની લિ. (સામાવાળા) વિરુધ્ધ દાખલ કરાવેલ ફરિયાદની વિગતો એવી હતી કે, ફરિયાદીએ પોતાની ટાટા કંપનીની ટ્રકનો વીમો વીમા કંપની પાસેથી લીધો હતો. વીમા પોલીસીમાં વાહનની IDV રૂા. 27,10,૦૦૦/- જણાવવામાં આવી હતી. વીમો અમલમાં હતો તે દરમિયાન ટ્રક ડ્રાઈવર ટીચકપુરા ગામ ખાતે, ઈન્ડીયન ઓઇલ પેટ્રોલપંપના પાસેના કંપાઉન્ડમાં લોક કરીને પાર્ક કરી હતી. કે જયાં અન્ય માલિકોની અન્ય ટ્રકો પણ ત્યા પાર્ક થાય છે.
ફરિયાદીની ટ્રકમાં GPS System Install કરાવેલ હતી. ત્યારબાદ, તા. 30/૦7/2019ના રોજ સવારે 8ના અરસામાં ફરિયાદીના પુત્ર આતિષ જરીવાલાએ મોબાઇલ પર GPS ચેક કરતા માલૂમ પડેલ કે, ટ્રક જે જગ્યાએ પાર્ક કરી હતી ત્યાંથી મધ્યરાત્રિના અરસામાં નીકળીને બાજીપુરા નહેર તરફ ગઈ હોવાનું અને ત્યારબાદ, ટ્રકમાં ફીટ કરેલ GPS સીસ્ટમ બંધ થઇ ગયેલ માલુમ પડેલ. જેથી ફરિયાદીના પુત્ર અને ડ્રાઇવરે સ્થળ પર જઈને જોતા ટ્રક જે જગ્યાએ પાર્ક કરી હતી તે સ્થળે ન હતી. જેથી ફરિયાદીએ અલગ અલગ સાધન અને માધ્યમોથી ટ્રકની શોધ કરેલ પરંતુ ટ્રક મળી આવેલ નહી. જેથી ફરિયાદવાળી ટ્રક કોઇ અજાણ્યા વ્યકિતએ કોઈ સાધન વડે બળપુર્વક દરવાજો ખોલીને ચોરી કરી નાસી ગયેલ તેમ જણાયેલું. જેથી ત્યારબાદ વ્યારા પોલીસ સ્ટેશનમાં ટ્રકની ચોરી બાબતે FIR નોંધવામાં આવેલ. ત્યારબાદ, ફરિયાદી તરફે વીમા કંપનીને પણ ફરિયાદવાળી ટ્રકની ચોરી અંગે જાણ કરવામાં આવેલી. પરંતુ, સામાવાળાએ ફરિયાદીનો કલેઈમ સેટલ કરેલ નહી. પરંતુ તા. 25/૦9/2020ના રોજના પત્રથી ફરિયાદવાળું વાહન ફરિયાદીએ ડ્રાઇવરે રાત્રે Unattended રાખેલ હોવાનું અને એ રીતે વીમા પોલીસીની શરતનો ભંગ થયેલ હોવાનું કારણ દર્શાવી કલેઇમ નામંજુર કરેલો. જેથી, ફરિયાદીએ ગ્રાહક કમિશન સમક્ષ ફરિયાદ કરેલી.
ફરિયાદી તરફે એડવોકેટ ઇશાન શ્રેયસ દેસાઇ/ પ્રાચી અર્પિત દેસાઈએ ગ્રાહક કમિશન સમક્ષ દલીલો કરતા જણાવ્યું હતું કે, ફરિયાદીની ટ્રક તા.૩૦/૭/૨૦૧૯ ના રોજ ટીચકપુરા ગામે ઓઈલ પેટ્રોલ પંપની બાજુમાં કમ્પાઉન્ડમાં લોક કરીને પાર્ક કરેલ હતી ત્યાંથી ચોરી થતાં, તે અંગેની ફરિયાદ વ્યારા પો. સ્ટેશનમાં આપેલી છે, તેમજ વિમા કંપનીને જાણ કરેલ છે. લોક કરીને પાર્ક કરેલ વાહન Un- attended ગણાય નહી. વળી, દલીલ ખાતર ફરિયાદીના પક્ષે વીમા પાલીસીની શરતનો ભંગ થયો પણ હોય તો પણ વીમા કંપની આખેઆખો કલેઈમ નામંજુર કરી શકે નહી પણ IDV ની રકમના 75% રકમ નોન-સ્ટાન્ડર્ડ ક્લેઇમ તરીકે ચૂકવવા વીમા કંપની જવાબદાર બને છે. તેમ છતાં સામાવાળા વિમા કંપનીએ માત્ર ટેકનીકલ કારણસર ફરીયાદીનો ક્લેઈમ નામંજુર કરેલ હોય, સામાવાળા વિમા કંપનીની સેવામાં ખામી હોવાનું પુરવાર થાય છે, જેથી ફરીયાદ મંજુર કરવા વિનંતી કરેલ. સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (એડીશનલ) ના પ્રમુખ ન્યાયાધીશ એમ.એચ.પટેલ અને સભ્ય પુર્વીબેન વી. જોષીએ આપેલા ચુકાદામાં સામાવાળા વિમા કંપની ફરિયાદીને વાહનની આઈ.ડી.વી.ના 75% રકમ ચુકવી આપવા જવાબદાર હોવાનું ઠરાવેલ તેમજ
ફરિયાદવાળા કેસમાં વાહનની આઈ.ડી.વી. રૂા.27,10,૦૦૦/- હોવાથી તેના 75% ગણતાં રૂ।.20,32,500/- સામાવાળા વિમા કંપની ફરિયાદીને ચુકવી આપવા જવાબદાર હોવા છતાં, સામાવાળા વિમા કંપનીએ અરજદારનો સમગ્ર કલેઈમ નામંજુર કરેલ હોય, સામાવાળા વિમા કંપનીની સેવામાં ખામી હોવાનુ તેમજ સામાવાળા વિમા કંપનીએ ગેરકાયદેસર વેપારનીતી અપનાવેલ હોવાનું પુરવાર થતુ હોવાનું જણાવી ફરિયાદીને રૂા. 20,32,5૦૦/- ફરિયાદની તારીખથી ચુકવણીની તારીખ સુધીમાં વાર્ષિક 7% ના વ્યાજ સાથે હુકમની તારીખથી બે માસમાં ચુકવી આપવાનો તેમજ વળતર + ખર્ચ માટે બીજા રૂા.6,૦૦૦/- સહિત ચુકવી આપવાનો હુકમ કયો છે.