મહારાષ્ટ્રના રાજકારણમાં એક્સ ફેક્ટર તરીકે ઓળખાતા મરાઠા આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલે ચૂંટણીથી પોતાને દૂર કરી લીધા છે. આટલું જ નહીં, તેમણે તેમના કાર્યકરોને તેમના નામ પાછા ખેંચી લેવા આદેશ પણ આપ્યો છે, જેમણે મરાઠા આંદોલન વતી ઉમેદવારી નોંધાવી હતી. મનોજ જરાંગે પાટિલના આ પગલાથી મહાયુતિ (BJP, NCP અને શિવસેના ગઠબંધન) વધુ પરેશાન જણાય છે.
મનોજ જરાંગે પાટીલે મીડિયા સાથે વાત કરતા કહ્યું, ‘અમે એક સમાજના બળ પર ચૂંટણી લડી શકીએ નહીં. અમે મુસ્લિમ અને દલિત સમુદાયના નેતાઓ પાસેથી ઉમેદવારોની યાદી માંગી હતી, પરંતુ તે મેળવી શક્યા નહીં, તેથી અમે આ ચૂંટણીમાં ઉમેદવારો ઉભા નહીં કરીએ.’
રાજકીય નેતાઓ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું, ‘રાજનીતિ એ અમારો ખાનદાની ધંધો નથી. અમે કોઈ પક્ષ કે નેતાને સમર્થન આપ્યું નથી. 400ની પારના નારા લગાવનારાઓનું શું થયું, તે તમે જોયું. મરાઠા સમુદાયનું વર્ચસ્વ જળવાઈ રહેશે તેમાં કોઈ શંકા નથી. તમે બધાએ ચૂપચાપ જવાનું છે અને મતદાન કરીને પાછા આવવાનું છે.’ મરાઠા સમુદાયે તેની લાઇન સમજવી જોઈએ. જેઓ મહારાષ્ટ્રના રાજકારણને જાણે છે, તેઓ જરાંગે પાટિલની આ ભાષા પરથી ઘણું સમજી શકે છે.
મનોજ જરાંગે પાટીલ મરાઠવાડાથી આવે છે. મરાઠવાડામાં લોકસભાની 8 બેઠકો છે. ગત લોકસભા ચૂંટણીમાં જરાંગે પાટીલે DyCM દેવેન્દ્ર ફડણવીસ અને BJP સામે મોરચો ખોલ્યો હતો. આના કારણે BJP અને CM શિંદેની શિવસેનાને સૌથી વધુ નુકસાન સહન કરવું પડ્યું હતું. મહાયુતિએ મરાઠવાડામાં લોકસભાની 8માંથી 7 બેઠકો ગુમાવી છે. એટલું જ નહીં તેની અસર મરાઠવાડાને અડીને આવેલા વિદર્ભના યવતમાળ અને પશ્ચિમ મહારાષ્ટ્રના સોલાપુર, અહમદનગર અને માઢા લોકસભા સીટ પર પણ જોવા મળી અને ત્યાં પણ BJPને હારનો સામનો કરવો પડ્યો. મરાઠા સમુદાયના ગુસ્સાને દલિત અને મુસ્લિમ સમુદાયનું પણ સમર્થન મળ્યું હતું અને આ વોટ બેંક મહાયુતિની હાર માટે જવાબદાર હતી.
