ઉત્તરાખંડના અલ્મોડામાં યાત્રીઓથી ભરેલી બસ સાથે અકસ્માત થઈ ગયો છે. માર્ચુલા વિસ્તાર પાસે યાત્રીઓથી ભરેલી બસ ખીણમાં પડી જવાના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે, બસમાં 35 કરતા વધુ લોકો સવાર હતા. ઘટના બાદ અલ્મોડાના SSP ઘટનાસ્થળ પર પહોંચ્યા છે. રેસ્ક્યૂ ઓપરેશન માટે SDRFની 3 ટીમો અકસ્માતવાળી જગ્યા પર પહોંચી ગઇ છે અને બચાવ અભિયાન ચાલી રહ્યું છે. અલ્મોડાના SPએ અકસ્માતમાં 28 લોકોના મોત થવાની પુષ્ટિ કરી છે.
SDM સંજય કુમારે જણાવ્યું કે, કેટલાક લોકોને કેઝ્યૂઆલિટી થઈ છે. ઇજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. અલ્મોડાના સલ્ટ માર્ચુલા પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે આ અકસ્માત થયો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ આલોક કુમાર પાંડેએ જણાવ્યું કે, બસ ગઢવાલથી કુમાઉ જઈ રહી હતી, ત્યારે જ અલ્મોડાના માર્ચુલામાં આ અકસ્માત થઈ ગયો. બસમાં લગભગ 40 મુસાફરો સવાર હતા, એટલે જાનહાનિની સંખ્યા વધી શકે છે. પોલીસ અને SDRFના જવાન તપાસ અને બચાવ અભિયાન શરૂ કરવા માટે ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે.
અકસ્માત પર દુઃખ વ્યક્ત કરતા રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી છે. તેમણે લખ્યું કે, ‘જનપદ અલ્મોડાના માર્ચુલામાં થયેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં મુસાફરોની જાનહાનિ થવાના અત્યંત દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા. જિલ્લા પ્રશાસનને ઝડપથી રાહત અને બચાવ અભિયાન ચલાવવાના નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ વધુમાં લખ્યું કે, ઘટનાસ્થળ પર સ્થાનિક પ્રશાસન અને SDRFની ટીમો ઇજાગ્રસ્તોને કાઢીને સારવાર માટે નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર સુધી પહોંચાડવા માટે ઝડપથી કામ કરી રહી છે. જરૂરિયાત પડવા પર ગંભીર રૂપે ઇજાગ્રસ્ત યાત્રીઓને એરલિફ્ટ કરવાના પણ નિર્દેશ આપ્યા છે.’
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પૌડી અને અલ્મોડામાં સંબંધિત ક્ષેત્રના ARTO અમલીકરણને સસ્પેન્ડ કરવાના નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 1-1 લાખ રૂપિયાની સહાયતા રકમ આપવાના નિર્દેશ આપ્યા છે. તેની સાથે જ કુમાઉ મંડળના કમિશનરને ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના નિર્દેશ આપ્યા છે.