આ વર્ષે દેશના ઘણા રાજ્યોમાં ઠંડી રેકોર્ડ તોડવા જઈ રહી છે, જેને લઈને હવામાન વિભાગે એલર્ટ પણ જાહેર કર્યું છે. દર વર્ષે દિવાળી દરમિયાન સાચવીને મુકેલા ધાબળા અને રજાઈ કાઢી લેતા હતા, પરંતુ આ વખતે અત્યાર સુધી (1 નવેમ્બર 2024) સવાર અને સાંજના સમયે જ હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક દિવસો સુધી ઘણા રાજ્યોમાં વરસાદ ચાલુ રહેશે, પરંતુ નવેમ્બરમાં, ઉત્તર ભારત સહિત ઘણા સ્થળોએ તીવ્ર ઠંડી પડી શકે છે.
આ શિયાળામાં તીવ્ર ઠંડી પડવાની સંભાવના છે અને તે છેલ્લા 25 વર્ષનો રેકોર્ડ તોડી શકે છે. AMUના ભૂસ્તરશાસ્ત્રીઓ કહે છે કે, ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો પ્રશાંત મહાસાગરમાં ચાલી રહેલી ‘લા-નીના’ અસર સાથે સીધો સંબંધ ધરાવે છે. આ ક્લાઈમેટ ચેન્જને કારણે ઉત્તર ભારતમાં તાપમાન સામાન્ય કરતા વધુ ઘટી શકે છે, જેના કારણે આ વખતે ઠંડી ખૂબ જ તીવ્ર બની શકે છે.
AMUના ભૂગોળ વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. સાલેહા જમાલ કહે છે કે, ‘લા-નીના’ને કારણે આપણા પ્રદેશમાં તાપમાનમાં ઘટાડો થશે અને ઉચ્ચ દબાણવાળા ઠંડા પવનોમાં વધારો થશે, જે ઉત્તર ભારતમાં વધુ ઠંડી લાવશે. તેમણે કહ્યું, ‘આ એક આબોહવા ચક્ર છે, જે હવામાનમાં અણધાર્યા ફેરફારો લાવે છે. ઉદાહરણ તરીકે, પહેલા વરસાદ ઓછો હતો, પરંતુ પછી વધુ પડતા વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ. આવી જ અસ્થિરતા શિયાળામાં પણ જોવા મળી શકે છે.’
પ્રોફેસર જમાલે કહ્યું કે, ‘લા-નીના’ની સીધી અસર રવિ અને ખરીફ પાક પર પણ જોવા મળશે. માર્ચ અને એપ્રિલમાં અસાધારણ ઠંડી અને વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થઈ શકે છે. તેમણે કહ્યું કે, પ્રશાંત મહાસાગરના પવનો વિષુવવૃત્તની સમાંતર પશ્ચિમ તરફ ફૂંકાય છે, જે ગરમ પાણીને દક્ષિણ અમેરિકાથી એશિયા સુધી લઈ જાય છે. ‘અલ નીનો’ અને ‘લા-નીના’ જેવી અસરો માત્ર હવામાનને જ નહીં પરંતુ વૈશ્વિક અર્થતંત્ર અને પર્યાવરણને પણ અસર કરે છે.
ડૉ. જમાલના જણાવ્યા અનુસાર, ‘અલ નીનો’ અને ‘લા-નીના’ની અસર સામાન્ય રીતે 9 થી 12 મહિના સુધી રહે છે, પરંતુ તેમના આવવા માટે કોઈ નિશ્ચિત સમય નથી. આ ચક્ર દર 2 થી 7 વર્ષે થાય છે અને તેની અસર વિશ્વના વિવિધ ભાગોમાં આબોહવાને અસર કરે છે. ખાસ કરીને, ભારતનું ચોમાસું પ્રશાંત મહાસાગરની આબોહવા પર નિર્ભર છે, જેના કારણે આબોહવામાં કોઈપણ ફેરફારની સીધી અસર ભારતના હવામાન પર પડે છે.