મનોજ જરાંગે પાટીલના ઉમેદવારો ચૂંટણીમાં આવે એ માટે મહાયુતિના કેટલાક નેતાઓ ચોક્કસ પ્રયાસો કરી રહ્યા હતા. કારણ કે તેમને મરાઠા, દલિત અને મુસ્લિમ વોટબેંકમાં ભાગલા પાડવાના હતા, જેનાથી મહાવિકાસ આઘાડીને સૌથી વધારે નુકસાન થાતે. જો જરંગે પાટીલના ઉમેદવાર ચૂંટણીમાં આવ્યા હોત તો મરાઠા, દલિત અને મુસ્લિમ મતોનું વિભાજન થાય તે નિશ્ચિત હતું. જો આવું થયું હોત તો મહાવિકાસ આઘાડીને સૌથી વધુ નુકસાન થયું હોત. તેથી શરદ પવારે પણ મનોજ જરાંગે પાટિલના ચૂંટણી ન લડવાના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, ‘મહાવિકાસ અઘાડી અને જરાંગે પાટીલ વચ્ચે ચૂંટણીના રાજકારણથી દૂર રહેવાનો કોઈ પરસ્પર સંબંધ નથી. મને ખુશી છે કે, તેણે આ નિર્ણય લીધો. જો તેઓએ ઉમેદવારો ઉભા રાખ્યા હોત તો સ્પષ્ટ છે કે તેનો ફાયદો BJPને મળત.’
મરાઠવાડામાં 46 વિધાનસભા સીટો છે. અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં 70 બેઠકો છે. આ બંને ક્ષેત્રોમાં મનોજ જરાંગેનો ખાસ્સો દબદબો છે. આથી દરેક પક્ષના ઉમેદવારો મનોજ જરાંગે પાટિલને મળીને તેમનું સમર્થન મેળવવા જતા રહ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં મરાઠા સમાજની સાથે બંધારણ બદલવાની ઝુંબેશ અને મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવાના કારણે ત્રણેય સમુદાય મહાવિકાસ અઘાડીની સાથે ઉભા હતા.
આ વખતે મુસ્લિમ સમાજ સામે BJPના નેતાઓની બયાનબાજીના કારણે અહીં પણ તે જ પેટર્નનું પુનરાવર્તન થાય તેવી ધારણા છે. બીજી તરફ, મહાવિકાસ અઘાડીની વોટબેંકમાં ભાગલા પડાવવા માટે BJPએ ‘કટંગે તો બટેંગે’ની લાઇન પર પોતાનો પ્રચાર શરૂ કર્યો છે. આ કારણે મહાયુતિ હિંદુ મતોને સાથે રાખીને વધુ ફાયદા ઇચ્છે છે. પરંતુ DyCM અજિત પવારની પાર્ટીની વિચારધારા એક મોટી સ્પીડ બ્રેકર જેવી નજરે પડે છે. કારણ કે આજે પણ તે સેક્યુલર પાર્ટી તરીકે જ કામ કરી રહી છે. તેથી હવે મનોજ જરાંગે પાટીલનું ચૂંટણી નહીં લડવાનું પગલું મહાયુતિને મોટું નુકસાન પહોંચાડી શકે છે.
મનોજ જરાંગે પાટીલે છેલ્લા ત્રણ મહિનાથી ચૂંટણી લડવાની જાહેરાત કરીને મરાઠા સમુદાયને આશા બતાવી હતી. પીઢ મરાઠા નેતાઓ ઉપરાંત ગરીબ અને મધ્યમ વર્ગના મરાઠા યુવાનો આને નવી તક તરીકે જોઈ રહ્યા હતા. મનોજ જરાંગે ચૂંટણી લડવા માંગતા લોકોને ઘણી જગ્યાએ ઉમેદવારી નોંધાવવા જણાવ્યું હતું. હવે તેમને ફરીથી યુટર્ન લેવા માટે કહેવામાં આવી રહ્યું છે, આની સમુદાય પર શું અસર થશે તે હજુ સ્પષ્ટ નથી.
પરંતુ સ્પષ્ટપણે ગરીબો અને જેમની પાસે તકનો અભાવ છે, મરાઠા સમુદાયના તમામ લોકો મનોજ જરાંગે સાથે છે. તેમને OBC કેટેગરીમાં મરાઠાઓને અનામત અપાવવા માટે મનોજ જરાંગે દ્વારા લડવામાં આવેલી લડાઈમાં વિશ્વાસ છે. હવે ચૂંટણીમાં લોકસભાની પેટર્નનું પુનરાવર્તન થશે કે પછી બીજું તે હવે જોવાનું બાકી રહ્યું છે.