ભારતે 2047 સુધીમાં વિકસિત અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. જો કે, આ આકાંક્ષાને હાંસલ કરવા માટે ગંભીર માળખાકીય સુધારાની જરૂર પડશે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના એશિયા એન્ડ પેસિફિક ડિપાર્ટમેન્ટ (APD)ના ડાયરેક્ટર કૃષ્ણા શ્રીનિવાસને એક ઇન્ટરવ્યુમાં આ વાત કહી. તેના પ્રાદેશિક આર્થિક આઉટલુકમાં, IMFએ નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતનો વિકાસ દર 7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. શ્રીનિવાસને કહ્યું છે કે, આ ગતિએ વૃદ્ધિ કરીને ભારત માટે 2047 સુધીમાં વિકસિત અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય હાંસલ કરવું મુશ્કેલ બનશે.
શ્રીનિવાસને કહ્યું કે, IMFએ ભારતની વૃદ્ધિના અનુમાનને યથાવત રાખ્યો છે. જોકે, કેટલાક સ્થાનિક અર્થશાસ્ત્રીઓએ તેમના અંદાજમાં ઘટાડો કરવાનું શરૂ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, રોગચાળા પછીની માંગ અને નબળા આધારની અસરને કારણે કેટલાક સૂચકાંકો નરમ થવાની ધારણા છે. આની સાથે જ, પ્રમાણમાં સ્થિર ચોમાસાને પગલે ગ્રામીણ માંગ મજબૂત થવાની ધારણા છે. તેથી, IMFનો અંદાજ છે કે, GDP વૃદ્ધિ દર નાણાકીય વર્ષ 2023-24માં 8.2 ટકાથી ઘટીને 2024-25 માં 7 ટકા થશે. પછી તે 2025-26માં 6.5 ટકાના સંભવિત વૃદ્ધિ દર પર પાછો ફરશે.
શ્રીનિવાસને એમ પણ કહ્યું કે, આ દૃષ્ટિકોણમાં જોખમો પણ છે. માંગ અપેક્ષા કરતા ઓછી હોઈ શકે છે. બાહ્ય આંચકા પણ આવી શકે છે. મધ્ય પૂર્વમાં વધી રહેલા સંઘર્ષની ભારત પર શું અસર પડશે, તે કહેવું અત્યારે મુશ્કેલ છે. વસ્તુઓ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. તેમના મતે, આ ક્ષેત્રના દેશો યુદ્ધથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. તેઓ અત્યારે યુદ્ધના કેન્દ્રમાં છે.
શ્રીનિવાસને કહ્યું, અમે અત્યાર સુધી ભારત પર તેની અસર વિશે જે જોયું છે તે એ છે કે, કેટલાક વેપાર અવરોધો હોઈ શકે છે, જે 2022 જેવા નથી. તેલ અને કોમોડિટીના ભાવ પર તેની અસર પ્રમાણમાં નજીવી રહી છે. એકંદરે, તેલના ભાવમાં 10 ટકા વધારો વૈશ્વિક GDPમાં 0.15 ટકા ઘટાડા તરફ દોરી જાય છે. ફુગાવાનો દર 0.4 ટકા વધે છે.
ભારત આગામી થોડા વર્ષોમાં આ વૃદ્ધિ દરે તેના 2047ના લક્ષ્યાંકને પૂર્ણ કરી શકશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા શ્રીનિવાસને જણાવ્યું હતું કે, 6.5 ટકાનો વિકાસ દર તે લક્ષ્યને પહોંચી વળવા માટે પૂરતો નથી. તે આકાંક્ષાને પરિપૂર્ણ કરવા માટે ઘણા ગંભીર માળખાકીય સુધારા કરવા પડશે.
તેમણે કહ્યું, ‘જો તમે આજે 7 ટકા વૃદ્ધિ સાથે શરૂઆત કરો છો, તો પણ ભારત પૂરતી નોકરીઓનું સર્જન કરી રહ્યું નથી. ભારતમાં દર વર્ષે 1.4 કરોડ લોકો શ્રમ દળમાં જોડાય છે.’
શ્રીનિવાસને કહ્યું કે, ટૂંકા ગાળામાં લેબર માર્કેટને વધુ લવચીક બનાવવા માટે લેબર કોડ્સ લાગુ કરવા પડશે. બીજું, જો ભારત સર્વિસ સપ્લાય ચેઈનને વધુ સારી રીતે સંકલિત કરવા માંગે છે, તો તેણે ઘણા વેપાર પ્રતિબંધો ઘટાડવાની જરૂર છે. ભારતમાં સરેરાશ ટેરિફ છેલ્લા 10 વર્ષ કે તેથી વધુ સમયથી વધ્યા છે. વેપાર નિયંત્રણો દૂર કરવા પર કામ કરવાની જરૂર છે. ત્રીજી બાબત એ છે કે, ભૌતિક અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બંને પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખવું.
શ્રીનિવાસનને લાગે છે કે, આ ત્રણ બાબતો છે જે ટૂંકા ગાળા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ આનાથી આગળ વધીને, વૃદ્ધિની સંભાવનાને વધુ વધારવા માટે, ભારતે શિક્ષણ અને કૌશલ્યોને મજબૂત કરવા, જમીન અને કૃષિ સુધારાને અનુસરવા, સામાજિક સુરક્ષા માળખાને મજબૂત કરવા અને પ્રશાસનના નિયમોનું કડક પાલન કરાવવું જેવા સંખ્યાબંધ સુધારા કરવાની જરૂર પડશે. શ્રીનિવાસનના મતે, જો તમે ખૂબ જ ઝડપી ગતિએ વૃદ્ધિ કરવા માંગતા હો, જે સ્તરની તમે વાત કરી રહ્યા છો, તો તમારે 8 ટકા-8.5 ટકાથી ઉપરની જરૂર છે.
ભારતમાં ટેરિફ વધારા અંગેના તેમના મંતવ્ય વિશે પૂછવામાં આવતા, તેમણે કહ્યું કે, તેણે ઘણા મુક્ત વેપાર કરારો પર હસ્તાક્ષર કર્યા છે. આનાથી ટેરિફમાં ઘટાડો થયો છે. સસ્તા માલની આવકને ગંભીર ચિંતા તરીકે જોવામાં આવી રહી છે.