આમ તો ચોમાસાની સિઝન 5 ઓક્ટોબરે જ પુરી થઇ જાય. પરંતુ વરસાદ હજુ ગુજરાતમાંથી જવાનું નામ નથી લેતો. રવિવારે પણ જુનાગઢ, દ્વારકા, રાજકોટ, અમરેલી, કચ્છ જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો.
કમોસમી વરસાદને કારણે જામનગરમાં કપાસ, મગફળી અને કઠોળના પાકને ભારે નુકશાન થયું છે. મગફળીના આખે આખા પથારા પલળી ગયા છે. અમરેલીના બાબરામાં પણ આવું જ થયું છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં ડાંગરના પાકને ભારે નુકશાન થયું છે, ખાસ કરીને વાપી અને પારડીના ખેડુતોનો ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે. આણંદ, નવસારી, વાંસદામાં પણ ડાંગરના પાકને નુકશાન થયું છે. જુનાગઢના કેશોદના મેસવાણમાં મગફળી અને સોયાબીનને પાકને નુકશાન થયું છે. ખેડુતોની 4 મહિનાની મહેનત પર પાણી ફરી વળતા હવે ખેડુતોએ ગુજરાત સરકાર પાસેથી વળતરની માંગ કરી છે.